આજે પણ યાદ છે કે રેડિયો સિલોન ઉપર ફિલ્મોનાં પ્રમોશન માટે જે ‘રેડિયો પ્રોગ્રામ’ આવતા હતા એમાં અમીન સયાની પોતાની આગવી શૈલીમાં ફિલ્મનાં વિવિધ પાસાંની શાનદાર રજુઆત કરતાં હતાં. પણ ‘દો રાસ્તે’ વખતે અમીન સયાની બિલકુલ ‘મ્યુટ’ હતા !
‘મ્યુટ’ એટલે ? આખેઆખા ૧૫ મિનિટના પ્રોગ્રામ દરમ્યાન ‘દો રાસ્તે’નાં એક પછી એક સુપરહિટ થયેલાં ગાયનો જ વાગતાં જાય… અને વચ્ચે વચ્ચે પેલું મુકેશનું ગીત આવે ‘દો રંગ દુનિયા કે ઔર દો રાસ્તે…’ બસ, એમ કરતાં કરતાં ૧૫ મિનિટ પુરી થઈ જાય ! બોલો.
શી ખબર, તે વખતે અમીન સયાનીનું ગળું બગડી ગયુ હશે ? કે પછી એમણે જોયું હશે કે ગાયનો જ એટલાં હિટ છે કે ફિલ્મની સ્ટોરી-બોરીમાં પડવાની કંઈ જરૂર જ નથી ! શક્ય છે કે આવી ‘સ્ટ્રેટેજી’ ખુદ રાજ ખોસલાએ જ આપી હોય !
કેમકે અમે અમારી માસૂમ ટીન-એજમાં આ ગાયનો પરદા ઉપર જોવા માટે જ દોઢ રૂપિયાની ટિકીટના ચાર રપિયા બ્લેકમાં આપીને હોંશે હોંશે થિયેટરમાં ગયેલા ! અને કસમ સે, ‘સ્ટોરી-બોરી’માં તો ફિલ્મ જોતાં જોતાં ય રસ પડ્યો નહોતો !
અને ગાયનો પણ કેવાં ઝમકદાર હતાં ! ‘બિંદીયા ચમકેગી’ અમારું ફેવરીટ હતું. એમાં ઢોલકની જે રિધમ હતી એની ઉપર અમે ફિદા હતા. (એ રિધમ અમે ઘરના હિંચકા ઉપર અને ભણવાના ટેબલ ઉપર વગાડતાં !) એ ગીત કેવી રીતે જન્મ્યું એની કહાણી પણ મજેદાર છે.
ખુદ આનંદ બક્ષીએ રેડિયો પર એની વાત કરતાં કહ્યું હતું કે ‘દો રાસ્તે’ માટે બેસ્ટ ગાયનો બનાવવાં એ તો નક્કી જ હતું. પરંતુ તે દિવસે કોણ જાણે કેમ, લક્ષ્મી-પ્યાલે સાથે મ્યુઝિક રૂમમં ત્રણ ચાર કલાક સુધી મથ્યા છતાં કોઈ વાત જામી નહીં. આખરે ‘કાલે વાત.’ એમ કહીને બક્ષીજી ઊભા થયા. હજી એમના બંગલાના દાદરા ઉતરતા હતા ત્યાં ઉપરથી લક્ષ્મી પ્યારેએ આ ઢોલકનો અનોખો તાલ વગાડવાનો શરૂ કર્યો !
એ સાંભળતાં જ જાણે જાદૂ થયો હોય એમ આનંદ બક્ષીના દિમાગમાં શબ્દો સૂઝવા માંડ્યા ! એ તરત જ પાછા ફર્યા ! અને… (રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, હેંને !)
