સૌથી પહેલાં તો આભાર માનવો રહ્યો એ જમાનાના દૂરદર્શનનો, જ્યારે શનિવારની મોડી રાત્રે જુની ‘ખાસ’ પ્રકારની ફિલ્મો બતાડવામાં આવતી હતી.
મૂળે તો અમે ગ્રાફીક ડિઝાઈનર હતા એટલે ફિલ્મનાં ટાઈટલો જે સ્ટાઈલમાં પડતાં જોયાં ત્યારથી જ જરા મુગ્ધ થયા હતા. પણ એ પછી જે શરૂઆતનાં દૃશ્યો દેખાયાં… રીતસર વિઝ્યુઅલ ચાબખા જોઈ લો !
અત્યંત વિશાળ ટેબલ ઉપર ભવ્ય ભોજન સમારંભ ચાલી રહ્યો છે, પછી એનો એંઠવાડ બીજા માળની મોટી બારીમાંથી નીચે ફેંકાય છે. ત્યા ગરીબોનાં ટોળાં જે રાહ જોતા બેઠાં હતાં તે ધસી આવે છે ને એંઠવાડ ફેંદવા લાગે છે…
એક રેસ્ટોરન્ટની બહાર એક ભિખારી ડોસાને છાપામાં લપેટેલો થોડો એંઠવાડ ‘દાન’માં અપાય છે. ડોસો એ ખોલીને રોટી ઉપર બાઝેલી ગંદકી ખંખેરી રહ્યો છે ત્યાં એક કૂતરો આવે છે અને એંઠવાડનું પડીકું મોં વડે ખેંચીને ભાગે છે… ડોસો એની પાછળ પાછળ દોડે છે, પણ ઝડપથી આવી રહેલી કાર નીચે કચડાઈ જાય છે… હજી એ મર્યો નથી… કેમેરો તેના ભાંગી ગયેલા હાથ તરફ જાય છે… હાથ ધ્રુજી રહ્યો છે… છેવટે મુઠ્ઠી ખુલી જાય છે અને સ્થિર થઈ ચૂકેલી હથેળીમાં ‘રોટી’નો ટુકડો દેખાય છે !
હવે તમે જ કહો, ફિલ્મો જોવાનો શોખીન હોય એવો કયો રસિયો ટીવી સામે પલાંઠી વાળીને બેસી ના જાય ?
અમે જાણતા હતા કે સાડા અગિયારે શરૂ થયેલી આ મહેબૂબ ખાનની ‘રોટી’ પચવામાં અઘરી જ હશે, પણ રાતના બે વાગ્યા સુધી હવે ઉજાગરો કરવો જ પડશે !
અગાઉ ‘મધર ઇન્ડિયા’ના લેખમાં લખેલું કે, ‘મહેબૂબ ખાન નામનો માણસ જરા ઉલટી ખોપડીનો હતો’. તો સાહેબો, આવી ફિલ્મ કોઈ ઉલ્ટી ખોપડીનો માણસ જ બનાવી શકે !
એક તો શરૂઆતમાં એક મેલોઘેલો કોટ અને ટોપો પહેરેલો માણસ રોટી વિશેનું એક કડવું ગીત ગાતો નજરે પડે છે. (એ આ કહાણીનો સૂત્રધાર પણ છે અને પાત્ર પણ છે) એ કહે છે કે ગરીબોનું લોહી ચૂસ્યા વિના આ દુનિયામાં કોઈ અમીર બની જ શક્યું નથી. પણ આ વાત મૂર્ખ ગરીબોને કેમ સમજાતી નથી ?
ફિલ્મની કહાણી તો સાવ અજીબ છે. એક માંજરી આંખોવાળો એંગ્રી યંગ મેન, જે ફૂટપાથિયો છે, તે એક છેતરામણી ચાલ વડે એક કરોડપતિ વૃધ્ધાના ખોવાઈ ગયેલા દીકરા તરીકે ગોઠવાઈ જાય છે. એ ક્રૂર છે, દયાહીન છે અને બીજા ધનવાનોનાં પણ ગળાં કાપવાં તૈયાર છે !
ચંદ્રમોહન નામના આ જુના જમાનાના એક્ટરની સ્ક્રીન પ્રેઝન્સ પણ ગજબની છે. (અફસોસ છે કે ૧૯૪૯માં માત્ર ૪૩ વરસની ઉંમરે એનં નિધન થઈ ગયું.) આ માણસ, શેઠ લક્ષ્મીચંદના, બે જ સપનાં છે. એક, મારી પાસે દુનિયાભરનું સોનું હોવું જોઈએ અને બે ‘ડાર્લિંગ’ નામની એક યુવતી મારા કબજામાં હોવી જોઈએ. (ફિલ્મમાં એનું નામ જ ‘ડાર્લિંગ’ છે ! કટાક્ષ તો જુઓ?)
દૌલત પાછળ ગાંડો થયેલો આ માણસ સોનાની શોધમાં પોતાનું વિમાન લઈને એક ઠેકાણે જઈ રહ્યો છે ત્યાં એનું વિમાન બગડે છે અને એવા જંગલમાં જઈને પડે છે જ્યાં રૂપિયા-પૈસા નામની કોઈ ચીજ જ અસ્તિત્વમાં નથી ! એટલું જ નહીં, ‘સોનું’ અહીં શાપિત ગણાય છે !
અહીંથી શરૂ થાય છે એક અનોખી કહાણી, એક અનોખી દુનિયાની વાત ! એક તો શેખ મુખ્તાર નામના ૬ ફૂટ ૪ ઇંચ ઊંચા એક્ટરને આપણે હંમેશા નેગેટિવ રોલમાં જ જોયો હોય, તે અહીં આદિવાસી જુવાન ‘બાલમ’ છે ! સાથે એની પ્રેમિકા (ફેમસ નૃત્યાંગના સિતારાદેવી) છે. આખો વ્યવહાર પૈસા વિના ચાલે છે…
શેઠ લક્ષ્મીદાસના પૈસા કે સોનાના સિક્કાની અહીં કોઈ કિંમત જ નથી ! તેને અહીંથી નીકળવું છે. એટલે છેતરપિંડીથી બાલમના બે પાડા (ચંગુ-મંગુ) ચોરીને ગાડું જોડીને પાછો શહેરમાં પહોંચી જાય છે. હવે જ્યારે બાલમ અને એની પ્રેમિકા શહેરમાં પોતાના ચંગુ-મંગુને શોધતાં આવે છે ત્યારે શં જુએ છે ? (દેખિયે ઇન્ટરવલ કે બાદ..)
અહીંથી કહાણીને ચાબૂક વડે આપણાં સમાજને રીતસરની સોળ ઊઠી આવે એવી તીવ્ર કટાક્ષભરી ઘટનાઓ બનતી જાય છે. આપણા આ સમાજમાં પૈસા નામની ચીજના કેવા તકલાદી સાંધાઓ છે, અને ‘રોટી’ ઉપરાંત ‘શરીર’ નામની એક ભૂખ પણ કેમ પીછો છોડતી નથી…
વેલ, સ્ટોરીની ડિટેલમાં આપણે અહીં જતા નથી પરંતુ છેક ૧૯૪૨માં જ્યારે ભારત ઉપર અંગ્રેજોનું રાજ હતું, જ્યારે ભારતમાં આઝાદીની લડાઈનો માહોલ હતો, અને જ્યારે વર્લ્ડ-વોરમાં દુનિયા હોમાઈ રહી હતી… ત્યારે ભારતમાં બેઠેલો મહેબૂબખાન નામનો ઉલ્ટી ખોપડીનો માણસ, એક આવી ખતરનાક થિમ લઈને આવે, એ તો ઠીક, આંખો ચકિત થઈ જાય એવા ભવ્ય સેટ્સ બનાવવા પાછળ લખલૂટ ખર્ચ કરે (કે કરાવડાવે) એ આજે તો માની જ શકાય એવું નથી.
ફિલ્મના હીરો શેખ મુખ્તારની પર્સનલ લાઈફ પણ રસપ્રદ હતી. મહેબૂબ ખાને શેખ મુખ્તારને પોતાની સળંગ ત્રણ ફિલ્મોમાં હીરો બનાવ્યો હતો. (આ 'રોટી' ત્રીજી) પરંતુ ત્યાર બાદ શેખ મુખ્યારને વિલનના રોલ જ મળ્યા.
એમાંય પોતે પ્રોડ્યુસર બનીને રાજકપૂર સામે પેરેલલ રોલવાળી ‘દો ઉસ્તાદ’ બનાવેલી. (સૌ બાર જનમ લેંગે... ગાયન યાદ છે ને ?) આમાં કમાયા એટલે પ્રદીપકુમાર અને મીનાકુમારીને લઈને મોટા બજેટવાળી ‘નૂરજહાં’ બનાવી. (શરાબી શરાબી યે સાવન કા મૌસમ) પણ ભારતમાં તે બહુ ખરાબ રીતે ફ્લોપ ગઈ !
ત્યારબાદ શેખ મુખ્તાર ‘નૂરજહાં’ની પ્રિન્ટો લઈને પાકિસ્તાન ચાલ્યા ગયેલા. ત્યાં એ ફિલ્મનો કોઈ લેવાલ નીકલ્યો નહીં ! બરબાદીના દિવસો પછી શેખ મુખ્તાર ત્યાં જ મૃત્યુ પામ્યા. એના ૧૨ વર્ષ પછી કોઈએ ‘નૂરજહાં’ ત્યાં રીલીઝ કરી ત્યારે હિટ થઈ ગઈ ! પુરા ૧ કરોડનો વકરો કર્યો ! બોલો.
એમ તો ‘ડાર્લિંગ’ના રોલમાં કોણ હતું ખબર છે ? પરદા ઉપર જેનું નામ અખ્તરીબાઈ ફૈઝાબાદ તરીકે આવે છે તે, આગળ જતાં ‘બેગમ અખ્તર’ તરીકે મશહૂર ગઝલ ગાયિકા બન્યાં ! (એમનાં વાંકાચૂકા દાંત ‘રોટી’માં પણ એવા જ દેખાય છે.)
જોકે ફિલ્મ જોતાં જોતાં જરૂર વિચાર આવે કે આવી સુકલકડી કાયા, બળેલો સ્વભાવ હોય એવો ફેસ અને વાંકાચૂકા દાંતવાળી ‘ડાર્લિંગ’માં શેઠ લક્ષ્મીચંદ શું ભાળી ગયા હશે ? પણ કદાચ, મહેબૂબ ખાન એ જ કહેવા માગતા હશે કે સ્ત્રીનું શરીર આખરે શું છે ? હાડ-માંસનું ખોખું જ ને !
છેલ્લે, ખાસ સલાહ : યુ-ટ્યુબમાં જોતી વખતે જો જુના જમાનાની આ ફિલ્મ ધીમી અથવા ઢીલી લાગે તો સેટિંગમાં જઈને ૧.૨૫ની સ્પીડે જોવી. (અને ખોડખાંપણો કાઢીને મોટા ‘વિવેચક’ બનવાનું ટાલવુ.)
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* 'રોટી'માં વિલન ચંદ્રમોહનને કે. આસિફે 'મુઘલ-એ-આઝમ'માં અકબરનો રોલ આપ્યો હતો. ફિલ્મનાં દસ રીલ શૂટ થઈ ચૂક્યાં હતાં પણ ચંદ્રમોહનના અચાનક મૃત્યુ બાદ બધું ફરીથી શૂટ કરવું પડ્યું હતું.
* એકવાર મહેબૂબ ખાનને હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું હતું ત્યારે એમને 'રોટી' ખાવાની સખત મનાઈ હતી. સંગીતકાર અનિલ બિસ્વાસ એમને મળવા આવ્યા ત્યારે મહેબૂબ ખાનને રોટી માટે રીતસર ટળવળતા જોઈને કટાક્ષ કર્યો હતો કે જેમને ખાવા માટે રોટી નથી મળતી એમ નું શું ? ... આ પ્રસંગ પછી મહેબૂબ ખાનને ફિલ્મ 'રોટી'ની થિમ સુઝી હતી...
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment