બે ફેમસ ઘટનાઓ છે : ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું એ પછી રાજીવ ગાંધી લોકસભામાં અધધ ૪૧૫ સીટો સાથે સુપરહિટ વડાપ્રધાન બની ગયા. એ જ રીતે ૧૯૭૨માં મીનાકુમારીના મૃત્યુ પછી ‘પાકિઝા’ સુપરહિટ થઈને ૫૦ વીક સુધી ચાલતી રહી !
રસપ્રદ વાત એ પણ ખરી કે રાજીવ ગાંધી પણ સારા હતા અને ‘પાકિઝા’ પણ સારી હતી ! ફરક માત્ર એટલો હતો કે પાકિઝા બનતાં બનતાં પુરાં ૧૫ વર્ષ લાગી ગયાં હતાં ! (અને રાજીવ ગાંધી રાતોરાત પ્રાઈમ મિનિસ્ટર બન્યા હતા.)
આ અજીબ દાસ્તાનની શરૂઆત ત્યારથી શરૂ થાય છે જ્યારે કમાલ અમરોહી નામના એક પીઢ વયના ડિરેક્ટર મીના કુમારી (અસલી નામ મહજબીન બાનો) નામની ૧૯ વરસની અભિનેત્રીના પ્રેમમાં ‘દાયરા’ નામની સાવ એવરેજ રહેલી ફિલ્મ બનાવતી વખતે પ્રેમમાં પણ પડ્યા અને બંને પરણી પણ ગયા.
મીનાકુમારી માટે અમરોહી સાહેબને એટલી હદે પ્રેમ હતો કે તે મીનાજી માટે એક એવી ભવ્ય, જબરદસ્ત, શાનદાર ફિલ્મ બનાવવા માગતા હતા, જેના વડે મીનાજી ઇતિહાસમાં અમર બની જાય ! કહે છે કે અમરોહી સાહેબના મનમાં તે વખતે આ ખયાલ બિલકુલ શાહજહાંના ‘તાજમહાલ’ની જેમ છવાયેલો હતો. (એમના માટે મીનાકુમારી એમની મુમતાઝ હતી !)
અમરોહી સાહેબ પહેલાં તો ‘અનારકલી’ની કહાણી પર ફિલ્મ બનાવવા માગતા હતા. એમણે સ્ક્રીપ્ટ ઉપર કામ પણ શરૂ કરેલું પરંતુ જ્યારે ખબર પડી કે કે. આસિફ નામનો એમના જેવો જ એક ધૂની માણસ લખલૂંટ ખર્ચે એ જ સ્ટોરી પરથી ‘મુગલ-એ-આઝમ’ બનાવી રહ્યો છે, ત્યારે એ એમની સાથે જોડાઈ ગયા. એમણે એ ફિલ્મના ચોટદાર સંવાદો લખી આપ્યા.
પણ પછી ૧૯૫૬માં અમરોહી સાહેબે આ ‘પાકીઝા’ની નવી કહાણી બનાવીને તેનું ભવ્ય લોન્ચિંગ કરી નાંખ્યું ! આજે તો માની ન શકાય, પણ એમણે તે સમયે છેક જર્મનીથી જોસેફ વિસ્કીંગ નામના એક સિનેમેટોગ્રાફરને તેડાવ્યો હતો !
એટલું જ નહીં, એ જમાનાની પહેલી ‘સિનેમાસ્કોપ’ ફિલ્મ બનાવવા માટે અમરોહી સાહેબ હોલીવૂડ ગયેલા અને એમજીએમ સ્ટુડિયોમાંથી મહિને ૫૦,૦૦૦ રૂપિયાના ભાડેથી ખાસ સિનેમાસ્કોપ ફોર્મેટનો કેમેરો લઈ આવેલા !
૧૯૫૬માં તેનું શૂટિંગ પણ શરૂ થયું પણ તકદીરના ખેલ જુઓ. એ કેમેરાથી જે ક્લોઝ-અપ (માત્ર ચહેરો દેખાય એવા શોટ) લીધા હતા તે ‘આઉટ-ઓફ-ફોકસ’ લાગતા હતા !
