’૭૦નો દાયકો હિન્દી સિનેમાના ઇતિહાસમાં હલચલ મચાવનારી ઘટનાઓથી ભરપૂર રહ્યો હતો. એક તરફ ૭૦માં બનેલી અને ’૭૧માં રિલીઝ થયેલી ‘ચેતના’ પછી રીતસર ‘એડલ્ટ’ ફિલ્મોનું વાવાઝોડું આવી ગયું… એની જાણે પરાકાષ્ઠા હોય તેમ ૧૯૭૪માં અત્યંત ગંદી, ગોબરી અને જુગુપ્સાપ્રેરક ‘ગુપ્તજ્ઞાન’ સરેઆમ થિયેટરમાં રીલીઝ થઈ !
અને પછી જાણે જબરદસ્ત ‘યુ-ટર્ન’ આવતો હોય તેમ જ્યારે ૧૯૭૫માં ‘જય સંતોષી મા’ નામની સાવ મામૂલી માનવામાં આવનારી ધાર્મિક ફિલ્મ રીલીઝ થઈ ત્યારે થિયેટરો રીતસરનાં ‘મંદિરો’ બની ગયાં હતાં !
આજની જેન-ઝિ કે મિલેનિયમ જનરેશનને તો ક્યાંથી ખબર હોય ? પણ ૫૦-૬૦-૭૦ વરસના સિનિયરોએ આ ચમત્કારી નજારો જરૂર જોયો હશે ! જે જે થિયેટરોમાં ‘જય સંતોષી મા’ ચાલતી હતી ત્યાં આજુબાજુના ગામડાંમાંથી બળદગાડામાં, ટ્રેકટરોમાં, ટેમ્પામાં તથા એસટી બસોમાં ભરાઈ ભરાઈને પ્રેક્ષકોનાં ધાડેધાડાં ઉમટી પડતાં હતાં !
ત્યાં સુધી કે એક શોમાં ટિકીટો ના મળે તો ત્યાં જ ધામા નાખીને બેઠા હોય ! એ તો ઠીક, જ્યારે ટિકીટો મળે ત્યારે લોકો પોતપોતાના બૂટ-ચંપલો બહાર ઉતારીને અંદર જતા હતા !
(યસ, બિલકુલ કોઈ મંદિરની બહાર જુતાં-ચંપલ સાચવનારા બેઠા હોય એ રીતે અહીં પણ બે-ચાર જણાની રોજગારી ચાલતી હતી.)
અમુક થિયેટરોની બહાર પૂજા-આરતીની થાળીઓ મળતી હતી ! જેથી ફિલ્મમાં આરતી શરૂ થાય ત્યારે સીટ પરથી ઊભા થઈને આરતી ઉતારી શકાય !
પરદા ઉપર રીતસર ફૂલોની વધામણી થતી ! અને હા, બીજી ફિલ્મોમાં જ્યાં નાટકીય સંવાદો ઉપર કે ધમાચકડીવાળાં ગાયનો ઉપર પરચૂરણ ફેંકવામાં આવતું એ જ રીતે અહીં જ્યારે જ્યારે સંતોષી મા કોઈ ચમત્કાર કરે, કે પેલી ફેમસ આરતી પુરી થાય ત્યારે પરચૂરણનો વરસાદ થતો ! (ડોરકીપરોની આ ‘એકસ્ટ્રા’ આવક હતી.)
નાનકડો ચમત્કાર એ પણ હતો કે અહીં ટિકીટોનાં ‘બ્લેક’ ભાગ્યે જ થતાં હતાં ! ઉલ્ટું, થિયેટરવાળા વધારાની ભીડને એડજસ્ટ કરવા માટે ‘એ જ ભાવે’ રોકડા લઈને લોકોને ભોંય પર બેસવા દેતા હતા !
જે રીતે બીજી ફિલ્મોનાં ગાયનોની પાતળી ચોપડીઓ વેચાતી હતી એ જ રીતે અહીં થિયેટરની બહાર ‘સંતોષી માની વ્રતકથા’ની ચોપડીઓ (ગાયનોની ચોપડી કરતાં ચાર ગણાં પાનાં અને ડબ્બલ કિંમતે) વેચાતી હતી. કહેવાય છે કે તે સમયે અમદાવાદના ત્રણ દરવાજા પાસે એક જાણીતા પ્રકાશકની દુકાન હતી ત્યાંથી પણ સંતોષી માની વ્રતકથાની એક લાખ ચોપડીઓ વેચાઈ ગઈ હતી !
જોકે આ એક લાખનો ટોટલ આંકડો ફિલ્મ રીલિઝ થયાનાં પાંચેક વરસ પછીનો છે, પરંતુ હકીકત એ હતી કે અગાઉ જ્યાં છોકરીઓ અને મહિલાઓ ‘સોળ સોમવારનું વ્રત’ ‘શિવ પાર્વતીનું વ્રત’ કે ‘સત્યનારાયણની વ્રતકથા’ની પાતળી ચોપડીઓ વાંચતી હતી તેના બદલે હવે આ નવું ‘સોળ શુક્રવારનું વ્રત’ ગામડે ગામડે ફેલાઈ ચૂક્યું હતું.
આશ્ચર્ય તો એ વાતનું પણ હતું કે જ્યાં એક બાજુ ‘શોલે’ જેવી મલ્ટિસ્ટાર, બ્લોક-બસ્ટર, સેવન્ટી એમએમ, સ્ટીરીયોફોનિક સાઉન્ડ ધરાવતી ફિલ્મ રાજ કરી રહી હતી એની સામે આ મામૂલી બજેટ ધરાવતી ‘બી’ ગ્રેડની ધાર્મિક ફિલ્મ ‘શોલે’ને ટક્કર આપી રહી હતી. (સૌથી વધુ વકરો કરવામાં ‘શોલે’ પછી બીજા નંબરે હતી !! બોલો.)
એવું તે શું હતું ‘જય સંતોષી મા’માં ?
આમ જોવા જાવ તો ખાસ કંઈ નહીં, છતાં એમાં ઘણું બધું હતું. એક તો આ ફિલ્મ ‘ચેતના’ કે ‘ગુપ્તજ્ઞાન’ની જેમ આડેધડ સસ્તામાં ‘ખેંચી મારી’ હોય તેવી નહોતી. આમાં બા-કાયદા વ્યવસ્થિત સેટ હતા, જરૂરી હોય એટલી સ્પેશીયલ ઇફેક્ટો હતી, સાવ સસ્તી સડેલી નેગેટિવને બદલે પ્રોપર ‘ઇસ્ટમેન કલર’ હતો જે પરદા ઉપરથી ‘ઊડીને’ (ભક્તોની આંખે) વળગી જતો હતો.
આ ઉપરાંત જે મેઇન વાત હતી તે એ કે અહીં આજકાલની જે ટિપિકલ ધાર્મિક વિડીયો ફિલ્મોમાં હોય છે તેવી ઘર ઘરની સ્ટોરી નહોતી ! હા, હિરોઈન ઉપર સાસુ નણંદોનો ત્રાસ હોય, બિચારીનાં નસીબ વાંકા હોય એ બધું તો હતું જ, પણ કહાણીમાં સ્વર્ગલોક, ઇન્દ્રલોક, મા પાર્વતી, મા લક્ષ્મી અને મા સરસ્વતી પણ છે !
અરે, અહીં નારદજી પણ છે, જે આ ત્રણેને મા સંતોષીની ઇર્ષ્યા કરાવવાનું કામ કરે છે ! (કેમકે સંતોષી માતાને ગણેશજીની સુપુત્રી તરીકે દર્શાવાઈ છે.)
એમાંય પ્રદીપજીએ શુદ્ધ હિન્દીમાં લખેલાં સાદા છતાં સાત્વિક ગીતો જેને સી. અર્જુન, યાને કે અર્જુન ચંદનાનીએ સ્વરબદ્ધ કરેલાં ગીતો હિટ થઈ ગયેલાં. (મૈં તો આરતી ઉતારું રે… ની રેકોર્ડના વેચાણનો પણ ‘રેકોર્ડ’ છે, બોસ.)
છેલ્લે, બે ‘મિથ-બસ્ટર’ (ભ્રમ-ભંજક) વાતો…
ફિલ્મના પ્રોડ્યુસર સત્યરામ રોહરાને સંતોષીમા સપનામાં આવેલાં અને ફિલ્મ બનાવવા કહેલું કે એ વાયકા ખોટી છે. સત્યરામ આ અગાઉ બે ફિલ્મો બનાવી ચૂક્યા હતા.
બીજું, ‘શોલે’ની સાથે જ ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫માં ‘જય સંતોષી મા’ રીલીઝ થઈ હતી એ વાયકા પણ ખોટી છે. ફિલ્મ ૩૦મી મે એ રીલીઝ થયેલી. પણ માત્ર પંદર જ પ્રિન્ટો હતી. ત્યારબાદ તેની સફળતા જોતાં લગભગ ૩૦૦ નવી ફ્લિન્ટોફ બનાવીને ઘણાં બધાં થિયેટરોમાં ૧૫મી ઓગસ્ટે રીલીઝ થયેલી.
જોકે ફિલ્મ સાથે જોડાયેલી મહત્વની વ્યક્તિઓની જિંદગીમાં કોઈ ‘શ્રાપ’ નડ્યા હોય એવું પણ બન્યું છે…
પાંચ કરોડના વકરા છતાં પ્રોડ્યુસર સત્યરામ ખાસ કમાયા નહોતા કેમકે ડિસ્ટ્રીબ્યુટર કેદારનાથ અગ્રવાલ સાથે એવા લેખિત કરાર થયા હતા જેમાં મોટાભાગની કમાણી ડિસ્ટ્રીબ્યુટરની તિજોરીમાં ગઈ હતી. કહે છે કે સત્યરામે ત્યારબાદ નવી ફિલ્મોના આસમાની પ્રોજેક્ટ ઊભા કરવામાં દેવાળું પણ ફૂંક્યું હતું !
એ જ રીતે પેલા ડિસ્ટ્રીબ્યુટર સાથે એના ભાઈઓએ દગો કર્યો હતો. જેના લીધે એને પેરેલીસિસ થઈ ગયો હતો. બોલો.
શી ખબર, પેલી સત્યનારાયણની કથામાં આવે છે તેમ, આ લોકોએ પેલી લીલાવતીની જેમ કાં તો પ્રસાદ નહીં લીધો હોય, કાં તો કલાવતીની જેમ જુઠું બોલ્યા હશે, કે ‘રૂપિયા નહીં, એ તો ઘાસ-પાંદડા જ હતાં !!’
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* માત્ર ૨૫ લાખની મૂડી ઉપર આ ફિલ્મે પાંચ કરોડની કમાણી કરી હતી.
* ફિલ્મ તો ૧૦ લાખમાં જ બની હતી પણ તેની ભારે ડિમાન્ડ નીકળતાં લગભગ ૩૦૦ પ્રિન્ટો રીલિઝ કરવામાં ખર્ચ વધી ગયો હતો.
* સંતોષી માતાની ભૂમિકા ભજવનાર અનીતા ગુહા પોતાની વાસ્તવિક જીંદગીમાં કદી મા બની શક્યાં નહોતાં.
* કમાણીની દૃષ્ટિએ ‘જય સંતોષી મા’ ૧૯૭૫માં ‘દીવાર’ ‘પ્રતિજ્ઞા’ અને ‘સંન્યાસી’ કરતાં આગળ હતી !
* મુંબઈનું ‘એડવર્ડ’ સિનેમા (ધોબીતલાવ) જ્યાં હંમેશાં જુની હિન્દી ફિલ્મો જ રજૂ થતી હતી ત્યાં ‘સંતોષી મા’ નવી ફિલ્મ તરીકે રીલીઝ થયેલી અને સળંગ ૫૦ વીક સુધી ત્યાં જ ચાલતી રહી હતી.
***
- મન્નુ શેખચલ્લી
સરસ લેખ. આ બધી હકીકતો જાતે જોએલી જે આંખ સામે તરી આવી.
ReplyDeleteપણ આ ફીલ્મની ધુંઆધાર સફળતા કે ગાંડપણ પાછળનું એક સામાજીક ડેવલપમેન્ટ પણ છે.
સમાજનો લોઅર મીડલ ક્લાસ કે ગરીબ વર્ગ ઉપલા વર્ગોના સ્ટાન્ડર્ડ ભગવાનો જેવા કે શંકર , કાળિકા-ચંડિકા-દુર્ગા માતા, કૃષ્ણ વિ માં થી થાકી કંટાળી ને કોઈ એવા ક્લિક અને ગેરંટીડ રીઝલ્ટ આપે એવા ભગવાન - દેવી- વ્રતની શોધમાં હતો. બધા ના જીવનમાં અસંતોષ વ્યાપેલો હતો.
એમાં કોઈ ગામ વસાહતમાં થી (કદાચ મધ્યપ્રદેશ ના ગ્રામ્ય વિસ્તાર) કોઈ એ નાને પાયે આવું કોઈ વ્રત/માનતા રાખી ને એ સફળ થઇ એટલે કર્ણોપકર્ણ વાત ચાલી ને ત્રણ ચાર વર્ષોમાં તો સંતોષી માં તરત ફળ આપે છે એવો ફીવર છવાવા માંડ્યો. પછી કોઈ ઝાલ્યા રહે ?
બીજા બધા ભગવાનો ની પશ્ર્ચાદભૂ ની વાર્તા પુરાણો માં હતી. જ્યારે સંતોષી માં નવા હતા. એમના મૂળ જાણવામાં બધાને રસ હતો. ઉપરાંત કરેલી નાની ભક્તિ નું મોટું ફળ મળે છે એવી લોકવાયકા.
પછી કોઈ ઝાલ્યા રહે ? થિયેટરમાં આરતી થવી કે પૈસા ફેંકાવા એ કૌતુક એક જગ્યા એ થયું એટલે બંને લોકોએ કરવા માંડ્યું. શ્રધ્ધા તો બધે જ જોડાયેલી હતી જ.
આ અદભૂત નજારો તમારા જણાવ્યા મુજબ નડીઆદમાં મારી આંખે જોયેલો છે. ऐसा भी होता है,फीरभी मेरा भारत महान!
ReplyDelete