ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા ગામમાં જન્મીને ઉછરેલો મહેબૂબ નામનો છોકરો ‘ધ મહેબૂબ ખાન’ શી રીતે બન્યો ?
કહાણી બડી દિલચસ્પ છે. નૂર મહંમદ બધિયાવાલા નામના એમના એક દૂરના સંબંધીએ છોકરાને મુંબઈ તેડાવ્યો અને કામ શું સોંપ્યું ? ઘોડાઓની નાળ રીપેર કરવાનું !
પણ આ ઓર્ડીનરી ઘોડા નહોતા. આ તો ‘ફિલ્મી’ ઘોડા હતા ! કેમકે નૂર મહંમદ પોતે મુંબઈમાં નાના-મોટા ફિલ્મ પ્રોડ્યુસર હોવાની સાથે સાથે ફિલ્મોના શૂટિંગ માટ ઘોડા સપ્લાય કરવાનો કારોબાર કરતા હતા.
આ જ કારોબારની ડ્યૂટી સ્વરૂપે આપણા મહેબૂબભાઈને મુંબઈના એક સ્ટુડિયોમાં જ્યાં સાઉથના એક ડિરેક્ટર ચંદ્રશેખરની એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યા જવાનું થયું. અહીં જે રીતે ‘રોલ કેમેરા… સાઉન્ડ… એકશન…’ અને ‘કટ’ની દુનિયા ચાલતી જોઈ તેનાથી મહેબૂબભાઈના દિમાગ ઉપર ફિલ્મની ‘ભૂરકી’ છવાઈ ગઈ !
મહેબૂબે એના માલિકને કહ્યું કે ‘મને આ ડિરેક્ટર સાહેબને ત્યાં નોકરી કરવી છે !’ દિગ્દર્શક ચંદ્રશેખરે પણ આ જુવાનિયાની ધગશ અને ઉત્સાહ જોઈને સાવ મામૂલી પગારે આસિસ્ટન્ટ તરીકે રાખી લીધાં. પણ હલો, અહીં ‘આસિસ્ટન્ટ’ એટલે આજના જમાનાવાળા કેપ પહેરીને, હાથમાં નોટ-પેડ, વોકીટોકી અને મોબાઈલ સાથે ‘રોલા’ મારતા એ.ડી. ના સમજતા ! અહીં તો ‘સબ બંદર કા ઘાટી’ જેવો ઘાટ હતો…
ચા-પાણીની વ્યવસ્થા પણ જોવાની, લાઈટો પણ ગોઠવવાની અને જરૂર પડે ત્યારે ભીડનાં દૃશ્યોમાં ‘એકસ્ટ્રા’ તરીકે પણ ગોઠવાઈ જવાનું ! આ જમાનો હતો મુંગી ફિલ્મોનો. અને મહેબૂબની નોકરી લાગી હતી એ જમાનાના મશહૂર ‘લિજેન્ડરી’ નિર્માતા અરદેશન ઇરાની (જેમણે ત્યારબાદ ભારતની પહેલી ‘બોલતી’ ફિલ્મ બનાવેલી) તેના ઇમ્પિરીયલ સ્ટુડિયોમાં.
હવે વિચારો, પહેલી બોલતી ફિલ્મ આવી ૧૯૩૧માં અને મહેબૂબ ખાને તેમની પહેલી જ ફિલ્મ બનાવીને થિયેટરમાં મુકી દીધી હતી ૧૯૩૫માં ! યાને કે માંડ ૨૫-૨૬ વરસની ઉંમરે તે ડીરેકટર બની ગયા હતા !
આ પહેલી ફિલ્મ ‘અલ હિલાલ’ હતી. તે પણ કેવી ? મામૂલી નહીં પણ ભવ્ય સેટ્સ અને જાજરમાન કોસ્ચ્યુમોવાળી ‘હિસ્ટોરીકલ’ મૂવી ! (આ માણસ નાનું વિચારવામાં માનતો જ નહોતો.)
‘અલ હિલાલ’ની કહાણી શું હતી ? છેક સત્તરમી સદીમાં યુરોપમાં ફેલાયેલા ઓટોમન સામ્રાજ્યના એક રાજકુમાર અને એમના સામ્રાજ્યની એક ‘બાંદી’ (ગુલામ નોકરાણી) વચ્ચેની મ્યુઝિકલ લવ સ્ટોરી !
મહેબૂબ ખાનના નામે આવી જાજરમાન બિગ બજેટ ફિલ્મોના ખાતામાં ડેક્કન ક્વીન (૧૯૩૬), અલીબાબા (૧૯૪૦), હુમાયુ (૧૯૪૫) અને આન (૧૯૫૨) જેવાં નામો બોલે છે. જેમાંથી ‘આન’ તો એ જમાનાની સૌથી ખર્ચાળ (૩૫ લાખમાં બનેલી) ફિલ્મ ગણાતી હતી. છતાં મહેબૂબ ખાનના ઠાઠ તો જુઓ ? ‘મધર ઇન્ડિયા’ જેવી ગામડાના બેકગ્રાઉન્ડવાળી ફિલ્મમાં પણ ૩૫ લાખ ખર્ચ કરી બેઠા હતા !
આ બધી ‘ભવ્યતા’ની વાતો એટલા માટે લઈને બેઠા છીએ કે આ ‘અંદાઝ’ નામની ફિલ્મ પણ એમાંની જ એક છે.
સાલું, આજે અંબાણી કે અદાણીના ઘરમાં પણ ના હોય એવો ઠાઠ બતાડેલો ! માત્ર ડાઈનિંગ ટેબલનો દાખલો લઈએ તો સાહેબ, ઘરમાં બાપ-દીકરી મળીને ટોટલ બે જ વ્યક્તિ રહે છે, છતાં બાર જણા બેસે એવડું મોટું ડાઇનિંગ ટેબલ હોય ! એ તો ઠીક, જમવાની થાળીઓ પેલા અંબાણીના દીકરીના લગ્નમાં જે બચ્ચન સાહેબ અને આમિર ખાન વગેરે પીરસણે આવેલાને ? તે વખતે જે ‘એકસ્ટ્રા લાર્જ’ સાઇઝની ચાંદીની થાળીઓ હતી ને ? એવડી મોટી થાળીઓ હોય !
બે જણાંને જમાડવા માટે ચાર જણા તો સફેદ યુનિફોર્મમાં લાઈનબંધ ઊભા હોય ! એ ઉપરાંત બે લેડિઝ ‘સર્વિંગ’ માટે અને એક સૂટ પહેરેલો ‘મેનેજર’ ઇશારા કરીને વિવિધ હૂકમોનું પાલન કરવા માટે ખડે ઊભો હોય !
હલો, આ એ જ મહેબૂબ ખાન છે જેણે ‘રોટી’ નામની ફિલ્મમાં, આ કમબખ્ત દૌલત કેટલી વાહિયાત અને ખતરનાક ચીજ છે એ સાબિત કરી બતાડેલું ! (આને કહેવાય ડિરેક્ટરની ‘રેન્જ’ ! જ્યારે કોમર્શિયલ ફિલ્મ બનાવતા હોઈએ ત્યારે કંજુસાઈ નહીં કરવાની ! અને ચાંપલા ઉપદેશો પણ નહીં આપવાના !)
જોકે ‘અંદાજ’માં છેલ્લે એક ઉપદેશ છે તો ખરો, કે જુવાન છોકરીઓએ બધા છોકરાઓ સાથે બહુ ‘ફ્રેન્ડલી’ ના થવુ જોઈએ ! બોલો. પણ આ તો ‘સૌ ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી’ જેવું જ છે !
ફિલ્મમાં રાજ કપૂર સાથે રીતસરના પ્લાનિંગ સાથે અન્યાય થયો છે ! પહેલી વાત તો એ કે રાજ કપૂરને સાવ ઇમ્મેચ્યોર, બાલિશ અને વધારે પડતો શંકાશીલ ચીતરવામાં આવ્યો છે. ઉપરથી તે જ્યારે નરગીસના પ્રેમમાં પડે છે ત્યારે એક મસ્ત લવ-સોંગ પણ નથી આપ્યું ! ઉલ્ટું એક કવ્વાલી ટાઈપનું કોમિક ગાયન પકડાવી દીધું છે.
અને હા, જરા બારીકાઈથી જુઓ તો કેમેરામેન ફરદૂન ઇરાનીએ પણ ચાલાકીપૂર્વક રાજ કપૂરના ફેસને અતિશય રૂપાળો બતાવતું લાઇટિંગ કરવાને બદલે ચહેરા ઉપર વારંવાર બિનજરૂરી ‘પડછાયા’ પણ પડવા દીધા છે !
જ્યારે ‘અંદાઝ’ બની રહી હતી ત્યારે ખુદ રાજ કપૂર પોતાની પહેલી ફિલ્મ ‘બરસાત’ બનાવી રહ્યા હતા. એટલે આ બધા પેંતરા એ સમજી જ ગયા હશે. કદાચ એનો બદલો લેવા માટે જ ‘સંગમ’માં દિલીપકુમારને રોલ ઓફર કર્યો હશે ! પણ દિલીપકુમાર એ ચાલાકી ઓલરેડી જાણી ગયા હશે.
ફિલ્મમાં ઘણું બધું સ્ટુપિડ અને ફની છે. પરંતુ સૌથી મજેદાર તો ‘પિયાનો’ છે ! જી હા, એક તો નૌશાદ સાહેબે ગાયનોમાં પિયાનોનો ઉપયોગ જાણે મંજીરાં અને પખવાજ વાગતાં હોય એ રીતે (સાવ દેશી રીતે) કર્યો છે ! અને જે એક ગાયનમાં ખરેખર સુંદર રીતે પિયાનો વાગે છે (તોડ દિયા દિલ મેરા) એમાં નરગિસ પિયાનો પર માથું મૂકી રડ્યા કરે છે. પણ પિયાનોની એક પણ ચાવી વગાડતી નથી. બોલો.
પેલું ‘ઝુમ ઝુમ કે નાચો આજ’ ગાયન જે સુપરહિટ છે, એ તો ‘પાર્ટી સોંગ’ છે ! એ પણ અતિશય ધનવાન અને સંપૂર્ણપણે વેસ્ટર્નાઈઝ કલ્ચરવાળા લોકોની પાર્ટીમાં ગવાય છે, છતાં નૌશાદ સાહેબે એમાં ઘુંઘરુ વગાડ્યાં છે ! એ પણ પિયાનો સાથે !
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* દિલીપકુમાર અને રાજકપૂર એક જ ફિલ્મમાં હોય એવી આ એકમાત્ર મૂવી છે.
* ૧૯૪૯માં જ્યારે ‘અંદાજ’ રીલીઝ થઈ ત્યારે તે સમયે ભારતની સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવી ચૂકી હતી. પરંત એ જ વરસે ‘બરસાત’ રીલીઝ થયા પછી એ રેકોર્ડ તૂટી ગયો હતો.
* ‘અંદાઝ’માં દિલીપ કુમાર માટે તમામ ગીતો મુકેશે ગાયાં હતાં પરંતુ એ પછી મુકેશ ‘વોઇસ ઓફ રાજકપૂર’ બની ગયા અને મહંમદ રફી દિલીપકુમારનો પરમેનેન્ટ અવાજ બની ગયા હતા. અદલાબદલી…
* એ જમાનાની મશહૂર ‘આઈટમ ડાન્સર’ કુકુનો ‘અંદાજ’માં પેરેલલ રોલ હતો. કુકુ તે સમયે એક ડાન્સના ૬૦૦૦ રૂપિયા જેવી મોટી રકમ ચાર્જ કરતી હતી ! નવાઈની વાત એ પણ ખરી કે કુકુના નામે માત્ર બે જ રંગીન ફિલ્મો નોંધાઈ છે : ‘આન’ અને ‘મયુરપંખ’.
***
- મન્નુ શેખચલ્લી
તમમે ખંજરી પણ સાંભળી અહોભાવ ઉત્પન્ન થયો. Wonderful. Jiyo pyare jyo.
ReplyDelete