નવરાત્રીના પાસમાં અનામત ?

તમે માર્ક કરજો… નવરાત્રિના પાસ જેની પાસે પહોંચવા જોઈએ એવા તરવરિયા જુવાનિયાઓને તો માંડ સરેરાશ ‘દોઢ’ જ પાસ મળતા હોય છે !

બીજી બાજુ, ગરબાનાં ત્રણ આંટા મારતાં તો હાંફ ચડી જાય એવા અંકલો અને આન્ટીઓ પાસે રોજના સરેરાશ ચાર પાસ હોય છે !

એટલે જ અમને લાગે છે કે ગરબાના પાસમાં ‘અનામત’ સિસ્ટમ હોવી જોઈએ !

*** 

૫૦ ટકા પાસ તો મહિલાઓ માટે જ અનામત રાખો ! કેમકે મહિલાઓ છે, તો જ ગરબાઓ ‘જોવાલાયક’ બને છે !

છતાં કોઈ યુવક ‘બોબી ડાર્લિંગ’ બનીને આવી જાય તો સીધો એને સ્ટેજ પર ચડાવી દેવાનો !

*** 

૧૦ ટકા પાસ કાનના ડોક્ટરો માટે રાખો ! કેમકે સ્પીકરોના ખતરનાક અવાજથી ભલભલાના કાનના પડદા ‘હચમચી’ જાય છે !

કાનમાં એવી ધાક પડી જાય છે કે સાલું બીજા દિવસે સવારે એમ જ લાગે છે કે બોસ, કંઈ સંભળાતું કેમ નથી ? (મૂળ તો આઠ વાગ્યાનું એલાર્મ નહોતું સંભળાયું.)

જો ડોક્ટરો ‘ઘટનાસ્થળ’ પર હાજર હોય તો એમને શોધીન ટ્રિટમેન્ટ લઈ શકાય ને ?

*** 

૫ ટકા પાસ ગળાનાં ડોક્ટરો માટે રિઝર્વ રખાવો ! કેમકે સ્પીકરોનાં ભયંકર ઘોંઘાટમાં આપણાં ઓળખીતાં જોડે ઝખ મારીને ઊંચા અવાજે બે મિનિટ વાત કીએ, એમાં તો ગળાં છોલાઈ જાય છે !

બીજું, આ ડોક્ટરો ‘ઓન-ધ-સ્પોટ’ ટ્રિટમેન્ટમાં ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપે તો પણ ઘણું છે !

*** 

અચ્છા, ૨૫ ટકા પાસ કોલેજિયનો માટે, ૧૨ ટકા સિનિયર સિટીઝનો માટે, ૧૦ ટકા નાનાં બાળકો માટે અને બે ટકા પાસ મહિલા પોલીસોને આપો, બરાબર છે ?

*** 

અને છેલ્લે… ૫૦ ટકા પાસ માત્ર ‘જોવા માટે’ આવનારા ક્રાઉડ માટે અનામત રાખો !

એક મિનિટ ! તમે કહેશો કે મન્નુભાઈ, તમે ઓલરેડી ૧૧૪ ટકા તો ગણાવી ચૂક્યા છો ! એમાં ઉપરથી બીજા ૫૦ ટકા ક્યાંથી ઘૂસાડવાના ?

તો મિત્રો, આયોજકો એ જ કરે છે ને ? પેલા વધારાના ૫૦ ટકાને એન્ટ્રી આપી દે છે એમાં જ તો ગરબા રમવાની જગ્યા બચતી નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments