દિવાળી પહેલાં ઘરની સફાઈની જવાબદારી આમ તો પત્નીની હોય છે, પણ ‘સહકાર’ પતિનો જ હોય છે ! કેમકે વિના સહકાર, નહીં ઉધ્ધાર !
છતાં અમુક સુચનાઓ સમજી લેવી જરૂરી છે. દાખલા તરીકે…
***
સુચના (૧)
માળિયામાં સફાઈ ચાલતી હોય ત્યારે તમારા મોં અને માથા ઉપર કપડું બરોબર બાંધી રાખવું…
… કેમકે તમારા પતિ અચાનક ગમે ત્યારે કચરો પાડશે !
***
સુચના (૨)
માળિયામાંથી ગમે ત્યારે વંદા, મંકોડા, જીવડાં, કરોળિયા વગેરે બહાર ધસી આવશે ! આના માટે હાથમાં ‘હિટ-કોક્રોચ’ તૈયાર રાખો…
… અને ગરોળી ધસી આવે તો બાથરૂમમાં ઘૂસી જવાની તૈયારી રાખો !
***
સુચના (૩)
પતિ માળિયામાં બુકાની સાથે ચોરની જેમ ઘૂસ્યા હોય એવો ફોટો ફેસબુકમાં મુકવો નહીં…
… કેમકે તરત જ તમારી બહેનપણીઓની કોમેન્ટો આવશે : ‘નવો રાખ્યો છે ?’ (કામવાળો) ભૈશાબ… તમે શું સમજ્યા હતા ?)
***
સુચના (૪)
પતિનાં, બાળકોનાં તથા તમારાં જિન્સ કાઢી નાખવા નહીં. એના બદલે એને એસિડ વૉશ વડે ધોઈને, ચપ્પુ વડે ખોતરીને, કાતર વડે કાપા પાડીને, ચીંથરા જેવું કરીને…
… ઓનલાઈન વેચવા મુકશો તા ભાવ સારો મળશે !
***
સુચના (૫)
જુની ટેક્સ્ટ-બુકો, ગાઈડો, નોટો વગેરે પસ્તીમાં તો આપવાનાં જ છે. પરંતુ એ પહેલાં જાણે ગરીબોને દાનમાં આપતા હો એવા ફોટા પડાવીને ફેસબુકમાં મુકો.
(આઠમાનાં ચોપડાં પાંચમાના બાબાને, અથવા ઇંગ્લીશ મિડીયમ બુક્સ ગુજરાતી મિડીયમ છોકરાંને આપશો તોય ચાલશે. ફોટામાં કોને ખબર પડવાની છે ?)
***
સુચના (૬)
છેવટે જ્યારે તમારી પત્ની તમારી પાસે આવીને કહે કે “ભૈશાબ, હું તો થાકી ગઈ…. હવે તમે ઝાડુ મારી દો ને ?”
… ત્યારે ઝાડુ પત્નીની ‘પીઠ’માં મારવાનું નથી ! સમજ્યા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment