ફૂગ્ગા વિનાના દેવ આનંદની 'દુનિયા' !

‘કાનૂન’ વિશે લેખ લખ્યો હતો ત્યારે મનમાં એમ હતું કે જુની ફિલ્મોમાં કોર્ટ-રૂમ ડ્રામાની અન્ય ફિલ્મો વિશે લખીશું. પણ મારા સાહેબો, ‘કાનૂન’ સહિત ટોટલ માત્ર પોણા બે ફિલ્મો જ નીકળી!

કેમકે ‘યે રાસ્તે હૈં પ્યાર કે’માં અડધો અડધ તો ગાયનો હતાં. અને આ ‘દુનિયા’માં છેલ્લાં ત્રણ જ રીલમાં કોર્ટ છે ! નવાઈની વાત એ પણ ખરી કે મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો પછી ડઝન કરતાં વધુ કોર્ટ રૂમ ડ્રામા આવી ગયા !

એમાંય, અમુક કોર્ટ કેસો તો રિયલ કોર્ટમાં એડમિટ જ ના થયા એવા ! એક ફિલ્મમાં કોઈ ભગવાન ઉપર કેસ કરે છે ! (ઓ માય ગોડ) એની જ સિકવલમાં શાળામાં સેક્સ એજ્યુકેશન કેમ નથી એવા મુદ્દે કેસ ચાલે છે ! અન્ય એક ફિલ્મમાં આખો કેસ એ વાતે છે કે માય લોર્ડ, આ તાજમહાલ શું છે ? કબર છે ? મકબરો છે ? કે મંદિર છે ? (ધ તાજ સ્ટોરી)

એ સિવાય અમુક બાયોપિક્સ આવી ગઈ, જેમાં કોર્ટ કેસના બહાને પિંજરામાં ઊભા રહીને એ પાત્ર પોતાની આખી લાઈફ-સ્ટોરી કહેવા લાગે ! (ગાયનો સાથે !) જાણે જજ સાહેબને વારતાઓ સાંભળવા સિવાય બીજું કંઈ કામ જ ના હોય ! (બાલાસાહેબ ઠાકરે અને દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરની બાયોપિક્સ)

જોકે નવી ફિલ્મોમાં આવું બધું આવે એમાં શી નવાઈ ? કેમકે જ્યાં એક મંદિર માટેનો કેસ ૩૦ વરસ લગી ચાલતો રહે, અને એક ટાઈમે ખુદ સરકાર એવી એફિડેવીટ કરે કે એ ભગવાન તો કદી હતા જ નહીં ! 

એ તો ઠીક, ત્રણ વરસ પહેલાં એક ચીફ જસ્ટિસ સાહેબે સળંગ રોજેરોજ (હા, રોજેરોજ) એવા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં (હા, સુપ્રીમ કોર્ટમાં) કુલ ૧૦ દિવસ સુધી હાથ ઉપર લીધી કે ‘સમલૈંગિક લગ્નોને કાયદેસર ગણવાં કે નહીં ?’ બોલો. જાણે આટલી ઉતાવળે સુનાવણી ના થઈ હોત તો લાખો ખતરનાક ગુનેગારોએ દેશનું નખ્ખોદ વાળી દીધું હોત !

આ બધા ‘અનોખા’ કોર્ટ કેસોની સામે તો ‘દુનિયા’ ફિલ્મનો કેસ સાવ મામુલી જ લાગે, નહીં ? પણ ના ! સાવ એવું નથી ! અહીં પણ ગમ્મત પડે એવું ઘણું છે !

તમને નવાઈ લાગશે, પણ કેસ દરમ્યાન બચાવપક્ષનો વકીલ (દેવઆનંદ) આરોપીને જ ‘સાક્ષી’ તરીકે રજુ કરે છે ! પેલો આરોપી આ પિંજરામાંથી નીકળીને સામેના પિંજરામાં જઈને ઊભો રહે છે ! એક વાર સરકારી વકીલ (બલરજ સહાની) બચાવપક્ષના વકીલને (દેવઆનંદને) ‘સાક્ષી’ બનાવીને પિંજરામાં ખડો કરે છે ! આનો બદલો લેતો હોય તેમ દેવ આનંદ હવે બલરાજ સહાનીને ‘સાક્ષી’ તરીકે ઊભા કરી દે છે ! અને બદલાનો બદલો લેતા હોય તેમ બલરાજ સહાની દેવઆનંદને ફરીથી સાક્ષીના પિંજરામાં ઊભો કરે છે ! યે હો ક્યા રહા હૈ, મિ. લોર્ડ ?

પણ ફિલ્મી કોર્ટોમાં આવું જ બધું ચાલતું હોય ! બાકી રિયલ કોર્ટ કેસોમાં તો ‘તારીખ પે તારીખ…’ પડ્યા જ કરે… આરોપીના વાળ ધોળા થઈ જાય ત્યારે બિચારો ‘નિર્દોષ’ છૂટે, અથવા ન પણ છૂટે ! જોકે અમારું તો માનવું છે કે રીયલ કોર્ટો ફિલ્મી કોર્ટોની જેમ જ ચાલવી જોઈએ ! ‘જો ભી કહેના હૈ કટઘરે મેં આકર કહો !’ એક ઝાટકે કેસ ખતમ ! (પંચ પરમેશ્વર સ્ટાઈલમાં.)

જોકે એ જમાનામાં ‘દુનિયા’ રીલીઝ થયેલી ત્યારે દેવઆનંદના ચાહકો માટે બહુ મોટો આઘાત હતો ! એ આઘાત શું હતો ખબર છે ? કે… ‘હેં ? દેવઆનંદનો ફૂગ્ગો ક્યાં ગયો ?’

જી હા, દેવઆનંદની જે ફૂગ્ગાવાળી વાળની સ્ટાઈલ હતી તે આ ફિલ્મથી બદલાઈ ગયેલી ! એમાંય અમુક સીનોમાં (ખાસ તો ‘ફલસફા પ્યાર કા તુમ ક્યા જાનો…’ ગાયનમાં વાળ એટલી હદે કાપી નાંખલા કે અમારા જેવા આશિકોએ એના શોકમાં ‘મુંડન’ કરાવી નાંખવાનું વિચારેલું !

‘દુનિયા’ માટે બીજી નવાઈ એ હતી કે ‘હેં ? શંકર જયકીશનનું મ્યુઝિક ?’ કેમકે દેવઆનંદ હોય એટલે મ્યુઝિક એસડી બર્મનનું જ હોય ! (જુની ફિલ્મોમાં ઓપી નૈયાર) હા, ‘જબ પ્યાર કીસી સે હોતા હૈ’ અને ‘અસલી નકલી’માં શંકર જયકીશન હતા, પણ એ પછી તો લાંબો ગેપ પડે ગયેલો. (વચ્ચે ‘પ્યાર મહોબ્બત’ ખરી, પણ એનું મ્યુઝિક ફ્લોપ હતું.)

એમ તો વૈજયંતિમાલા સાથે પણ દેવઆનંદની આ માત્ર ત્રીજી ફિલ્મ હતી. (છેલ્લી ‘ફૂગ્ગાવાળી’ ફિલ્મ ‘જ્વેલ થિફ’ હિટ હતી. અને ‘અમરદીપ’ ફ્લોપ.) એમાંય આના શૂટિંગ દરમ્યાન વૈજયંતિમાલાનાં ડોક્ટર બાલી સાથે મેરેજ થઈ ગયેલાં એટલે પરદા ઉપર ‘કેમેસ્ટ્રી’ પણ ગાયબ હતી. પછી ‘ફિઝિક’માં જોવા જેવું પણ શું હોય ?

દેવઆનંદના ચાહકોને હજી નડવાનું અને કનડવાનું બાકી હોય તેમ સંગીતકાર શંકરે એમની વ્હાલી ગાયિકા શારદા પાસે ધરાર  ટાઈટલ સોંગ ગવડાવેલું ! જે આખી ફિલ્મમાં જ્યાંને ત્યાં અમારા કાને ટીચાયા કરતું હતું !

જોકે ફિલ્મમાં જેની સામસામી ટક્કર છે તે બલરાજ સહાની અને દેવઆનંદ સ્ટોરીના હિસાબે ‘બાપ-દિકરો’ છે. એટલું જ નહીં, જેની ઉપર મર્ડરનો આરોપ છે તે વૈજયંતિમાલાનો સગો ભાઈ છે ! એટલે આમ જોવા જાવ તો આખો મામલો ‘ઘરગથ્થુ’ જ હતો ! પણ એના કારણે જ ફિલ્મમાં રસ પડતો હતો.

બાકી ‘જોલી એલએલબી’ જોયા પછી જ ખબર પડી કે આમ અચાનક ગમે તેને સાક્ષી તરીકે બોલાવી ના શકાય ! એના માટે ‘એડવાન્સ નોટિસ’ આપવી પડે ! અને હા, વકીલ સાહેબ ચાલુ કોર્ટે પુરાવા તરીકે રિવોલ્વર કે પત્રો પોતાના ‘ખિસ્સાંમાથી’ કાઢીને રજુ ના કરી શકે !

પણ એ વખતે એવી બધી ખબર જ ક્યાં હતી ? આમ જોવા જાવ તો ખબર નહોતી એ સારું હતું ! નહિંતર બિચારી ‘દુનિયા’ ફ્લોપ થઈ જાત.

પણ છોડો, આપણે તો ફિલ્મને દેવઆનંદની ‘ફૂગ્ગા-વિદાય’ તરીકેની પહેલી માઈલસ્ટોન ફિલ્મ તરીકે યાદ રાખવી જોઈએ ! શું કહો છો -

***

ફિલ્મની જાણી અજાણી વાતો 


* ‘દુનિયા’ એ વર્ષની દસમા નંબરની ટોપ કમાણી કરનારી ફિલ્મ હતી.

* દેવઆનંદે સાઉથના ડિરેક્ટર સાથે અને ચેન્નાઈના સ્ટુડિયોઝમાં શૂટ થયેલી હોય એવી માંડ બે ત્રણ ફિલ્મો કરી હતી. એમાંની આ એક છે.

* સંગીતકાર તરીકે શંકર જયકીશનનાં નામો સાથે આવતાં હતાં, પણ હકીકતમાં બંને અલગ થઈ ગયા હતા. આ ફિલ્મનું સંગીત શંકરે એકલે હાથે આપ્યું હતું.

* કોર્ટ-રૂમ ડ્રામાવાળી આ માત્ર ત્રીજી અને છેલ્લી જુની ફિલ્મ હતી. ત્યાર બાદ વરસો પછી ‘દામિની’માં (તારીખ પે તારીખ…) કોર્ટ-રૂમ ડ્રામો આવ્યો હતો.

* ડાન્સર લક્ષ્મી છાયાના નામ ઉપરથી લખાયેલું ગાયન ‘તૂ હી મેરી લક્ષ્મી, તૂ હી મેરી છાયા…’ લક્ષ્મી છાયા ઉપરાંત બીજી બે ડાન્સરો ઉપર ફિલ્માવાયું હતું ! પરદા ઉપર ગાનારા હતા કોમેડિયન જ્હોની વોકર.

***

- મન્નુ શેખચલ્લી 

Comments