વ્યક્તિ દયાની અરજી ક્યારે કરી શકે છે ?
- જ્યારે તે દયાને પાત્ર થાય ત્યારે.
***
વ્યક્તિ દયાને પાત્ર ક્યારે થાય છે ?
- જ્યારે તે કોઈ ઉપર બળાત્કાર કરે, કોઈની હત્યા કરે અથવા આતંકવાદી બનીને નિર્દોષોને જાનથી મારી નાંખે ત્યારે જ તે ‘દયાને પાત્ર’ બની શકે છે.
***
દયાને પાત્ર બનવા માટે બીજું શું જરૂરી છે ?
- તેને જનમટીપ અથવા ફાંસીની સજા થવી જરૂરી છે. જેને આવી સજા થાય તેને જ દયા મેળવવાનો માનવ અધિકાર પ્રાપ્ત થાય છે.
***
શું એ સિવાય ‘માનવ અધિકાર’ પ્રાપ્ત થતો નથી |
- થાય છે ને ! જો તમે આતંકવાદી બનીને નિર્દોષોની હત્યા કરો, તો જેલમાં જતાં પહેલાં, અરે, ગુનો સાબિત થતાં પહેલાં જ તમને ‘માનવ-અધિકાર’ મળી જાય છે. આ દેશમાં અનેક સંસ્થાઓ આવું ‘માનવતા’નું કામ કરે છે.
***
શું મામૂલી માણસોને માનવ અધિકાર નથી હોતો ?
- ના કારણ કે તેઓ તો મરી જાય છે ! મરી ગયા પછી તે ‘માનવ’જ ના રહ્યા, તો માનવ અધિકાર શેનો ?
***
તો પછી જેની ઉપર બળાત્કાર થાય છે, એસિડ એટેક થાય છે એમનું શું ?
- એ બધા ‘પિડીત’ કહેવાય. એમણે તો પહેલાં કાનૂની અધિકાર માટે લડવાનું છે. માનવ અધિકાર તો બહુ દૂરની વાત છે.
***
જેને માનવ-અધિકાર મળે છે તેમના માટે શું લાભોની જોગવાઈ છે ?
- તેમને સરકાર બહારની ક્રુર દુનિયાથી બચાવીને જેલમાં સુરક્ષિત રાખે છે. તેમના રહેવા-ખાવાની તથા ભણવાની પણ વ્યવસ્થા મફતમાં થાય છે. તેઓ જેલમાં રહીને રોજગાર પણ કમાઈ શકે છે. જેલની બહાર રહેતા ‘પિડીતોએ’ આ બધી જફા જાતે કરી લેવાની હોય છે.
***
ઓહોહો ! હવે મને ઝટ કહો કે મામૂલી વ્યક્તિ ‘માનવી’ ક્યારે બની શકે ?
- અંતે !
અંતે ?
- હા, કારણ કે દરેક ઘાતકી ગુનેગાર ‘અંતે’ તો માનવી જ હોય છે ! દયાની અરજી પણ ‘અંત’ નજીક આવતો દેખાય ત્યારે જ કરવાની હોય છે.
***
- મન્નુ શેખચલ્લી
Marvellous!
ReplyDelete