સ્થળ એક, લખાણ બીજું !

એક દિવાલ ઉપર મોટા અક્ષરે લખ્યું હતું ‘અહીં કંઈ પણ લખવું નહીં !’

જોયું ? તમને પણ થોડી ક્ષણો પછી ટ્યૂબલાઈટ થઈને ? બસ, આવું જ ઘણે ઠેકાણે જોવા મળતું હોય છે…

*** 

બ્યુટિપાર્લરની બહાર પેમ્ફ્લેટ ચોંટાડેલું હતું :

‘જુનાં મોડલોનું સંતોષકારક રીપેરીંગ કરીને રંગરોગાન વડે રિનોવેશન કરી આપવામાં આવશે.’
- ‘રંગીલા ફેબ્રિકેશન વર્કસ’

*** 

મેરેજ બ્યુરોની દિવાલ ઉપર કોઈ લખી ગયું હતું :

‘માલસામાન જોઈ તપાસીને લેવો. બાદમાં બદલી આપવામાં આવશે નહીં !’

*** 

સ્મશાનની દિવાલ ઉપર ફિલ્મનું પોસ્ટર હતું :

સુપરહિટ રંગીન, રહસ્યમય, હોરર મુવી… ‘સ્વર્ગ યા નર્ક ?’
- એડવાન્સ બુકિંગ ચાલું છે.

*** 

જિમની બહાર ફરફરિયું રખડતું હતું :

સ્નાયુઓનો દુઃખાવો, શરીરમાં કળતર, જકડાઈ ગયેલા સાંધા, હાથ-પગ ગરદનમાં આવી ગયેલી મોચમાં તુરંત રાહત માટે શ્રેષ્ઠ મલમ…
‘પહેલવાન મલમ !’

*** 

ઇલેક્ટ્રીસીટી બોર્ડની ઓફિસના ઝાંપે સ્ટીકર લાગેલું હતું :

‘દરેક જાતની મીણબત્તી, ટોર્ચ, સોલર લેમ્પ તથા જનરેટર વગેરે તાત્કાલિક હાજર સ્ટોકમાં મળશે… ઇમરજન્સીમાં ફલાણા નંબર પર ફોન કરો !’

*** 

નેતાજીના બંગલાની કમ્પાઉન્ડ વોલ પર બહુ પરફેક્ટલી ફિલ્મી પોસ્ટરો લાઈનબંધ લાગેલાં હતાં :

‘શ્રી ૪૨૦’
‘મિ. નટવરલાલ’
‘ચોરી મેરા કામ’
‘શરીફ બદમાશ’
‘જૂઠા કહીં કા’
અને
‘હમ આપ કે હૈં કોન ?’

***

જાહેર શૌચાલયની દિવાલ પર સ્લોગન લખેલું હતું :

‘પહલે ઇસ્તમાલ કરેં, ફિર વિશ્વાસ કરેં !’

***

- મન્નુ શેખચલ્લી

Comments