પૂનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં એક સમયે એવું કહેવાતું હતું કે ‘જો તમે ‘ગાઈડ’ જેવી ફિલ્મ શી રીતે બનાવાય તે સમજી શકો તો તમે બોલીવૂડમાં ક્યારેય ફ્લોપ નહીં થાવ !’
એક તો એફટીઆઈઆઈના લોકોને આપણી હિન્દી ફિલ્મો આમ પણ ખાસ ‘સમજાતી’ નથી ! ઉપરથી ત્યાં હિન્દી ફિલ્મોને ‘ભણાવતા’ પણ નથી, (બધી વિદેશી ફિલ્મોનાં જ એનાલિસિસ થાય છે), ત્યાં એમને ‘ગાઈડ’ તો ઉખાણું જ લાગે ને ?
છતાં, ‘ગાઈડ’માં એવું તે શું હતું કે ઇન્સ્ટીટ્યુટમાં આવી વાત થતી હતી ? તો એ સમજવા માટે ‘ગાઈડ’ના મેકિંગની આખી દાસ્તાન સમજવા જેવી છે.
વાત એમ હતી કે આર. કે. નારાયણ (આર. કે. લક્ષ્મણના ભાઈ અને ‘માલગુડી ડેય્ઝ’ના લેખક)ની અંગ્રેજી નવલકથા ‘ધ ગાઈડ’ વાંચીને દેવ આનંદ એટલા અભિભૂત થઈ ગયેલા કે તે રીતસર આર. કે. નારાયણની પાછળ પડી ગયેલા ! નારાયણજીએ એમને ખુબ ટટળાવ્યા, પણ છેવટે દેવ આનંદ સાહેબની જીદ સામે એમણે નમતું જોખવું જ પડ્યું. પણ એ ક્યારે ? જ્યારે દેવ આનંદે કહ્યું કે ‘આ ફિલ્મ હું અંગ્રેજીમાં બનાવીશ !’
યસ ! ‘ગાઈડ’ અંગ્રેજીમાં (પણ) બની હતી ! એમાંય, દેવ આનંદે જરાય કસર છૂટી ના જાય એટલા માટે ૧૯૬૨ના પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા અને ૧૯૬૫માં સાહિત્ય માટેના નોબેલ પ્રાઈઝ વિનર ‘પર્લ બક’ નામનાં લેખિકાને ‘ગાઈડ’ની પટકથા-સંવાદ લખવાનું કામ સોંપ્યું ! (બાય ધ વે, પર્લ બકનું ગુજરાતી ‘મોતીબેન હરણ’ થાય, હોં !)
હવે જ્યારે ખુદ મોતીબેને સ્ક્રીપ્ટમાં હીરા-મોતી ટાંક્યા હોય પછી શું જોવાનું હોય, એવું વિચારીને દેવ સાહેબે ફિલ્મના ડિરેક્ટર તરીકે અમેરિકામાં સાવ ઓર્ડીનરી ગણાતા ‘ટેડ ડેનિયલવસ્કી’ (જેક ડેનિયલ વ્હીસ્કી નહીં, યાર !)ને રાખી લીધા. અને બોસ, બધી બબાલોની શરૂઆત ત્યાંથી જ થઈ…
દેવ સાહેબે મોટા ઉપાડે એવું પ્લાનિંગ કરેલું કે અંગ્રેજી અને હિન્દી વર્ઝનોનું શૂટિંગ એકસાથે જ કરવાનું ! બસ, લોચો ત્યાં જ થયો ! એક તો દેવ સાહેબે પેલાં મોતીબેને લખેલી અંગ્રેજી સ્ક્રીપ્ટનું હિન્દી ટ્રાન્સલેશન કરાવી રાખેલું. ઉપરથી વિજય આનંદને છેક છેલ્લી ઘડીએ જ એ સ્ક્રીપ્ટ પહોચાડવામાં આવી. એમાંય શૂટીંગના પહેલા જ દિવસે જ થયો મોટો ઝગડો !
વાત એમ બની કે ઉદયપુરમાં જ્યાં આઉટડોર શુટિંગ રાખેલું ત્યાં પેલા અમેરિકન ડિરેક્ટરે એક સીનનું શૂટિંગ પતાવીને વિજય આનંદને કીધું કે ‘હવે તમે પણ તમારા હિન્દી વર્ઝનના શોટ્સ લઈ લો..’
વિજય આનંદ સમસમી ગયા. એમણે એ જ ઘડીએ દેવ આનંદને સંભળાવી દીધું કે ‘આ તે કઈ રીત છે ? મારાથી આ રીતે કામ નહીં થાય !’ દેવ આનંદે સમજાવવાની કોશિશ કરી કે ભાઈ, સ્ક્રીપ્ટ તો રેડી જ છે ને ? એમાં વચ્ચે વચ્ચે ગાયનો નાંખી દઈશું….
પણ વિજય આનંદ મક્કમ હતા. એમણે કહ્યું કે, ‘જો મારી પાસે ડિરેક્શન કરાવવું હોય તો આખી સ્ક્રીપ્ટને ધરમૂળથી બદલવી પડશે. આ અનુવાદિયું કામ નહીં ચાલે !’
દેવ આનંદે જાણીજોઈને એમના મોટાભાઈને ઉશ્કેરવા માટે આ ‘દાવ’ રમ્યો હયો કે પછી ખરેખર વિજય આનંદની ‘હટી ગઈ’ હશે, એ તો ખબર નથી, પરંતુ ત્યાર બાદ વિજય આનંદે જે રીતે ‘ગાઈડ’ બનાવી એ જ પેલી ફિલ્મ ઇન્સ્ટિટ્યુટના સ્ટુડન્ટો માટે એક ‘સિલેબસ’ બની શકે ! શી રીતે ?
તો સાહેબો, સૌથી પહેલાં તો વિજય આનંદે ‘ગાઈડ’ના અફલાતૂન છતાં મિનિંગફૂલ ગીતો તૈયાર કરાવ્યાં. કેમકે જ્યાં એક અદ્ભૂત નૃત્યાંગનાની સ્ટોરી હોય ત્યાં ડાન્સ અને સોંગ ના હોય તો ચાલે જ કેમનું ? (જોકે હોલીવૂડનાં મોતીબેન અને ટેડભાઈએ તો ગાયનો રાખ્યાં જ ના હોય ને ?)
અને ગાયનો પણ કેવાં કેવાં ? જેના માટે સચિનદેવ બર્મન બોલ્યા હતા કે ‘ગાઈડ’ના ગીતોની ધન બનાવવામાં મેં સૌથી વધુ સમય લીધો હતો…’ અને જેના લિરિક્સ માટે જાવેદ અખ્તર પણ કુરબાન થઈને કહે છે કે ‘ક્યું નાચે સપેરા ? વાહ, શૈલેન્દ્ર ને સિર્ફ તીન લબ્ઝો મેં કિતની બડી બાત લિખ દી હૈ ! કાશ, મૈં અપની પુરી કરિયર મેં એકાદ લાઇન ઐસી લિખ પાતા… દૂસરોં કો નચાનેવાલા સપેરા ખુદ ક્યું નાચને લગા હૈ ?’
આવી જ એક ગજબની પંક્તિ છે કે ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ પછી શૈલેન્દ્રએ એવું કેમ લખ્યું કે ‘આજ ફીર મરને કા ઈરાદા હૈ ?’
હિન્દી ફિલ્મોનો આત્મા એનાં ગીતોમાં વસે છે તે વાત વિજય આનંદ બહુ સારી રીતે જાણતા હતા. (આજકાલની ફિલ્મોનાં ગાયનો સુપરફિશિયલ અને રેઢિયાળ કેમ લાગે છે તેનું રહસ્ય પણ આ જ છે.)
અંગ્રેજી અને હિન્દી વર્ઝનનો સૌથી મોટો ફરક તો ફિલ્મના ક્લાઈમેક્સમાં છે...જ્યાં વરસાદ વરસ્યો નથી, દુકાળની દારૂણ પરિસ્થિતિ છે... એવામાં સંજોગોનો માર્યા સાધુ બની ગયેલા દેવ આનદને કોઈ ગેરસમજને કારણે આમરણાંત ઉપવાસ કરવા પડે છે…
અહીં અંગ્રેજી વર્ઝનમાં તો મંદિર પાસે રીતસર ભક્તોનો ‘મેળો’ બતાડી દીધો છે ! ખાણીપીણીની લારીઓ લાગી ગઈ છે અને બેકગ્રાઉન્ડમાં ‘હેપ્પી મ્યુઝિક’ વાગી રહ્યું છે !
જ્યારે હિન્દીમાં ? ‘રામા મેઘ દે, પાની દે, છાયા દે રે…’ ગીત આવે છે ! (જોયું ? આ ફરક છે.)
અને અભી તો રૂકો… છેલ્લી પંદર મિનિટમાં દેવ આનંદનો પોતાના ‘અંતરાત્મા’ સાથેનો જે સંવાદ છે એ જ તો આખી ફિલ્મની ‘ફિલોસોફી’ છે ! વિજય આનંદે સંવાદ લખ્યો છે :
‘સવાલ યે નહીં હૈ કિ મૈં જીયુંગા યા મરુંગા… સવાલ યે હૈ કિ ઉપર ભગવાન જૈસા કોઈ હૈ ભી યા નહીં ? અગર નહીં હૈ તો મેરે જીને સે આયા મરને સે કોઈ ફર્ક નહીં પડતા… મગર હૈ, તો મુઝે દેખના હૈ કિ ઉસે ઉસ કી ઉપર આસ્થા રખનેવાલોં કી જરા સી ભી પરવા હૈ યા નહીં હૈ !’
આવું બધું આર. કે. નારાયણે એના પુસ્તકમાં તો ના જ લખ્યું હોય ને ? જો લખ્યું હોત તો પેલાં મોતીબેને એમની સ્ક્રીપ્ટમાં ઉમેર્યું હોત !
અને છેલ્લે ‘ભારતીય દર્શન’ની અસલી અસર ત્યાં દેખાય છે જ્યારે દેવ આનંદ મોત તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે એના ‘આત્મા’નો અવાજ ગુંજે છે : ‘જિંદગી પીઘલકર પ્રકાશ બન ગઈ હૈ, સચ્ચાઈ મેરા રૂપ હૈ, તન રહે ના રહે, મૈં રહુંગા… મુઝે આગ મેં ફેંક દો મૈં જલુંગા નહીં, તલવાર સે કાટો, મૈં કટુંગા નહીં… ન સુખ હૈ, ન દુઃખ હૈ… ન દિન હૈ ન દુનિયા.. ન ઇન્સાન, ન ભગવાન.. સિર્ફ મૈં હું, મૈં… સિર્ફ મૈં !’
જોયું ? આખું ભારતીય આત્મદર્શન આવી ગયું ને ? આ હતો ગોલ્ડીનો ‘ગોલ્ડન ટચ’ !
જો યુવાનીમાં આ બધું બહુ ધ્યાનથી ના સમજાયું હોય તો ફરીથી છેલ્લી ૨૫ મિનિટ યુ-ટ્યુબમાં જોઈ લેજો ! પછી તમને એ વાત સમજાશે, જે પેલા ફિલ્મ ઇન્સ્ટિટ્યુટના બુદ્ધિજીવીઓને તો હજી સમજાતી નથી !
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* ‘ગાઈડ’ રિલીઝ થતાં પહેલાં નવકેતન ફિલ્મ્સમાં સૌને જબરદસ્ત ટેન્શન હતું કે ભારતીય પ્રેક્ષકો આ ફિલ્મને સ્વીકારશે કે નહીં ? કેમકે એમાં વહીદા રહેમાન પરણેલી હોવા છતાં દેવ આનંદ સાથે ‘લીવ-ઈન’માં રહે છે. (‘પિયા તૌસે નૈના લાગે રે’ ગીતમાં તો રીતસર સુહાગરાત જેવં દૃશ્ય પણ છે.) છતાં વિજય આનંદે આખી ફિલ્મમાં આ રીલેશનશીપનું કોઈ ‘જસ્ટીફિકેશન’ આપ્યું નથી.
* ‘ગાઈડ’ને સામટા સાત ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.
* ૨૦૧૨માં ‘ટાઈમ’ મેગેઝિને ‘ગાઈડ’ને બેસ્ટ બોલીવૂડ ક્લાસિક્સના લિસ્ટમાં ચોથા નંબરે મુકી હતી.
* અંગ્રેજીમાં બનેલી ‘ગાઈડ’ પહેલાં રિલિઝ થઈ હતી અને અમેરિકામાં બહુ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment