'કાનૂન': ગાયન વિનાનો કડક ઉર્દૂ ડ્રામા !

એ જમાનાની ફિલ્મોમાં કોર્ટની ભાષા કેવી ખતરનાક ‘ઉર્દૂ-ફાઈડ’ હતી ? વકીલ કહેતો હોય : 

‘મિ. લોર્ડ ! મૌકા એ વારદાત પર ફૈલે હુએ દૂધ કે ઉપર મકતૂલ કે પૈંરોં કે નિશાન, કત્લ મેં ઇસ્તમાલ કિયે ગયે હથિયાર પર મકતૂલ કી ઉંગલીયોં કે નિશાન ઔર મકતૂલ કે હાથોં પે પાયા ગયા મરહૂમ શખ્સ કા ખૂન… યે સારી બાતેં ઇસ બાત કી ગવાહી હૈં કિ કત્લ ઉસી ને કિયા હૈ !’

સાલું, એ વખતે આ ‘મકતૂલ’ શું અને ‘મરહૂમ’ કોણ ? એટલી યે સમજ પડતી નહોતી ! હા, વારંવાર બોલાતો પેલા જજ સાહેબનો ફિક્સ ડાયલોગ યાદ રહી ગયેલો : 

‘તમામ સબૂતોં ઔર ગવાહોં કે બયાનાત કો મદ્દેનજર રખતે હુએ અદાલત યે નતીજે પર પહુંચી હૈ કિ કત્લ ફલાં ફલાં કે હાથોં હી હુઆ હૈ ! ઇસલિયે ફલાં ફલાં કો મુજરીમ કરાર દેતે હુએ યહ અદાલત તાઝિરાતે હિન્દ, દફા તીન સો દો કે તહત…’

સાલું, વરસો પછી ખબર પડી કે વાસ્તવમાં જે કોર્ટો છે એમાં આવું કડક ઉર્દૂ ક્યાંય બોલાતું જ નથી ! ઉલ્ટું, બધો વ્યવહાર અંગ્રેજીમાં જ ચાલે છે ! (અથવા નીચલી કોર્ટોમાં તો ગુજરાતીમાં, કે ઇવન ભોજપુરીમાં ચાલે છે, બધું !)

વળી, ‘તાઝિરાત-એ-હિન્દ’ એટલે સાદી ભાષામાં ઇન્ડિયન પીનલ કોડ, એવી અક્કલ પણ મોડે મોડે આવેલી ! એમાંય પેલી ‘દફા તીન સૌ દો…’માં ભારે કન્ફ્યુઝન થતું હતું કેમકે અમુક ફિલ્મોમાં હીરોનો બાપો ગુસ્સામાં કહેતો કે ‘દફા હો જાઓ મેરી નજરોં કે સામને સે !’ તો એમ થતું કે સાલું, ‘દફા’ થઈ જવાનું ? ૩૦૨ વખત ? કોર્ટના ન્યાયાધીશની નજરોં કે સામને સે ?

પીનલ કોડની પણ બે જ કલમોની ખબર હતી : એક આ ૩૦૨, અને બીજી ચારસો વીસ ! એ પણ રાજકપૂરની ફિલ્મને લીધે જ! હવે જસ્ટ વિચાર કરો, કે જ્યાં પબ્લિકનું કાનૂન વિશે, એટલે કે કાયદા વિશે, માત્ર આટલું જ જ્ઞાન હોય ત્યાં ‘કાનૂન’ નામની આખેઆખી ફિલ્મ ‘ગાયન વિનાની’ બનાવવાનું જોખમ કેટલું ભારે કહેવાય ?

ભારતીય સિનેમામાં જ્યારથી ‘અવાજ’ આવ્યો ત્યારથી ગાયનો જ ગાયનો આવતાં રહ્યાં છે ! પહેલી જ બોલતી ફિલ્મ ‘આલમ આરા’ (૧૯૩૧)માં સાત ગીતો હતાં. પણ બોસ, એક જ વરસ પછી આવેલી ‘ઇન્દ્રસભા’ (૧૯૩૨)માં ૭૨ ગાયનો હતાં ! કેટલાં ? બોં… ત્તે… ર…! ભૈશાબ, એમ થાય કે એમાં ડાયલોગ-બાયલોગ બી હતા કે પછી માત્ર ગા… ગા… ગા…?

ખેર, એનાં ૫૯ વરસ પછી એકપણ ગાયન વિનાની ફિલ્મ આવે તો તો નવાઈ જ કહેવાય ને ? પણ નિર્માતા દિગ્દર્શક બી.આર. ચોપરાએ એ રિસ્ક લીધું, અને એમનો જુગાર સફળ પણ રહ્યો ! (જોકે, ૧૯૩૭માં ‘નૌજવાન’ નામની એક ગાયન વિનાની ફિલ્મ આવેલી, જે ખાસ ચાલી નહોતી.)

ફિલ્મ હિટ જવાનાં બે કારણ હતાં. એક તો સારી સ્ટારકાસ્ટ : જ્યુબિલી કુમાર તરીકે જેનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો હતો તે રાજેન્દ્રકુમાર, એની સામે એવરગ્રીન અશોકકુમાર. (નંદા પણ ખરી, પરંતુ એ વખતે સ્ટાર નહોતી.) 

પરંતુ બીજું કારણ જ ફિલ્મને હિટ કરાવી ગયું, તે હતું ચુસ્ત-કડક સ્ટોરી ટેલિંગ !

એક પણ મિનિટનો ટાઇમ બગાડ્યા વિના પહેલા જ સીનમાં એક મર્ડર થઈ જાય છે ! બીજા જ સીનમાં એનો ખૂની (જીવન) કોર્ટમાં આવીને કહે છે કે ‘હા, એ ખૂન મેં કર્યુ છે ! મગર કાનૂન મેરા કુછ નહીં બિગાડ સકતા !! કેમ કે દસ વરસ પહેલાં આ જ માણસનું ખૂન કરવાના જુઠા આરોપસર મને જેલમાં નાંખવામાં આવ્યો હતો !’

આટલું કહેતાંની સાથે જ એને હાર્ટ એટેક આવે છે અને તે કોર્ટના પિંજરામા જ મરી જાય છે ! કોર્ટમાં સનસનાટી મચી જાય છે ! તો હવે શું ? 

એવું આપણે વિચારતા હોઈએ ત્યાં કોર્ટના બે જજ વચ્ચે એક વિચિત્ર શરત લાગે છે કે ‘શું કઈ એવું ખૂન કરી શકે, જે ખૂન કરવા છતાં કાનૂનના હાથમાં કદી પકડાય જ નહીં ?’

આપણા આશ્ચર્ય વચ્ચે આ ચેલેન્જ અશોકકુમાર (જે પોતે જજ છે) સ્વીકારી લે છે ! બોલો, હવે તો સીટ ઉપર ચોંટીને જોવું જ પડે ને ?

બીઆર ચોપરાએ બીજી ખાસ કાળજી એ રાખી હતી કે સંવાદોનું રેકોર્ડિંગ પણ ‘કડક’ બનાવેલું ! એકે એક શબ્દ સ્પષ્ટ રીતે સંભળાય ! (દિલીપકુમાર કે મીનાકુમારી જેવું નહીં, કે પોતે જ ગણગણે ને પોતે જ સાંભળે !) 

આમ તો બેકગ્રાઉન્ડ મ્યુઝીક સલીલ ચૌધરીનું છે. (‘ઇત્તેફાક’ વધુ એક ગાયન વિનાની ફિલ્મમાં પણ સલીલદા જ હતા.) પરંતુ કોર્ટમાં જ્યારે એક પછી એક સસ્પેન્સો ખૂલતાં જાય ત્યારે ‘ઢેન્ટેણે… ન’ જેવું મ્યુઝિક ખખડાવવાને બદલે કોર્ટમાં બેઠેલા લોકોમાં ફેલાઈ જતો ખળભળાટ સંભળાય ! 

કોઈ મહત્ત્વનો સાક્ષી પિંજરામાં આવે તો એના બૂટનો અવાજ ટક.. ટક.. ટક.. કરતો આખી કોર્ટમાં ગુંજે ! અરે, ક્લાઈમેક્સમાં એક વાર રાજેન્દ્રકુમાર ‘પાંચ મિનિટમાં ખૂનનો ચશ્મદીદ ગવાહ હાજર થશે’ એવું જાહેર કરે છે ત્યારે સતત ટેન્શન વચ્ચે માત્ર ઘડિયાળના કાંટાનો અવાજ રાખ્યો છે !

‘કાનૂન’ હિટ ગઈ એનું ખાસ કારણ તો હવે આવે છે ! કેમકે એ જમાનામાં એવા વંઠેલા, અવળચંડા અને ‘અટકચાળાં’ કરનારાં પ્રેક્ષકો નહોતા ! અમારા હોસ્ટેલના દિવસોમાં ‘ધૂન્દ’ ફિલ્મનો હજી પહેલો શો પતે એના એક જ કલાકમાં તમામ દિવાલો ઉપર અને મૂતરડીઓમાં લખાઈ જતુ હતું કે ‘ધૂન્દનો ખૂની નવીન નિશ્ચલ’ છે ! (બોલો, આમાં બીઆર ચોપરાનું તો દેવાળું જ ફૂંકાઈ જાય ને?)

ફિલ્મમાં ચોપરા સાહેબે જે કોર્ટ દેખાડી છે એનો ભભકો તો મોટી હાઈકોર્ટ જેવો જ છે પરંતુ એટલી કાળજી જરૂર રાખી છે કે સંવાદોમાં અને છાપાની હેડલાઈનોમાં ‘સેશન્સ કોર્ટ’ એવું જ આવે છે. (સેશન્સ કોર્ટ એટલે નીચલી અદાલત.)

‘કાનૂન’માં પ્રેક્ષક છેલ્લી મિનિટ સુધી પોતાની સીટમાં જકડાઈ એટલા માટે રહેતો હતો કે વકીલ રાજેન્દ્રકુમારે જાતે પોતાની આંખે, પોતાના ભાવિ સસરા (અને કોર્ટના જજ) અશોકકુમારને ખૂન કરતાં ખરેખર જોયા છે ! 

પણ પછી છેલ્લે જે સસ્પેન્સ ખૂલે છે… એ સ્પોઈલર જો અમે આપી દઈશું તો તમે અમને મણમણની ચોપડાવશો ! એટલે તમે જાતે જ જોઈને પછી ચોપડા સાહેબને જેટલી દેવી હોય એટલી દેજો…

બાકી, એક વાત નક્કી છે, પેલી ‘જોલી એલએલબી’ ફિલ્મ આવી ના હોત તો આપણે આજે પણ એમ જ માનતા હોત કે કોર્ટોમાં બધા ‘ડાયલોગો’ જ મારે છે, અને અઘરુ અઘરું ઉર્દૂ જ ફાડે છે !

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* રાજેન્દ્રકુમારના રોલ માટે પહેલાં રાજકુમાર સાથે વાતચીત ચાલી હતી. પણ વાત બની નહીં.

* ‘કાનૂન’માં જજ સાહેબની સાઈડમાં ૧૨ સભ્યોની ‘જ્યુરી’ બતાડવામાં આવી છે પરંતુ સમય જતાં કોર્ટમાંથી જ્યુરીની પ્રથા કાઢી નાંખવામાં આવી હતી.

* ‘કાનૂન’ને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ અને ચરિત્ર અભિનેતા નાના પલશીકરને ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હતો.

* આખી ફિલ્મમાં પેલો મહા-ચાલુ ડાયલોગ ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈં…’ ક્યાંય બોલાયો જ નથી ! બોલો.

* કોર્ટનાં દૃશ્યોના શૂટિંગ વખતે સતત બે વકીલોને હાજર રાખવામાં આવતા હતા. જેથી કોર્ટના પ્રોસિજરમાં કોઈ ભૂલ થતી હોય તો ધ્યાન દોરે… આવું હતું બીઆર ચોપરાનું પરફેક્શન !

***

- મન્નુ શેખચલ્લી 

Comments