દયા અને ડાકણ !


વ્યક્તિ દયાની અરજી ક્યારે કરી શકે છે ?

- જ્યારે તે દયાને પાત્ર થાય ત્યારે.

***

વ્યક્તિ દયાને પાત્ર ક્યારે થાય છે ?

- જ્યારે તે કોઈ ઉપર બળાત્કાર કરે, કોઈની હત્યા કરે અથવા આતંકવાદી બનીને નિર્દોષોને જાનથી મારી નાંખે ત્યારે જ તે ‘દયાને પાત્ર’ બની શકે છે.

***

દયાને પાત્ર બનવા માટે બીજું શું જરૂરી છે ?

- તેને જનમટીપ અથવા ફાંસીની સજા થવી જરૂરી છે. જેને આવી સજા થાય તેને જ દયા મેળવવાનો માનવ અધિકાર પ્રાપ્ત થાય છે.

***

શું એ સિવાય ‘માનવ અધિકાર’ પ્રાપ્ત થતો નથી |

- થાય છે ને ! જો તમે આતંકવાદી બનીને નિર્દોષોની હત્યા કરો, તો જેલમાં જતાં પહેલાં, અરે, ગુનો સાબિત થતાં પહેલાં જ તમને ‘માનવ-અધિકાર’ મળી જાય છે. આ દેશમાં અનેક સંસ્થાઓ આવું ‘માનવતા’નું કામ કરે છે.

***

શું મામૂલી માણસોને માનવ અધિકાર નથી હોતો ?

- ના કારણ કે તેઓ તો મરી જાય છે ! મરી ગયા પછી તે ‘માનવ’જ ના રહ્યા, તો માનવ અધિકાર શેનો ?

***

તો પછી જેની ઉપર બળાત્કાર થાય છે, એસિડ એટેક થાય છે એમનું શું ?

- એ બધા ‘પિડીત’ કહેવાય. એમણે તો પહેલાં કાનૂની અધિકાર માટે લડવાનું છે. માનવ અધિકાર તો બહુ દૂરની વાત છે.

***

જેને માનવ-અધિકાર મળે છે તેમના માટે શું લાભોની જોગવાઈ છે ?

- તેમને સરકાર બહારની ક્રુર દુનિયાથી બચાવીને જેલમાં સુરક્ષિત રાખે છે. તેમના રહેવા-ખાવાની તથા ભણવાની પણ વ્યવસ્થા મફતમાં થાય છે. તેઓ જેલમાં રહીને રોજગાર પણ કમાઈ શકે છે. જેલની બહાર રહેતા ‘પિડીતોએ’ આ બધી જફા જાતે કરી લેવાની હોય છે.

***

ઓહોહો ! હવે મને ઝટ કહો કે મામૂલી વ્યક્તિ ‘માનવી’ ક્યારે બની શકે ?

- અંતે !

અંતે ?

- હા, કારણ કે દરેક ઘાતકી ગુનેગાર ‘અંતે’ તો માનવી જ હોય છે ! દયાની અરજી પણ ‘અંત’ નજીક આવતો દેખાય ત્યારે જ કરવાની હોય છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment