તમામ એડલ્ટ કન્ટેન્ટની માં... 'ચેતના' !

આજે ફિલ્મોમાં અને ખાસ તો વેબસિરીઝોમાં જે રીતે ‘એડલ્ટ’ કન્ટેન્ટ (યાને કે વડીલો સાથે બેસીને ના જોઈ શકાય ‘એવું બધું’) એટલું બધું વધી ગયું છે કે વેબસિરીઝો માટે પણ અલગ સેન્સર બોર્ડ બનાવવાની વાત ચાલી છે.

આવે વખતે ૧૯૭૦માં આવેલી એક સાવ મામૂલી બજેટમાં બનેલી ફિલ્મ, જેનો હીરો સાવ નવો, જેનો ડિરેક્ટર સાવ નવો… પણ જેનો સબ્જેક્ટ એટલો બધો ‘નવો’ હતો કે આખા દેશમાં એક જાતનો હાહાકાર મચી ગયો હતો !

જે લોકો ૧૯૭૦માં ૧૮-૨૦ વરસના હશે એમને યાદ હશે કે સાલું, ફિલ્મનું પોસ્ટર જ કેવું ‘ખતરનાક’ હતું ! લાર્જ સાઈઝનાં જે બેનરો થિયેટરો ઉપર લાગેલાં એમાં હીરોઈન રેહાના સુલતાનના બે ઉઘાડા પહોળા પગની વચ્ચેથી સામે દૂર ઊભેલો ભોળો અનિલ ધવન !

આ ફિલ્મને સેન્સર બોર્ડે ‘A’ સર્ટિફિકેટ આપેલું એ તો જાણે મોટો એવોર્ડ હોય એમ અમુક પોસ્ટરોમાં તો રેહાનાના બે પગની વચ્ચે મોટો ‘એ’ અક્ષરને ગોઠવી દીધો હતો ! હદ કહેવાય ને ?

અમને યાદ છે, અમે તે વખતે વડોદરાની એમ એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા હતા. યંગ લવરમૂછિયા છોકરાઓનાં ટોળેટોળાં અચાનક ‘એડલ્ટ’ બનવા માગતા હતાં એટલે થિયેટરો ઉપર હાઉસફૂલનાં પાટિયાં લટકતા થઈ ગયાં હતાં ! એ તો ઠીક, ફિલ્મે એવી ગજબની ચકચાર ઊભી કરેલી કે યુનિવર્સિટીમાં ભણતી છોકરીઓ પણ ડઝન-ડઝનના ઝુમખામાં 'ચેતના' જોવા આવતી હતી !

જોકે ફિલ્મનો માત્ર સબ્જેક્ટ જ બોલ્ડ હતો. અંદર ‘જોવા જેવું’ બહું બધું નીકળશે એમ ધારીને બ્લેકમાં ટિકીટ લેનારા લાળપાડુઓને પૈસા પડી ગયા એવું લાગતું હતું. બીજી તરફ, સાવ નવાઈ લાગે એવી વાત એ હતી કે નવી જનરેશનને આ ‘બોલ્ડ’ સબ્જેક્ટ ગમી ગયો હતો.

કેમકે અત્યાર સુધી સેક્સ વર્કરના નામે ફિલ્મોમાં ‘તવાયફો’ જ આવતી હતી. ૧૯૭૦માં પહેલીવાર એવું બન્યું કે હાર્ડ-કોર સેક્સ-વર્કરને હિરોઈન તરીકે મોટા પરદા ઉપર લાવવામાં આવી હતી.

ફિલ્મની બોલ્ડ વારતા એવી હતી કે મા-બાપ વિના એકલો રહેતા અનિલ ધવનની મુલાકાત રેહાના સાથે બે ચાર વાર (જાહેરમાં, રોડ ઉપર, વગેરે) થાય છે એમાં આ ભાઈ વન-સાઈડેડ પ્રેમમાં પડી ગયા છે. બિચારાને ખબર જ નથી કે એ છોકરી ‘એવી’ છે ! એમાં વળી દિલ્હીથી આવેલો એનો 'રંગીલા' સ્વભાવનો ખાસ દોસ્ત શત્રુઘ્ન સિંહા આ ‘લવેરિયા’ નામની બિમારી દૂર કરવા માટે એક રાત માટે પોતાની  ખાસ 'કંપેનિયન' રેહાનાને ‘ગિફ્ટ’ તરકે મોકલી આપે છે ! (અહીં જ પેલો પોસ્ટરવાળો પોઝ આવે છે.)

એ રાત્રે ‘આવું બધું’ જોવા છતાં અનિલભાઈ એના પ્રેમમાં પડી જાય છે ! અને પ્રપોઝ પણ કરી નાંખે છે ! કોર્ટમાં ફટાફટ લગ્ન થઈ જાય છે. ત્યાર બાદ થોડા દિવસ માટે અનિલભાઈ બહારગામ જાય છે યારે રેહાનાને ખબર પડે છે કે પોતે પ્રેગનન્ટ છે ! 

હવે એનો ‘બાપ કોણ હશે ?’ આવા અઘરા સવાલના જવાબનો સામનો કરવાની હિંમત ના રહી હોવાથી રેહાના છેવટે આપઘાત કરે છે…

આ બધું તો સમજ્યા, પણ ‘ચેતના’ની અસલી કહાણી એના મેકિંગની છે.... રણજિત સ્ટુડિયોની બહાર ચાની કીટલી પર કામ કરતો બાબુરામ નામનો જુવાનિયો અથડાઈ, કૂટાઈ, પીટાઈ ને છેવટે ફિલ્મોમાં આસિસ્ટન્ટગિરી કરતાં કરતાં એક સ્ક્રીપ્ટ લખી નાંખે છે. 

બાબુરામ એ સ્ક્રીપ્ટ લઈને બાઈ બાઈ ચાળણી કરતાં ઠેર ઠેર ધક્કા ખાય છે. છેવટે એના એક મિત્ર, આઈ એમ કુન્નુ નામના એડિટર, થોડા રૂપિયા આપવા તૈયાર થાય છે, અને એ જ કુન્નુ બીજા બે જણાને રૂપિયા રોકવા મનાવી લે છે.

હવે બાબુરામ સિનિયર અભિનેત્રી નાદીરા પાસે જઈને રિક્વેસ્ટ કરે છે કે તમારો લોનાવાલાનો જે બંગલો છે એની ચાવી આપોને ? અને હા, આ ફિલ્મમાં તમારો પણ એક નાનકડો રોલ છે ! નાદીરાને કોણ જાણે, શું ભરોસો પડ્યો તે બાબુરામને ચાવી આપી દીધી !

બસ, પછી શું ? પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી નવા નવા બહાર પડેલા ત્રણ કલાકારો, રેહાના સુલતાન, અનિલ ધવન અને શત્રુઘ્ન સિંહાને લઈને બાબુરામે આખી ફિલ્મ માત્ર ૨૮ દિવસમાં શૂટ કરી નાંખી !

એમાંય એવું કે ‘મૈં તો હર મોડ પર તુજ કો દુંગા સદા..’ ગાયન, જે આજે મુકેશના ચાહકો દિલથી ગાય છે, એના શબ્દો શું છે, ધૂન શું છે, એ જાણ્યા વિના જ લોનાવાલા બેઠાં બેઠાં બાબુરામે ફોન પર સંગીતકાર સપન-જગમોહનને સિચ્યુએશન સમજાવીને ‘સોપારી’ આપતાં કીધેલું કે ‘ગાના બનાકર જલ્દી ભેજો, મુઝે યહાં શૂટ કરના હૈ !’ 

માત્ર ચાર જ દિવસમાં તૈયાર થયેલું એ ગીત (નક્શ લ્યાલપુરીના શબ્દો) આજે પણ યાદગાર છે !

બાબુરામે ફિલ્મનું ૮૦ ટકા શૂટીંગ નાદિરાના બંગલામાં, એના ગાર્ડનમાં તથા આસપાસના સ્થળો પર ‘ખેંચી’ મારેલું ! અરે, પૈસાની કંજુસી એટલી હદે, કે અનિલ ધવનની બર્થ-ડે પાર્ટના દૃશ્યમાં શત્રુઘ્ન અને અનિલ સિવાયના જે ૨૦-૨૫ ‘મહેમાનો’ (ક્રાઉડ) હોવા જોઈએ તે દેખાડ્યા જ નથી ! લેતા-જાવ !

તમને થતું હશે કે યાર, તમે આ ‘બાબુરામ બાબુરામ’ કેમ લખ્યા કરો છો ? બી. આર. ઈશારા લખોને ? તો વાત એમ છે કે ચાની કીટલી પર કામ કરતા એ જુવાનિયાની ઉર્દૂ શાયરી સાંભળીને એ સમયના ફિલ્મી શાયર કમર જલાલાબાદીએ નવું તખલ્લુસ આપેલું ‘ઈશારા’ ! આ રીતે એમનું નામ થયું બી. આર. (બાબુરામ) ‘ઈશારા’ !

‘ચેતના’ પહેલાં બીઆર ઈશારાએ ‘ઇન્સાફ કા મંદિર’ અને ‘કાનૂન ઔર સઝા’ નામની બે ફિલ્મો બનાવેલી. પૈસા અને પ્લાનિંગના અભાવે બંને ફિલ્મોમાં મોટાં મોટાં ‘થીગડાં’ રહી ગયેલાં સરવાળે એ ફ્લોપ ગયેલી.

પરંતુ ‘ચેતના’ હિટ થયા પછી ઈશારા સાહેબે મેગી નૂડલ્સની સ્પીડમાં ફટાફટ ડઝનબંધ ફિલ્મો ખેંચી મારેલી ! જેમાં દેવ આનંદ, ઝિનત અમાન (પ્રેમ શાસ્ત્ર) અને અમિતાભ, જયા (એક નઝર) જેવા મોટા મોટા સ્ટાર પણ બાબુરામના ‘ઈશારા’થી બાટલામાં ઉતરી ગયા હતા ! બોલો.

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* માત્ર ૯૫,૦૦૦ રૂપિયામાં બનેલી આ ફિલ્મે રોકાણ સામે પાંચ ગણો નફો કર્યો હતો.

* સેન્સર બોર્ડને ફિલ્મના વિષય સામે કોઈ વાંધો નહોતો ! એમનો એક જ સવાલ હતો કે તમે VAT-69 નામની શરાબની બોતલ વારંવાર કેમ બતાડી છે ?

* રેહાના સુલતાન સારી અભિનેત્રી હોવા છતાં ‘ચેતના’ના કારણે તેની ઇમેજ ‘બોલ્ડ અને સેકસી’ થઈ ગઈ. જેના લીધે એની કરિયર જલદી પતી ગઈ.

* પાછળથી રેહાના સુલતાને પોતાનાથી ૧૫ વરસ મોટા બીઆર ઈશારા સાથે જ પરણી ગઈ હતી.

* બીઆર ઈશારા શત્રુઘ્ન સિંહાને હીરો તરીકે લેવા માગતા હતા પણ ખુદ શત્રુઘ્નએ અનિલ ધવનનું નામ સૂચવ્યું હતું.

***

- મન્નુ શેખચલ્લી 

Comments