જોકે આનંદ બક્ષીએ ‘દો રાસ્તે’ના બીજા એક ગીતમાં હવામાનશાસ્ત્રની આખી પથારી ફેરવી નાંખી છે ! બિચારી મુમતાઝ પૂછે છે ‘છૂપ ગયે સારે નઝારે, ? ક્યા બાત હો ગઈ ?’ ત્યારે રાજેશ ખન્ના જવાબમાં કહે છે : ‘તુને કાજલ લગાયા, દિન મેં રાત હો ગઈ !!’ સાલું, ધોળે દહાડે જે ગ્રહણ થાય છે એમાં કોઈનું કાજળ જવાબદાર હોય છે ? દિન મેં રાત ? ફક્ત કાજળથી ? હદ થઈ ગઈ !
એ જ ગીતમાં અંબાલાલને પણ ટક્કર મારે એવું બીજું લોજિક છે : ‘તુને ચુનરી લહેરાઈ, બરસાત હો ગઈ !’ યાર, એવુ જ હોય તો કચ્છમાં જઈને આપણી મુમતાઝની ચુનરીઓ જ લહેરાવોને ? આવવા જવાનું ભાડું અમે આપીએ, શું કહો છો !
એમ તો ‘બિંદીયા ચમકેગી’માં બક્ષી સાહેબે એક લાઈન બિલકુલ સ્ટોરીમાં ફીટ થાય એવી લખી છે. યાદ છે ને, એ ગાયન મુમતાઝ રાજેશ ખન્નાના જુનવાણી ઘરના ધાબા પર ગાય છે. (આરાધનાની કોપી) અહીં ઘર એટલું એન્ટિક છે કે મુમતાઝ પોતાનાં સાસરિયાંને ધમકી આપતી હોય તેમ ઉછળીને ગાય છે ‘છત તૂટ દીયે તે તૂટ જાયે, મૈં તો નાચૂંગી, મૈ તો ગાઉંગી !’
એ જ રીતે રાજ ખોસલાને પણ ચોક્કસ એંગલ અને કેમેરા મુવમેન્ટો સાથે ગાયનો પિકચરાઈઝ કરવાનો શોખ છે. એ તો બરોબર, પણ સાહેબ, અંધજન મંડળમાંથી લાવ્યા હોય એવા કાળા ગોગલ્સ, પેલી નવમા ધોરણમાં ફેલ થઈ હોય અને સાવ સીવણ ક્લાસમાં જતી હોય એવી રેઢિયાળ છોકરીઓને પહેરાવવાના ?
વળી એ બધી લાઈનસર ઊભી રહે ! અને કેમેરો એ કાગડીઓ ઉપરથી ફરતો ફરતો મુમતાઝ પાસે જાય ! ત્યાં ખન્નાજી એના ગોગલ્સ ઉતારીને ગાયન શરૂ કરે : ‘યે રેશમી જુલ્ફેં, યે શરબતી આંખે..!’ ઓ મારા સાહેબ, કઈ કોલેજની છોકરીઓ આ રીતે ‘પિકનિક’ કરતી હોય છે ?
પરંતુ એ જમાનો જ એવો હતો કે આવું બધું પિંજણ કોઈ કરતું જ નહોતું. ફિલ્મની શરૂઆતમાં રાજેશ ખન્ના માટે એક સંવાદ બોલાય છે કે ‘વહ હપ્તે મેં સિર્ફ એક દિન શેવ કરતા હૈ ઔર બાકી કે દિનો મેં દાઢી બઢાતા હૈ…’ બસ, એ બહાને રાજેશ ખન્નાને કોઈ સીનમાં સફાચટ ચમકતો બતાડી શકાય અને કોઈ સીનમાં પેલી ચાર દિવસની સ્ટાઈલીશ દાઢી સાથે દેખાડી શકાય!
(યાર, છોકરીઓ એ ચાર દિવસની દાઢીવાળા લુક ઉપર તો ઉદાસીભરી આહ… ભરીને ‘જાન છિડકતી’ હતી.)
