કોંગ્રેસના પ્રવક્તાઓ 'સાયલન્ટ' મોડમાં !


કોંગ્રેસે તેના પ્રવક્તાઓને કહ્યું છે કે એક મહિના સુધી તમારે કોઈ ટીવી ચેનલોમાં બોલવા માટે જવાનું નથી ! લો કરો વાત…

***

અમે કહીએ છીએ કે એના બદલે મનમોહનસિંહને જ મોકલી આપો ને !

એમને તો દસ વરસ લગી ચૂપ રહેવાનો અનુભવ છે !

***

કોંગ્રેસને ડર શું લાગે છે ? કે ત્યાં બહુ અઘરા સવાલોની ઝડી વરસશે… પણ મનમોહનજી કહેશે :

હજારોં જવાબોં સે, મેરી ખામોશી અચ્છી, ન જાને કિતનોં કી આબરુ રખ્ખે !”

***

ચૂંટણી ચાલતી હતી ત્યારે તો સવાલો સાવ સહેલા હતા. જેમ કે :

સવાલ : 72000વાળી યોજના માટે તમે 4 લાખ 30 હજાર કરોડ ક્યાંથી લાવશો ?

જવાબ : વેરી સિમ્પલ. ટુજી કૌભાંડ 1 લાખ 67 હજાર કરોડ, વત્તા કોલસા કૌભાંડ 1 લાખ 87 હજાર કરોડ, વત્તા કોમનવેલ્થ કૌભાંડ 40 હજાર કરોડ… વગેરે. હીહીહી

સવાલ : મોદી વિશે..

જવાબ : ચોકીદાર ચોર હૈ.

સવાલ : રાહુલ ગાંધી...

જવાબ : મેચ્યોર થઈ ગયા છે!

સવાલ : પ્રિયંકા ગાંધી…

જવાબ : એમનું નાક ઇન્દિરાજી જેવું છે !

***

જોયું ? કેટલું સહેલું હતું ? પણ હવે જો ટીવી ચેનલમાં જઈએ તો કેવા કેવા અઘરા સવાલોનો સામનો કરવો પડે ?

અઘરો સવાલ : કેમ હારી ગયા ?

વધારે અઘરો સવાલ : વધારાની 8 સીટો શી રીતે જીતી ગયા ?

એનાથી વધારે અઘરો સવાલ : હવે શું કરશો ?

સૌથી વધારે અઘરો સવાલ : રાહુલ ગાંધી ખરેખર રાજીનામું આપી દેશે તો કોંગ્રેસ પ્રમુખ બનવા તૈયાર કોણ થશે ? હીહીહી

***

જોકે સારું થયું કે આ એક મહિનાનો ‘પ્રતિબંધ’ લગાડ્યો. (ફ્રીડમ ઓફ સ્પીચ તો ઈન્ટેલેક્ચુયઅલ્સ માટે હોય, કોંગ્રેસીઓ માટે નહિ)

નહિતર કેટલા બધા કોંગ્રેસીઓને સાચું બોલવા બદલ સસ્પેન્ડ કરી દેવા પડ્યા હોત ?

***

“મૈં ભી ચોકીદાર”ની જેમ કોંગ્રેસમાં ચાલ્યું છે : “મૈં ભી મનમોહન !”

***

અલ્યા, બધા મહિના માટે ચૂપ રહો, રાહુલજી ‘વિશ્વેશ્વરૈયા’ બોલવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment