રાજકપૂરે હજી ‘બોબી’ એનાઉન્સ જ કરી હતી એના થોડા દિવસોમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ ઉપર સંદેશો આવ્યો કે રાજકપૂર તમને મ્યુઝિક ડિરેક્ટર તરીકે લેવા માગે છે !
આમ તો લક્ષ્મી-પ્યારે માટે આ લેન્ડમાર્ક ઓપોર્ચ્યુનીટી કહેવાય ને ? પણ એ જમાનો અલગ હતો. લક્ષ્મી-પ્યારેએ કહેવડાવ્યું કે શંકર-જયકિશન અમારા સિનિયર છે. હવે એમની જગ્યા અમે શી રીતે લઈ શકીએ ? એ તો ઠીક, લક્ષ્મીકાંત તો જયકીશનના ડાઈ હાર્ડ ફેન હતાં ! એ જયકીશનજીની કૉલર ઊંચા રાખવાની કોપી પણ કરતા હતા !
એ જયકીશનજીના અવસાન પછી એમની જ જગ્યાએ ગોઠવાઈ જવાનું શી રીતે ગમે ? પરંતુ લક્ષ્મી-પ્યારેને મનાવવા માટે મુકેશ જાતે આવ્યા ! (જોવાની વાત એ પણ ખરી કે છેવટે ‘બોબી’માં મુકેશનું એક પણ ગીત નહોતું.)
એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘રાજ સાહેબ અને શંકરજીના સંબંધો વણસી ચૂક્યા છે. એટલે હવે ત્રણ ચોઈસ છે. પહેલા નંબરે તમે છો, બીજા નંબરે આરડી બર્મન, અને ત્રીજા નંબરે કોઈપણ હોઈ શકે. પણ શંકરજી તો નહીં જ હોય. રાજ સાહેબની ખાસ ઇચ્છા છે કે તમે ના નહીં પાડો.’
હવે મજેદાર વાત એ બની કે જ્યારે લક્ષ્મી-પ્યારે રાજ સાહેબને મળવા ગયા ત્યારે એક ગાયનની ધૂન બનાવીને લઈ ગયા હતા. બક્ષી સાહેબને એમ હતું કે, ‘બૉબી’ એક છોકરો છે ! એટલે એમણે લખ્યું : ‘હમ તુમ એક કમરે મેં બંધ હો, ઔર ચાબી ખો જાય… તેરે નૈંનો કી ભૂલભૂલૈયા મેં બૉબી ખો જાય…!’
આખી વાતની મજા જુઓ, કે રાજ સાહેબને આ મુખડું એટલું બધું ગમી ગયું કે વારતામાં આખી નવી સિચ્યુએશન ઊભી કરી જેમાં રીશી કપૂર અને ડિમ્પલ એક ગેસ્ટ હાઉસમાં ભરબપોરે બંધ થઈ જાય છે !
‘જુઠ બોલે કૌવા કાટે’ની કહાણી પણ બડી દિલચસ્પ છે. દિગ્દર્શક રાહુલ રવૈલ છેક ‘મેરા નામ જોકર’ના સમયથી રાજ સાહેબના આસિસ્ટન્ટ હતા. એક વાર રાજ સાહેબ એમના ઘરે ડીનર માટે આવેલા.
જમતી વખતે આગ્રહ કરતાં કરતાં રાહુલનાં મમ્મી બોલ્યાં. ‘તમે હજી કંઈ ખાધું જ ક્યાં છે ?’ ત્યારે રાજજી બોલ્યા, ‘કાલીમાઈ, જુઠ મત બોલના, જુઠ બોલે કૌવા કાટે…’ પછી એ શબ્દોની કંઈક ધૂન બનાવીને ગણગણવા લાગ્યા.
રાહુલ રવૈલ પોતાના એક પુસ્તકમાં લખે છે કે ‘મેરા નામ જોકર’ના શૂટિંગ વખતે વારંવાર તે આ લાઈન ગણગણ્યા કરતા હતા. છેવટે ‘બોબી’માં આપણા ગુજરાતી બિઝનેસમેન કવિ વિઠ્ઠલભાઈ પટેલે એમાંથી આખું ગીત લખી આપ્યું ! બોલો.
રાજ કપૂર સાહેબની આ જ તો ખાસિયત હતી. ભલભલી વરસો જુની ધૂન જો એમના મનમાં વસી જાય તો એનો ઉપયોગ જરૂર કરતા હતા.
‘મેરા નામ જોકર’ બહુ ખરાબ રીતે ફ્લોપ થવાથી રાજ કપૂરને માથે બહુ મોટું દેવું હતું. એમા રાજ સાહેબના બંગલા, ગાડી તથા ઘરેણાં સુધ્ધાં ગીરવે મુકાઈ ગયાં હતાં.
છતાં આ ‘શો-મેન’નો ઠાઠ તો જુઓ ? રાહુલ રવૈલ લખે છે કે ‘મૈં શાયર તો નહીં’ ગાયનના શૂટિંગ વખતે મેં શેમ્પેનની ખાલી બાટલીઓમાં લિમ્કા અને સોડા ભરી હતી અને મન્ચિંગ બાઉલમાં શીંગચણા અને વેફર્સ મુકાવ્યાં હતાં. કોઈપણ પ્રોડક્શન આસિસ્ટન્ટ આવું જ કરે પણ રાજ સાહેબ આ જોઈને બગડ્યા હતા :
‘રાજ કપૂરની પાર્ટીમાં આ સર્વ કરવાનું છે ? સસ્તો ક્યાંનો… આ એક અમીર ઘરાનાની પાર્ટી છે. એમાં મને મગફળી અને વેફર્સ ના જોઈએ ! મારા મહેમાનોને બદામ-પિસ્તા સર્વ થવા જોઈએ, એ પણ અસલી શેમ્પેન સાથે !’
બોબીનું શૂટિંગ રાજ સાહેબની સ્ટાઈલમાં આરામથી થતું રહ્યું. ક્યારકે તો દિવસો સુધી એકપણ શોટ ન લેવાયો હોય. દરમ્યાનમાં ડિમ્પલ કાપડિયા રાજેશ ખન્નાના પ્રેમમાં પડી ! અને બંને પરણી પણ ગયાં !
ફિલ્મનાં ક્લાઈમેક્સનાં દૃશ્યોનું શૂટિંગ બેંગલુરુ પાસેની પહાડીઓમાં ચાલી રહ્યું હતું. જેમાં એક દૃશ્યમાં રીશી કપૂર અને ડિમ્પલ એક ભેખડ પરથી પાણીમાં કૂદી પડે છે. લોંગ શોટમાં તો ડુપ્લીકેટો વડે આ દૃશ્ય શૂટ થઈ ગયું પણ મોટો લોચો એ પછી બહાર આવ્યો…
ક્લોઝ-અપનાં શોટ માટે માત્ર અઢી ફૂટની ઊંચાઈથી ડિમ્પલે કૂદકો મારવાનો હતો. રાહુલ રવૈલે આ દૃશ્ય સમજાવ્યું. પણ ડિમ્પલે ચોખ્ખી ના પાડી દીધી. ‘હું પ્રેગ્નન્ટ છું ! હું નહીં કરું !’
રાહુલભાઈના ચહેરા પરથી ‘ભપ્પ’ કરતું નૂર જ ઊડી ગયું ! આ આખી ઘટના છેક નીચે કેમેરા પાસે બેઠેલા રાજ કપૂરની નજરે ચડી ગઈ. એમણે તરત જ રાહુલને નીચે બોલાવીને પૂછ્યું ‘ત્યાં ઉપર શું ચાલી રહ્યું હતું ? તારો ચહેરો કેમ કોઈ ભૂત ભાળી ગયો હોય એવો દેખાય છે ?’
રાહુલે હવે પ્રેગનન્સીનો બોમ્બ ફોડ્યા વિના છૂટકો જ નહોતો ! રાજ સાહેબ આ સાંભળીને લગભગ શૂન્ય નજરે ક્યાંક જોતા રહ્યા. તે વખતે કોઈ જ રીએક્શન આપ્યા વિના એમણે ‘પેક અપ’ કહીને શૂટિંગ બંધ કરાવી દીધું !
એ પછી હોટલની રૂમમાં રાજ સાહેબ ઘણા ગુસ્સામાં હતા. એ બોલતા રહ્યા: ' ધીસ ઈઝ વેરી અનપ્રોફેશનલ... ડિમ્પલ આવું શી રીતે કરી શકે ?' પણ થોડી વાર પછી એ અલગ મૂડમાં હતા. એમણે કહ્યું:
'રાહુલ, હવે ઉતાવળ કરવી પડશે. એક યુનિટથી કામ નહીં ચાલે. બીજું યુનિટ તારે સંભાળવું પડશે. સામટાં બબ્બે ઠેકાણે શૂટિંગો કરવા પડશે… ચાર ચાર કેમેરા જોઈશે…’
આમ જે માણસ બિલકુલ રાજઠાઠથી શૂટિંગ કરી રહ્યો હતો. એમણે અચાનક આખી ગાડી ‘ફોર્થ ગિયર’માં નાંખી દીધી ! પણ એમાં રાહુલ રવૈલથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી ! શું હતું એ બ્લન્ડર ?
સ્ટોરીમાં એવું બને છે કે ડિમ્પલના ડેડી પ્રેમનાથ એક બાજુ રીશી કપૂરને નદીમાંથી ડૂબતાં બચાવે છે અને બીજી બાજુ પ્રાણ ડિમ્પલ કાપડિયાને પ્રેમચોપરાના પંજામાંથી છોડાવે છે… વગેરે.
અહીં બધું જ અગાઉથી પ્લાન થયું હોવા છતાં કૂકુ નામના આસિસ્ટન્ટની ભૂલથી એવો લોચો રહી ગયો, જેથી પ્રેમનાથ અમુક દૃશ્યોમાં જાકીટ સાથે છે અને અમુક દૃશ્યોમાં જાકીટ વિનાના દેખાય છે ! આ ભૂલની ખબર પડતાં જ રાહુલ રવૈલ ફફડી ગયા ! હવે આમાંથી બચવું શી રીતે ?
છેવટે ‘પેક અપ’નો આદેશ આપતાં પહેલાં રાજ કપૂરે રાહુલને પૂછ્યું ‘બધું જ પતી ગયું ને ?’ ત્યારે રાહુલે કહ્યું ‘સર, એક જ શોટ બાકી છે, જેમાં પ્રેમનાથજી પોતાનુ જાકીટ કાઢીને ચિન્ટુ પાછળ દોડે છે ! તમે જ લખાવ્યો હતો આ શોટ !’
- જો રાહુલ રવૈલ આ જૂઠ ના બોલ્યા હતો તો ? … તો બધુ ફરીવાર શૂટ કરવામાં કદાચ ડિમ્પલ ‘પેટથી’ જોવા મળી હોત !
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* અરૂણા ઇરાનીવાળો રોલ રેખાને ઓફર થયો હતો. અને ડિમ્પલ કાપડિયાને ફાઈનલ કરતાં પહેલાં રાજ કપૂરે આશરે ૮૦૦ છોકરીઓના સ્ક્રીન-ટેસ્ટ લીધા હતા.
* ‘બોબી’ના રોલ માટે નીતુ સિંહનો પણ સ્ક્રીન ટેસ્ટ થયો હતો અને ત્યારથી જ તે રીશી કપૂરની ‘નજર’માં વસી ગઈ હતી !
* ‘ના માંગુ સોના ચાંદી’ની ધૂન ‘આવારા’માં ૧ કલાક અને ૨૦ મિનિટે બેકગ્રાઉન્ડમાં સંભળાય છે ! રાજ કપૂરે ૨૦ વરસ પછી તેનો ફરી ઉપયોગ કર્યો.
* રીશી કપૂરે પોતાની આત્મકથામાં કબૂલ કર્યું છે કે ‘બોબી’ માટેનો ફિલ્મફેર એવોર્ડ તેણે ‘ખરીદ્યો’ હતો ! બોલો.
* બૉબી ફિલ્મના મેકિંગ વિશે તથા રાજ કપૂરની કામ કરવાની અનોખી રીત વિશે ડિરેક્ટર રાહુલ રવૈલે લખેલું પુસ્તક ' રાજ કપૂર : ધ માસ્ટર એટ વર્ક'ના અધિકૃત અનુવાદનું પુસ્તક અમદાવાદના 'ઝેન ઓપસ પબ્લિકેશન' દ્વારા પ્રકાશિત થયું છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment