જાપાનથી ગુજરાતમાં આવેલા આ ટચૂકડા કાવ્ય પ્રકારમાં માત્ર ૧૭ અક્ષર વાપરવાના હોય છે. જોકે જાપાનિસ ભાષા તો ચિત્રલિપી છે એટલે ‘દુષ્ટ માનવી’ એવા સાડા ચાર અક્ષરના શબ્દ માટ એક જ ચિત્ર હોય !
ગુજરાતીમાં આવી ‘સંકડાશ’ હોય ત્યારે હાઈકુ બનાવવાનું સહેલું નથી. છતાં…
***
(આજકાલની સ્ટાઈલના ગરબામાં ક્યાંય તાળી પડતી જ નથી ! તો એના માટે આ હાઈકુ.)
રંગતાળીમાં
રંગ વધ્યા, તાળી ગૈ !
બોલો, દે તાળી !
***
(સરકારે કોમર્શિયલ ગરબા માટે જાતજાતના નિયમો તો કર્યા છે. છતાં શું થાય છે ?)
લેવું પડશે
લાયસન્સ, નહીં તો
‘પ્રસાદ’ આપો !
***
(સરવાળે થાય છે શું ? કેપેસિટી કરતાં બમણી સંખ્યામાં પાસ વહેંચાય (કે વેચાય) છે ! આના કારણે…)
મોંઘેરા પાસ
લઈને ગરબામાં...
નિહાળી ભીડ !
***
(અંદર ગયા પછી શું પરિસ્થિતિ હોય છે ! જુઓ…)
નામો છે મોટાં
સ્પીકરો પણ મોટાં
પાક્યા છે કાન !
***
(બીજી બાજુ મિડલ ક્લાસ સોસાયટીઓમાં ગરબા શી રીતે ગવાય છે ?)
ગાયા ગરબા
પણ ગાયા છે કોણે ?
પેન ડ્રાઈવે !
***
(છતાં હવે ગરબા તો મોટો સિઝનલ બિઝનેસ થઈ ગયો છે. એ હિસાબે જોઈએ તો…)
કરોડોની માં
કમાણી (ય) કરોડોમાં
હિસાબ પાકો !
***
(શહેરના રસ્તાઓમાં વાહનો કલાકો સુધી ફસાઈ જાય છે. પણ આ હાલત માત્ર અહીં જ નથી…)
ટ્રાફિક જામ…
હલવાની જગ્યા નૈં…
ગ્રાઉન્ડમાં જ !!
***
(ઝાકઝમાળવાળા આ ગરબાનાં રીલ્સ જોઈને અમુક લોકો વટથી કહે છે ‘લો બોલો, મોંઘવારી ક્યાં છે? ’ પરંતુ એમને ખબર નથી કે…)
મોઘવારી છે ?
શોધી કાઢો ! મળશે
શેરી ગરબે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment