યે રાસ્તે થે 'બ્લિટ્ઝ' કે !

ફિલ્મનું પિષ્ટપેષણ તો પછી કરીશું પણ જે સત્યઘટનાનો આધાર લઈને આ ફિલ્મ બની હતી એ કિસ્સો, અને એનો મુંબઈની કોર્ટમાં ચાલેલા કેસ દરમ્યાન જે સનસનાટીઓ મચી ગઈ હતી એની દાસ્તાન ‘ફીલ્મી’ કરતાં પણ વધારે જોરદાર છે !

વાત એમ હતી કે કાવસજી માણેકશા નાણાવટી નામના એક હેન્ડસમ નેવી કમાન્ડર તેની ઇંગ્લેન્ડમાં જન્મેલી અતિ સુંદર પત્ની સિલ્વીયા અનેતેનાં બે રૂપાળાં ગલગોટા જેવાં બાળકો સાથે મુંબઈના પોશ એરિયામાં રહેતા હતા.

નેવલ અફસરને અવારનવાર મહિનાઓ લગી સમંદરની સફરમાં રહેવાનું થતું હતું. એકવાર તે લાંબી સફર પછી પાછા આવે છે તો પત્ની સિલ્વીયાને રડતી જોઈને ચોંકી જાય છે. 

દિલથી ભાંગી પડેલી સિલ્વીયા પતિ આગળ કબૂલ કરે છે કે તેની ગેરહાજરીમાં પતિના જ એક ખાસ ફ્રેન્ડ પ્રેમ આહુજા, જે સ્વભાવે અતિશય રંગીન મિજાજનો હતો. તેના પ્રેમમાં પડી ચૂકી હતી !

આ સંબંધ એટલી હદે આગળ વધી ચૂક્યો હતો કે સિલ્વીયા પોતાના પતિને છોડીને તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી ! પણ પેલા પ્રેમ આહુજાએ નફ્ફટ થઈને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી !

હવે આ સિલ્વીયા, જે ખરેખર પોતાના પતિને હૃદયપૂર્વક ચાહતી હતી, છતાં તેની સાથે કેમ આવો દગો કરી બેઠી ? એ વાતે તેને ભારોભાર પસ્તાવો થઈ રહ્યો હતો…

નાણાવટીએ આખી વાત ધીરજથી સાંભળી પછી કહ્યું : ‘આજે આપણે બાળકો સાથે મુવી જોવા જવાના હતા ને ? તો બધું ભૂલી જા. આપણે ફિલ્મ જોવા જઈએ છીએ…’

સિલ્વીયા અને તેનાં બે બાળકોને તે કારમાં બેસાડીને સિનેમાહોલ ઉતારે છે. પછી તે સીધો પોતાના નેવલ બેઝ પર જાય છે, પોતાની સર્વિસ રિવોલ્વર અને છ બુલેટ ‘રજિસ્ટરમાં નોંધીને’ પોતાની સાથે લઈને નીકળી જાય છે.

ત્યાંથી તે સીધા પ્રેમ આહુજાની ઓફિસે જાય છે ત્યાં તે હાજર નથી. એટલે હવે તે આહુજાના ઘરે જાય છે. અહીં આહુજા સાથે સખત ઝગડો થાય છે. નાણાવટીના કહેવા મુજબ તેણે સીધું જ પૂછ્યું હતું કે, ‘બોલ, મારી પત્ની સાથે તું લગ્ન કરીશ ?’

નફ્ફટ આહુજાએ ચોખ્ખી ના પાડતાં કહ્યું : ‘જેટલી સ્ત્રીઓ સાથે હું સૂઈ જાઉં છું એ બધી સાથે પરણું ?’ બીજી જ ક્ષણે નાણાવટીએ તેના શરીરમાં ત્રણ ગોળીઓ ધરબી દીધી ! એટલું જ નહીં, તે વેસ્ટર્ન નેવી કમાન્ડના માર્શલ, માઈકલ સેમ્યુઅલ પાસે જઈને પોતાના ગુનાની કબૂલાત કરે છે ! 

પછી એ જ સિનિયર ઓફિસરની સલાહ માનીને નાણાવટી સીધા મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર જ્હોન લોબો આગળ જઈને ધરપકડ વહોરી લે છે !

આમ જોવા જાવ તો ‘ઓપન એન્ડ શટ’ કેસ કહેવાય, પણ કોર્ટમાં જ્યારે જ્યારે આ કેસની સુનાવણી થતી હતી ત્યારે આખા મુંબઈમાં જબરદસ્ત હલચલ મચી જતી હતી ! લોકોનાં ટોળેટોળાં આ સુનાવણી સાંભળવા માટે કોર્ટમાં પહોંચી જતા હતાં !

એનું કારણ શું ? તો જવાબ છે : ‘મિડીયા’ !

જી હા, તે વખતે ‘બ્લિટ્ઝ’ નામનું અંગ્રેજી ટેબ્લોઇડ અખબાર, જે રોજ સાંજે બહાર પડતું હતું, તેના તંત્રી પણ એક પારસી હતા, ‘બી. કે. કરંજિયા’. એમણે આ કેસને આવી જબરદસ્ત પબ્લિસીટી આપી હતી કે ના પૂછો વાત ! માત્ર ૨૫ પૈસામાં વેચાતા આ અખબારની કોપીઓનાં બબ્બે રૂપિયામાં ‘કાળાબજાર’ થતાં હતાં !

એનાં બે કારણ હતા. એક તો કરંજિયા સાહેબે એવી લાઈન ચલાવેલી કે ‘નાણાવટી આના સિવાય બીજું કરી પણ શું શક્યા હોત ?’ અને બીજી બાજુ એમણે આખા કેસને ‘પારસી વિરુદ્ધ સિંધી’નો રંગ આપી દીધો હતો !

અહીં આખા ‘રિયલ કોર્ટરૂમ ડ્રામા’ના હિરો હતા નેવલ ઓફિસર નાણાવટી પોતે ! કેમકે આરોપીના પિંજરામાંથી તે જે છટાદાર ઇંગ્લીશમાં જવાબો આપતા હતા તેની ઉપર રીતસર તાળીઓ પડતી હતી ! (યાદ રહે, અહીં ઉર્દૂ ફિલ્મી ડાયલોગ્સ નહોતા !)

૧૯૫૯ અને ૬૦ દરમ્યાન ચાલેલા આ લેન્ડમાર્ક કેસની અસર એટલી ભારે હતી કે સમય જતાં ભારતની કોર્ટોમાંથી ‘જ્યુરી’ પ્રથા નાબૂદ કરવી પડી ! (જ્યુરી એટલે દસ જેટલા ‘નાગરિકો’ આખા કેસ દરમ્યાન બધું સાંભળે અને જજ સાહેબનો નિર્ણય આવે તે પહેલાં ‘ભલામણ’ કરે કે શું ન્યાય થવો જોઈએ.)

આ કેસમાં એવું થયું કે ‘તમામ ગવાહોં ઔર સબૂતોં કે મદ્દેનઝર રખને કે બાવજૂદ' જ્યુરીએ કહ્યું કે નાણાવટી ‘નિર્દોષ’ છે !એમણે ‘હત્યા' નથી કરી, બલ્કે અકસ્માતે આવેશમાં, લાગણીના વિસ્ફોટમાં આવું ‘થઈ ગયું !’ (તાલિયાં… તાલિયાં… પછી ઓર્ડર ! ઓર્ડર !!)

જી હા, ‘ઓર્ડર ઓર્ડર’ કહેનારા જજ સાહેબે વરસો જુની જ્યુરી પરંપરાને ફગાવતાં ચૂકાદો આપ્યો કે ‘નાણાવટીએ આવેશમાં નહીં પણ ઈરાદા સાથે, યોજનાપૂર્વક આ હત્યા કરી છે !’

‘બ્લ્ટિઝ’માં તો આ ચૂકાદા વિરુદ્ધ પણ બહુ લખાયું હતું. ત્રણ ત્રણ વરસ સુધી હાઈકોર્ટમાં ચાલતો હતો ત્યારે પણ 'બ્લિટ્ઝ'માં સતત લેખો છપાતા રહ્યા. પારસીઓ સરઘસો કાઢતા રહ્યા ! દરેક સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં પણ ટોળેટોળાં !

જોકે છેવટે કે.એમ. નાણાવટીને હાઈકોર્ટે ગુનેગાર ઠરાવીને જન્મટીપની સજા ફરમાવી હતી, પણ… પણ…

નેવલ કમાન્ડ કે. એમ. નાણાવટીને ‘માફી’ મળી ગઈ હતી !! શી રીતે ? વેલ, જવાબ છે : ‘પોલિટીક્સ’ !! 

જી હા, નેવી ઓફીસર તરીકે નાણાવટીને નહેરુ પરિવાર સાથે બહુ સારા સંબંધો હતા ! એટલે મહારાષ્ટ્રનાં ગવર્નર વિજયા લક્ષ્મી પંડિત, જે નહેરુજીનાં સગાં બહેન થાય, તેમણે નાણાવટીની ‘દયા’ અરજીને મંજૂરી આપી હતી !

એનો ટાઇમિંગ પણ જોવા જેવો હતો ! સિંધી સમાજને ખોટું ના લાગે એટલા ખાતર એ જ સમયે એક બીજા સિંધી ‘ભાઈ પ્રતાપ’ નામના કેદીની દયા અરજીને પણ મંજૂરી આપવામાં આવી હતી ! બોલો.

હવે તમે જ વિચારો, બિચારા સુનીલ દત્ત, જે આ ફિલ્મના પ્રોડ્યુસર હતા, તે આવું બધું બતાડવા જાય તો સરકારની જ આંખમાં ગુનેગાર બની જાય ને ? 

એટલે, છેવટે ફિલ્મમાં ચાર પાંચ રોમેન્ટિક ગાયનો નાંખ્યા, એક ‘કૃષ્ણ ભજન’ મુક્યું,. અને આખી ફિલ્મમાં વિધવા જેવી સફેદ સાડીઓ બિચારી લીલા નાયડુ જેવી બ્યુટિફૂલ હિરોઈનને પહેરાવી દીધી ! (જેને ‘વોગ’ મેગેઝિને દુનિયાની ટોપ ટેન સૌંદર્યવાન સ્ત્રીઓમાં સ્થાન આપેલું.) બોલો.

… અને છેલ્લે તો એમ બતાડીને વીંટો વાળ્યો કે મર્ડર તો પેલી શશીકલાએ કરેલું ! બોલો.

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* આ જ સત્યઘટના ઉપરથી અક્ષયકુમારની ‘રૂસ્તમ’ બની હતી જેમાં મર્ડર કરવા પાછળ એક ‘દેશદ્રોહી’ નેવી ઓફિસરને તત્કાલ સજા આપવાનો એંગલ ઘૂસાડ્યો હતો.

* સુનીલ દત્તના બેનર ‘અજંતા આર્ટ્સ’ની આ પહેલી ફિલ્મ હતી.

* દિગ્દર્શક આર. કે. નૈયરે આ ફિલ્મ અધૂરી છોડી દીધી હતી જે છેવટે સુનીલ દત્તે જાતે પૂરી કરી હતી. (‘રેશમા ઔર શેરા’માં પણ આવું જ બન્યું હતું.)

* ૨૦૧૯માં ઓલ્ટ બાલાજી અને ઝી ફાઈવે ‘ધ વર્ડીક્ટ : સ્ટેટ વર્સિસ નાણાવટી’ નામની મિની સિરીઝ બનાવી હતી જેમાં માનવ કૌલ, એલી એવરામ, સૌરભ વ્યાસ, મકરંદ દેશપાંડે અને અંગદ બેદી જેવા મંજાયેલા કલાકારો હતા.

* આ મિની સિરીઝમાં પોલિટીક્સ, પત્રકારત્વ અને પારસી-સિંધી ઉશ્કેરણી જેવા ઘણા એંગલને નાટકીય રીતે રજૂ કર્યા છે.

***

- મન્નુ શેખચલ્લી 

Comments