એલન મસ્કની ઉડતી કાર !

એલોન મસ્ક હંમેશાં ૨૨મી સદીનું જ વિચારે છે ! પહેલાં ડ્રાયવર વિનાની કાર લોન્ચ કરી, હવે ‘ઉડતી કાર’ આવી રહી છે !

જો કે આપણાં ‘દેશી રિ-એક્શનો’ જરા અટપટાં છે…

*** 

મેંહોણાના કાકા :
‘ઓંને તમીં ઉડતી કાર ક્યો છો ? મને તો હાહરું ઠેકડા મારતું ડબલું લાગે !’

*** 

સુરતીલાલા :
‘આ કાર લેડીસ લોકને ચલાવવા હારુ આઈપી તો બો ઉપાધિ થવાની ! કેમકે અત્યાર લગી તો આપડે રોડ પર જ હાચવવાનું ઉતું… પણ અવે તો આજુબાજુનાં બિલ્ડીંગમાં તીજા ચોથા માળે રે’તી પબ્લિકે હો હાચવવાનું ! હહરીની ગમ્મે તે ઘડીએ બાલ્કનીમાંથી ઘરમાં આવી પડહે !’

*** 

બિહારીબાબુ :
‘હમરા પટના મેં ઇ કઈસન ચલેગી બબુવા ? સુસરી હવામાં ઉછલતે હી બીજલીયાં કે તાર માં અટક જાઈલ ! ફિર સોર્ટ-સરકીટ સે બીજલી ગુલ હોઈ જાઈ… તો ઉ કા હરજાના કઉન ભરેગા ? અલન મસ્કવા કા બાપ ?’

*** 

મસ્ત પંજાબી :
‘મૈંનુ લગદા કી મસ્કને ઇસ કી ટંકી મેં કુછ ડ્રગ-શગ ડાલ દિત્તે લગદે ! વરના યે ‘ઉડતી’ હી કૈસે ?’

*** 

અમદાવાદી (૧)
‘હું સુ કઉ છું, આવી કાર હોય તો બંધ રેલ્વે ફાટકને તો ઠેકાઈ જ દેવાય ને !’

અમદાવાદી (૨)
‘એમ નંઈ… પણ આપડે જો ફ્લાય ઓવરની ઉપરથી ફ્લાય કરાઈએ… ને એમાં જો ફ્લાય ઓવરમાં જ અડી જાય તો ? ચલાન લાગે ?’

અમદાવાદી (૩)
‘બોસ, એને કહોને કે બે પાંચ રીક્ષામાં આવું ફીટ કરી આલે ? લાયસન્સનું સેટિંગ તો પાડી લઈસુ બોસ !’

*** 

ગુજરાતના નેતાઓ :
‘આપણે ભૂપેન્દ્રભાઈને કહો કે ભાજપના દરેક ધારાસભ્ય માટે આવી એક એક કાર લઈ આપે… કેમકે, જ્યારે ગુસ્સે થયેલી પબ્લિક ઘેરી વળે છે ત્યારે ઊડીને ભાગી છૂટવાનું સહેલું પડે..’

***

- મન્નુ શેખચલ્લી

Comments