કહેવતો જુની હોય છે, જાણીતી પણ હોય છે અને ડહાપણનો ભંડાર પણ હોય છે ! પરંતુ તે આજના સમયમાં કંઈક વિચિત્ર રીત સાચી પડી રહી છે ! જુઓ…
***
સમાચાર :
આઈએમએફ લોન લઈ લઈને દેવાદાર થઈ ચૂકેલા દેશોના સંગઠનનું પ્રમુખપદ કોને મળ્યું છે ?... પાકિસ્તાનને !
કહેવત :
આને કહેવાય… ‘ચોરના હાથમાં ચાવી !’
***
સમાચાર :
રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવનાર ટ્રમ્પે પોતે જ રશિયા પાસેથી લાખો બેરલ ઓઈલ ખરીદવાનો સોદો કરી નાંખ્યો છે ! કેમકે સામે મિડ-ટર્મ ચૂંટણી આવી રહી છે…
કહેવત :
ટુંકમાં… ‘ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે !’
***
સમાચાર :
જે સ્ટારલિંક નેટવર્કની મદદ વડે યુક્રેન રશિયામાં હજાર માઈલ સુધી મિસાઈલ હૂમલા કરી શકતું હતું, તે સ્ટારલિંકની સ્પીડ એલોન મસ્કે અચાનક ઘટાડી દીધી છે.
કહેવત :
યાને કે… ‘ગરજ મટી, ને વૈદ્ય વેરી !’
***
સમાચાર :
એ જ એલન મસ્ક ભારત સામે બળાપો કાઢતાં કહે કે મારી સ્ટારલિંકની તમારા દેશમાં એન્ટ્રી કેમ નથી મળતી ? શું મુકેશ અંબાણી ભારતના વડાપ્રધાન છે ?
કહેવત :
આમા સમજવા જેવું એ છે કે ‘બિલાડીના કહેવાથી માખણનું શીકું ના તૂટે !’
***
સમાચાર :
વિપક્ષો અને કોકરોચોનાં વિરોધ પ્રદર્શનો માત્ર દિલ્હીની અમુક સડકો પર જ હોવા છતાં મિડીયાના કવરેજથી બહુ મોટી હલચલ જેવું લાગે છે.
કહેવત :
કારણ કે અહીં… ‘ચકલી નાની, પણ ફૈડકો મોટો’ છે !
***
સમાચાર :
ઘરડા થઈ ચૂકેલા પ્રશાંત ભૂષણ કહે છે કે અમે હવે રેજિમ ચેન્જ કરીને જ જંપીશું.
કહેવત :
‘પાદવાની પહોંચ નથી પણ તોપખાનાના એલચી થવું છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment