પૂનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટમાં જ્યારે ફાઈનલ યરનો કોઈ સ્ટુડન્ટ એની ૨૦-૨૫ મિનિટની ડિપ્લોમાં ફિલ્મ બનાવવામાં સતત મોડું જ કર્યા કરે (કેમ કે મફતના ભાવે હોસ્ટેલમાં પડ્યા રહેવાનું મળે અને સ્ટુડન્ટ લાઈફના જલસા ચાલુ રાખી શકાય) ત્યારે એમના સર એમને કહેતા :
‘અરે ભઈ, ‘મુગલ-એ-આઝમ’ બના રહે હો ક્યા ? જલ્દી ખતમ કરો યાર ?’
આ ‘મુગલ-એ-આઝમ’નો મુહાવરો શા માટે પ્રચલિત થયો ? કેમકે એ જમાનામાં કે. આસિફ નામનો ધૂની ડિરેક્ટર એને લગભગ દોઢ વખત ફરી બનાવી ચૂક્યો હતો ! છતાં એની જીદ હતી કે ‘ના… ના… રિલીઝ કરતાં પહેલાં એને હજી એકવાર નવેસરથી ફરી બનાવવી છે !’
અચ્છા, આ લગભગ દોઢ વખત ‘રિ-મેક’નો મામલો શું હતો ? તો જરા ફ્લેશ-બેકમાં જવું પડશે…
જો તમે ભૂલથી પણ એમ સમજતા હો કે સલીમ-અનારકલીની આ સ્ટોરી ખરેખર ઐતિહાસિક ‘ટ્રુ-સ્ટોરી’ છે, તો તમે (ડાયાબિટીસ વિનાની) ખાંડ ખાઈ રહ્યા છો !
કેમકે છેક ૧૯૨૨માં ઇમ્તિયાઝ અલી તાજ નામના એક લેખકે ‘અનારકલી’ નામનો એક ઉર્દૂ ડ્રામા લખ્યો હતો. એ જમાનામાં આ ઉર્દૂ નાટક એટલું મશહૂર બન્યું હતું કે ૧૯૨૮માં જ તેની ઉપરથી ‘અનારકલી’ નામની મુંગી ફિલ્મ બની હતી ! (કલ્પના કરો, નૃત્ય કરીને ગાયન ગાતી અનારકલી પણ મુંગી ! એ તો ટીક, કડક અવાજે ઘાંટા પાડતો અકબર પણ મુંગો !)
એ પછી ૧૯૩૫માં જે ‘અનારકલી’ બની તે બોલતી અને ગાતી પણ હતી. (બન્નેના પ્રોડ્યુસર હતા અરદેશર ઈરાની) જેમાં એ જમાનાની વિદેશી બ્યુટિ રૂબી માયર્સ હિરોઈન હતી અને દિનશા બિલીમોરીયા નામનો એક પારસી માટીડો સલીમ બન્યો હતો. આર. એસ. ચૌધરી નામના ડીરેક્ટરે એ વખતે પણ ભવ્ય અને જાજરમાન સેટિગ્સ ઊભા કર્યા હતા.
ત્યારબાદ ૧૯૫૩વાળી ‘અનારકલી’ પણ આવી ગઈ ! પ્રદીપકુમાર અને બીના-રાયવાળી એ ફિલ્મ પણ એ વર્ષની નંબર વન હિટ હતી ! એનાં સી. રામચંદ્રનાં ગાયનો આજે પણ યાદગાર છે : ‘જિંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈં…’ ‘યે જિંદગી ઉસી કી હૈ, જો કિસી કા હો ગયા…’ ‘જાગ દર્દે ઇશ્ક જાગ…’ ‘દુઆ કર ગમે દિલ દુઆ કર…’ વગેરે.
છતાં કે. આસિફનો કોન્ફિડન્સ જુઓ ! એ તો છેક ૧૯૪૧થી ‘મુગલ-એ-આઝમ’ બનાવી રહ્યા હતા, છતાં એમને ખાતરી હતી કે ‘આ અનારકલી તો કંઈ નથી ! મારી અનારકલી પરદા પર આવે ત્યારે જોઈ લેજો, બોસ !’
એમ તો ૧૯૫૮માં પાકિસ્તાનમાં પણ એક ‘અનારકલી’ બની હતી ! જેમાં ભારતથી ત્યાં જતી રહેલી ગાયિકા કમ અભિનેત્રી નૂરજહાં હિરોઇન બની હતી. જોકે આ પાકિસ્તાની ફિલ્મની તો કોઈ અસર ભારતમાં પડવાની જ નહોતી.
અહીં મારા જેવા લેખકને જરૂર સવાલ થાય કે ભાઈ, પેલું ઓરીજીનલ ઉર્દૂ નાટક લખનાર ઇમ્તિયાઝભાઈને કોઈએ આ બધી ઉઠાંતરી કરવા બદલ કોઈ રોયલ્ટી ચૂકવેલી ખરી? ખેર છોડો… આપણે કે. આસિફની ઝનૂની (પેશનેટ) મેકિંગની સ્ટોરી ઉપર આવીએ.
તો મામલો શરૂ થાય છે ૧૯૪૦ના દાયકામાં જ્યારે શીરાઝઅલી હકીમ નામના નિર્માતા અને કે. આસિફ નામના નવા સવા દિગ્દર્શકે આ કહાણીને આજ પહેલાં કોઈએ ના બનાવી હોય એટલા મોટા સ્કેલ પર બનાવવાનું નક્કી કર્યું. જેની સ્ક્રીપ્ટ લખવા માટે ચાર દિગ્ગજ લેખકોને કામે લગાડ્યા : કમાલ અમરોહી (પાકીઝાવાળા), વજાહત મિર્ઝા, અમાનુલ્લા ખાન અને એહસાન રિઝવી. આખી પટકથા સંવાદો સાથે પુરી કરવામાં ત્રણ વરસ લાગી ગયાં.
૧૯૪૪માં હવે એનું પ્રોડક્શન શરૂ થયું. અને એ પણ ભવ્ય સ્કેલ ઉપર ! તોતિંગ સાઈઝના સેટ્સ અને અત્યંત મોઘાં કોસ્ચ્યુમ્સ… પણ હલો, દિલીપ કુમાર મધુબાલા વગેરે તો એ વખતે બચ્ચાં હતાં !
તો સ્ટાર કાસ્ટ શું હતી ? તમને જાણીને નવાઈ લાગશે, પણ અકબર તરીકે પેલી માંજરી આંખો અને ખતરનાક ચહેરાવાળો ચંદ્રમોહન હતો ! (હા, મહેબૂબ ખાનની ‘રોટી’ વાળો.) અને સલીમ તરીકે કોણ હતો ? હવે આ નામ સાંભળીને હસતા નહીં… કેમકે સલીમ બન્યા હતા એવી જ માંજરી આંખોવાળા સપ્રુ ! (હા, એ જ સપ્રુ, જે પાછળથી ફિલ્મોમાં ‘ઓર્ડર ઓર્ડર’ કરીને હથોડા પછાડનારા જજ બનતા હતા.)
જોકે એ વખતે સપ્રુ બડા હેન્ડસમ લાગતા હતા. અને અનારકલી કોણ હતું ? નરગિસ ! જેની ઉમર વખતે માંડ ૧૫ વરસની હતી ! આમાં ચોંકવાની જરૂર નથી કેમકે ૧૪ વરસની ઉમરે જ તે મોતીલાલની હિરોઈન બની ચૂકી હતી. (તકદીર : ડિરેક્ટર મહેબૂબ ખાન)
કે. આસિફ એમના લાર્જર-ધેન-લાઈફ સપનાને સાકાર કરવા માટે પ્રોડ્યુસર પાસે લખલૂંટ ખર્ચો કરાવી રહ્યા હતા. પણ તકદીરના ખેલ જુઓ. ૧૯૪૯માં, જ્યારે ફિલ્મ લગભગ અડધી બની ચૂકી હતી ત્યારે અકબર બનેલા ચંદ્રમોહનનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું !
એ તો ઠીક, ૧૯૪૭માં જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પેલા નાણાં રોકનાર શીરાઝઅલી હકીમ (કદાચ દેવાળું ફૂંકીને) પાકિસ્તાન જતા રહેલા ! જોકે જતાં પહેલાં એક બહુ મહત્ત્વનું કામ કરેલું. પ્રોડ્યુસર-ફાઈનાન્સર તરીકે એ સમયના એક દિલદાર કરોડપતિ પારસીબાવા શાપુરજી પાલનજીનું નામ સૂચવતાં ગયેલા !
આ શાપુરજી ફિલ્મ લાઈનનો કક્કો પણ જાણતા નહતા. છતાં કે. આસિફે એમને ‘રદ’ કરેલી ફિલ્મનાં દૃશ્યો બતાડ્યાં… અને શી ખબર કયા લોજિકથી શાપરજી આ એકમાત્ર ફિલ્મ પાછળ પાણીની જેમ પૈસો વહાવતા રહ્યા!
એમાંય, જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટને બદલે કલરનો જમાનો આવી ગયો ત્યારે કે. આસિફ હજી આખેઆખી ફિલ્મ ટેકનિકલરમાં ફરીથી બનાવવા માંગતા હતા ! પણ શાપુરજીએ આખરે બ્રેક મારી… એટલે છેવટે છેલ્લે ચાર રીલ કલરમાં બન્યાં.
શાપુરજી પાલનજી આ ફિલ્મ પાછળ દોઢ કરોડ જેવી માતબર રકમ લગાવી ચૂક્યા હતા. પરંતુ એ જુગાર સફળ નીવડ્યો. કેમકે પુરા પંદર વરસ સુધી ‘મુગલ-એ-આઝમ’ની કમાણીના રેકોર્ડને કોઈ ફિલ્મ તોડી શકી નહોતી ! બોલો.
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* અકબર બનેલા પૃથ્વીરાજ કપૂરનો કુદરતી અવાજ કોઈ કારણસર ખરાબ થઈ ગયો હતો. તે આવા ભારે અને ખારા અવાજમાં જ બોલી શકતા હતા. જે અકબરનું વિશિષ્ટ ‘કેરેક્ટર’ બની ગયું !
* યુદ્ધનાં દૃશ્યો માટે જવાહરલાલ નહેરુએ ખાસ ભલામણ કરીને ભારતીય સેનાની આખી એક ફૌજી ઘોડેસવારોની રાજસ્થાની બટાલિયન ઉપલબ્ધ કરાવી હતી ! બોલો.
* દોઢ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે કુલ ૧૬.૫ કરોડનો બિઝનેસ કર્યો હતો.
* યુદ્ધનાં દૃશ્યો માટે ૨૦૦૦ ઊંટ, ૪૦૦૦ ઘોડા અને ૮૦૦૦ સૈનિકોનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે.
* ઉસ્તાદ બડે ગુલામઅલી ખાનને તાનસેનના અવાજમાં માત્ર બે ગીતો ગાવા માટે ૨૫,૦૦૦ રૂપિયાની માતબર રકમ ચૂકવાઈ હતી. જે રેકોર્ડ આજે પણ અકબંધ છે !
* ૨૦૦૪માં ‘મુગલ-એ-આઝમ’ને ડિજીટલી કલર કરીને રીલીઝ કરી ત્યારે પણ ૧૦ કરોડના મૂડીરોકાણ સામે ૨૭ કરોડની કમાણી કરી હતી.
***
- મન્નુ શેખચલ્લી
વાહ ✍️💕 જબરદસ્ત માહિતી.. ખૂબ ગમે તે સ્વાભાવિક છે
ReplyDeleteSholey and mugale aazam can not be repeated . Such a great movie but K Asif has 150 % confidence while G P sippy was not so much sure sbout success .
ReplyDeleteસુમંત શિકાગો
ReplyDelete