તો અમરોહી સાહેબે કેમેરો પાછો મોકલ્યો ! જોકે એમજીએમ સ્ટુડીયોએ સ્વીકાર્યું કે કેમેરાના લેન્સમાં ખામી હતી.. અને ભાડું પણ જતું કર્યું ! બરોબર, પણ અહીં જે સેટ લાગી ગયા, કોસ્ચ્યુમો બની ગયા, કલાકારોથી માંડીને સ્પોટબોય્સને રૂપિયા ચૂકવાઈ ગયા હતા એનું શું ?
છતાં આ માણસે હોલીવૂડથી નવો કેમેરા મંગાવીને એકડે એકથી ફરી શૂટિંગ શરૂ કર્યું !
ખાસ્સી અડધી ફિલ્મ શૂટ થઈ ગઈ ત્યારે એક નવો વળાંક આવ્યો ! ભારતમાં હવે કલર ફિલ્મોની બોલબાલા વધી ગઈ હતી ! કે. આસિફે તો મુગલ-એ-આઝમનાં છેલલાં ચાર રીલમાં ‘કલર’ કરી નાંખ્યો હતો પણ મીનાકુમારીએ જીદ કરી કે આ બ્લેક એન્ડ વ્હાઈટને મુકો પડતું… અને નવેસરથી કલરમાં ‘પાકિઝા’ બનાવો !
અમરોહી સાહેબ તો પોતાની મુમતાઝ માટે કંઈપણ કરવા તૈયાર હતા ! એટલે ૧૯૫૮માં એમણે હવે ઇસ્ટમેનકલર- સિનેમાસ્કોપમાં ‘પાકીઝા’ બનાવવાનું નક્કી કર્યું. પણ હવે નવા લોચા શરૂ થયા. બ્લેક એન્ડ વ્હાઈટમાં હીરોનો રોલ અશોકકુમાર કરતા હતા. પણ સમય બદલાતાં એ તો ‘બાપ’ના રોલમાં ફીટ થઈ ગયેલા ! એટલે એમને હવે મીનાકુમારીના બાપના જ રોલમાં કાસ્ટ કર્યાં.
પણ હીરો કોણ બને ? અમરોહી સાહેબે સુનીલ દત્ત સાથે થોડું શૂટિંગ કર્યું. પસંદ ના પડ્યું. પછી પ્રદીપ કુમાર જેવા બે ચાર હીરોને પણ નાપાસ કર્યા. છેવટે ધર્મેન્દ્ર ફાઈનલ થયા અને લોચા અહીંથી જ શરૂ થયા !
એ સમયે કમાલ અમરોહીને લાગ્યું કે ધર્મેન્દ્ર અને મીનાકુમારી વચ્ચે કંઈક ‘ચાલી’ રહ્યું છે ! (વાત ખોટી પણ નહોતી) આના કારણે અમરોહી સાહેબ મીનાકુમારી માટે ખૂબ જ પઝેસિવ થઈ ગયા. બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા.
પરિણામ એ આવ્યું કે મીનાકુમારીએ બીજી ફિલ્મોને વધારે સમય ફાળવવાનું ચાલુ કર્યું અને ‘પાકિઝા’નું શૂટિંગ લટકાવતાં જ રહ્યાં ! એમાંય જ્યારે શૂટિંગ થતું ત્યારે કમલ અમરોહીના અતિશય પરફેશનના આગ્રહને કારણે કામ સાવ ધીમે ધીમે આગળ વધતું…
આમાં ને આમાં આખરે ૧૯૬૪માં મીનાકુમારી અને અમરોહી ‘છૂટા પડી ગયા ’! મીનાજી ડીપ્રેશનમાં જઈને શરાબને લત લઈ બેઠાં, જેના કારણે તબિયત પણ ખૂબ લથડી ગઈ. પેલી બાજુ જર્મન ફોટોગ્રાફર ૧૯૬૭માં દુનિયાને ગુડબાય કરી ગયા હતા, પરંતુ પાંચ વરસ પછી…
જાણે નસીબમાં લખાયેલું હોય તેમ સુનીલ દત્ત અને નરગીસ એકવાર કમાલ અમરોહીને મળવા ગયા હતા ત્યારે ‘પાકીઝા’ના શૂટ થયેલાં રીલ્સ જોઈને રીતસરનાં દંગ થઈ ગયાં ! એમને થયું કે આ ફિલ્મ તો કોઈપણ હિસાબે બનવી જ જોઈએ !
સુનીલ દત્ત અને નરગીસ મીનાકુમારીને મળ્યાં, એમને કન્વીન્સ કર્યા કે અંગત વિવાદોને બાજુમાં મુકીને આ ફિલ્મ બનાવવામાં સહકાર આપો ! મીનાજી તૈયાર તો થયાં પણ તબિયતનાં મોટા વાંધા હતા.
છતાં ૧૯૬૯થી લઈને ૧૯૭૧ સુધીમાં ફિલ્મ પુરી કરી. અને તકદીરના ખેલ જુઓ, ૧૯૭૨ની તારીખ ૪ ફેબ્રુઆરીએ ફિલ્મ રીલીઝ થાય છે… પ્રેક્ષકો સાવ મોળો પ્રતિસાદ આપે છે. અમુક થિયેટરોમાંથી ફિલ્મ ઉતરી પણ જાય છે…
અને ૩૧ માર્ચ ૧૯૭૨ના દિવસે મીનાકુમારીનું અવસાન થાય છે… આ ખબર ફેલાતાં જ પ્રેક્ષકોનાં ધાડેધાડાં ‘પાકિઝા’ જોવા માટે ઉમટી પડ્યાં ! ફિલ્મ ૫૦ વીક સુધી ચાલતી રહી !
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* લગભગ દોઢ કરોડના ખર્ચે બનેલી ‘પાકીઝા’એ કુલ છ કરોડની કમાણી કરી હતી.
* ગુલામ મુહમ્મદે ૧૫ વર્ષ પહેલાં કંપોઝ કરેલાં ૧૭ ગીતોમાંથી ૯ ગીતો પસંદ થયાં હતાં જેમાથી ૭ ગીતો ફિલ્મના પરદે રજુ થયાં હતાં.
* નૌશાદે ફિલ્મના ગીતોને નવો ઓપ આપવામાં પોતાનો જીવ રેડી દીધો હતો. તેનું ફાઈનલ મિક્સીંગ લંડનમાં કરવામા આવ્યું હતું.
* ‘પાકિઝા’માં ટ્રેન પણ એક કીરદાર તરીકે ઉભરીને આવે એ માટે નૌશાદે ખાસ એની ‘વ્હીસલ-ટ્યૂન’ બનાવી હતી.
* ‘ઇન્હી લોગોંને’ ગીતનો ભવ્ય ચાર માળનો સેટ ઊભો કરવામાં ૬૦૦ કારીગરોએ છ મહિના લગી મહેનત કરી હતી.
* જર્મન સિનેમેટોગ્રાફર જોસેફ વિસ્કીંગના મૃત્યુ પછી આર. ડી. માથુર, ફલી મિસ્ત્રી, જાલ મિસ્ત્રી, નરીમાન ઈરાની અને વી. કે. મૂર્તિ એમ પાંચ જણા પાસે બાકીનું લગભગ અડધું શૂટિંગ કરાવાયુ હતું.
* મીનાકુમારીની અતિશય ખરાબ તબિયતને કારણે ત્રણેક ગાયનોમાં ડાન્સ માટે લોંગ શોટ્સમાં પદમા ખન્નાનો ઉપયોગ થયો છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
સરસ લેખ. સરસ વાતો
ReplyDeleteપાકીઝા વિશે સુંદર જાણકારી મળી. આભાર
Delete,સુમંત વશી
ReplyDeleteપાકીજા મને યાદ છે ત્યાં સુધી પ્રકાશ માં રજૂ થયેલી.
ReplyDelete૨૫ ફેબ્રુઆરી એ મને બેંક માં નોકરી મળી તે વખતે એ પાકિઝા ફિલ્મ રિલીઝ થઈ હતી. અમારી બેંક ના એક બાવાજી રાત્રે પાકિઝા જોઈ આવ્યા અને બીજા દિવસે સમાચાર આવ્યા કે મીના કુમારી નું અવસાન થયું. એણે ફરીથી પાકિઝા જોયું.
ReplyDelete