એમ તો ‘દો રાસ્તે’માં ગ્લેમરસ ખલનાયિકા બનેલી બિન્દુનું ગુજરાતી કનેક્શન પણ જાણવા જેવું છે. બિન્દુ દેસાઈ મૂળ તો વલસાડનાં હોં ! એમના પિતાજી નાનુભાઈ દેસાઈ એક જમાનામાં હિન્દી ફિલ્મોમાં લેખક, દિગ્દર્શક હતા. પરંતુ બિન્દુજી માંડ દસેક વર્શનાં હશે ત્યારે એમનું મૃત્યુ થયેલું.
બીજી જાણવા જેવી (અથવા જાણીતી) વાત એ છે કે બિન્દુજી લક્ષ્મી-પ્યારેની જોડીવાળા લક્ષ્મીકાંતના સાળી થાય ! ૧૯૬૨માં ‘અનપઢ’ ફિલ્મમાં બિનદુને નાનો પણ મહત્ત્વનો રોલ મળેલો. પરંતુ ૧૯૬૯માં એમનું નસીબ ચમક્યું ! બન્યું એવું કે લક્ષ્મીકાંત જોડે એક રેકોર્ડીંગ વખતે તે સાથે આવેલાં તે જોઈને રાજ ખોસલાએ સજેસ્ટ કરેલું કે તમે મારી ફિલ્મમાં રોલ કરશો ?
જોકે ‘દો રાસ્તે’માં બિન્દુજીએ ગ્લેમરસ ખલનાયિકાનો રોલ એવો જોરદાર રીતે ભજવ્યો કે એ પછી એમને સતત નેગેટિવ (અને ડાન્સરનાં આઈટમ સોંગ) જેવા ફીક્સ રોલ જ મળવા લાગ્યા. ખેર, એ જમાનો જ એવો હતો. શું થાય ?
બાકી ‘સ્ટોરી-બોરી’ની વાત કરીએ તો છેલ્લાં ૨૦ વરસથી ટીવીમાં જે ટાઈપની સીરિયલો આવે છે એવું જ બધું હતું. બિચારા મોટાભાઈ બલરાજ સહાની આખું ઘર ગિરવે મુકીને પ્રેમ ચોપરાને લંડનમાં ભણવા મોકલે છે. અને સાયગલના જુના ગાયનની રેકોર્ડ વગાડીને સપનાં જોયા કરે છે કે 'એક બંગલા બને ન્યારા..'
પણ વિદેશમા જ બિન્દુના પ્રેમમાં પડીને આવેલો આ ભાઈ બધા ઉપકારો ભૂલીને બૈરીઘેલો થઈ જાય છે. વગેરે વગેરે…
પણ ખોસલા સાહેબ, ભલે તમે લંડનનું એકેય દૃશ્ય ના બતાડ્યું? કમ સે કમ એરપોર્ટ ઉપર વિમાન ઉતરે છે એવો એક ‘રેડીમેડ’ શોટ તો બતાડવો હતો ?
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* ‘દો રાસ્તે’ એ વર્ષની ‘આરાધના’ પછીની બીજા નંબરની બોક્સ ઓફિસ હીટ હતી.
* ફિલ્મમાં પ્રિમિયર વખતે રાજેશ ખન્નાને જોવા માટે એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ હતી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો !
* ‘દો રાસ્તે’ની સાથે સાથે રાજેશ ખન્ના ‘ઇત્તેફાક’નું શૂટિંગ પણ કરી રહ્યા હતા એટલે ‘ઇત્તેફાક’ માટે રાખેલી દાઢી ‘દો રાસ્તે’નાં અમુક દૃશ્યોમાં દેખાતી રહે છે !
* આ જ ફિલ્મથી મુમતાઝની ગણત્રી એ ગ્રેડની હિરોઈન તરીકે થવા લાગી હતી. આ અગાઉ તે બી ગ્રેડની હિરોઈન અથવા એ ગ્રેડની સાઈડ હિરોઈન હતી.
* સંયુક્ત કુટુંબની વાર્તા કહેતી આ છેલ્લી હિન્દી ફિલ્મ હતી ! વરસો પછી ‘હમ આપ કે હૈં કૌન’ આવી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment