નવાં ટિચીંગ મટિરીયલ્સ !

ગુજરાત સરકારે અચાનક હુકમ બહાર પાડી દીધો છે કે સરકારી સ્કૂલોમાં બહારની કોઈ વ્યક્તિએ પ્રવેશ કરતાં પહેલાં આચાર્યની મંજુરી લેવી પડશે ! બોલો.

કેમકે સરકારને ડર છે કે સ્કુલોમાં જો પૂરતાં શૈક્ષણિક સાધનો નહીં હોય તો ? પોલ ખુલી જશે ! જોકે સરકારને ખબર જ નથી કે આજકાલના નવાં ટિચીંગ મટિરીયલ આવી ગયા છે !

*** 

જુનું મટિરીયલ : સોટી
જુના જમાનામાં તો ભણાવવા માટે એક જ ચીજ પુરતી હતી… ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે રુમઝુમ !’ પણ હવે બદલાયું છે.

*** 

નવું મટિરીયલ : ટાઈ
તમે માર્ક કરજો કે જે છોકરાંઓને સ્કુલમાં ટાઈ પહેરાવવામાં આવે છે, એને હંમેશાં ટાઈ વગરનાં છોકરાંઓ કરતાં વધારે હોંશિયાર માનવામાં આવે છે ! બોલો, છે ને ચમત્કાર ?

*** 

નવું મટિરીયલ : એસી
‘અમારી સ્કુલના તમામ ક્લાસરૂમોમાં એસી છે !’ આજકાલના માબાપો આવું કહેતી વખતે કેટલું પ્રાઉડ ફીલ કરે છે ! કેમકે એસી લાગતાંની સાથે જ શિક્ષણની વેલ્યુ (ફી) હાઈ થઈ જાય છે.

*** 

નવું મટિરીયલ : સ્કુટી
તમારો બાબો કે બેબી ૧૦મા કે ૧૨મામાં આવે કે તરત તમારે આ મોંઘુ ટિચીંગ મટિરીયલ લાવી જ આપવું પડે છે ! જો તમે આ મટિરીયલ નથી અપાવી શકતા તો રિઝલ્ટમાં ઓટોમેટિક રીતે ૧૦થી ૧૨ ટકાનો ફેર પડી જાય છે !

*** 

નવું મટિરીયલ : કેન્ટિન
અહીં વિવિધ સ્વાદવાળા ટિચીંગ મટિરીયલ મળવાં જરૂરી છે ! કેમકે પિત્ઝા, બર્ગર, મોમોઝ ઉપરાંત વેફર્સ, ક્રન્ચિગ જેવાં રંગબિરંગી પડીકાં ખાનારાના માર્ક્સ… ઢેબરાં અને છુંદો ખાનારા બાળકો કરતાં ૨૦ ટકા વધી જતા હોવાનું મનાય છે !

*** 

બેસ્ટ મટિરીયલ : મોબાઈલ !
એને ‘સ્માર્ટ’ ફોન કહે છે, તે કંઇ અમથા અમથા કહેતા હશે ? આમાં ચેટજીપીટી જેવાં એપ્સ તો ટ્યુશન ક્લાસિસને ટક્કર મારે એવી ઝડપથી ભણાવે છે ! એટલું જ નહીં, હવે તો હોમવર્ક પણ ‘ઓટો-મોડ’ વડે થઈ જાય છે.

એક હથેળીમાં સમાઈ જાય એવડા નાના આ ટિચીંગ મટિરીયલથી છોકરું પોતાની જાતને પોતાના મા-બાપ કરતાં પણ વધારે ઇન્ટેલિજન્ટ માનતું થઈ જાય છે ! વિકાસ છે ભૈ વિકાસ..

***

- મન્નુ શેખચલ્લી

Comments