સાચી રોટલી ! સાચો ભાત ?!

ભોળા સ્વભાવના ધનીલાલે જ્યારે એક મહાત્માની વાણી સાંભળી ત્યારથી જ ગડબડ શરૂ થઈ…

મહાત્માજીએ કહ્યું હતું કે ‘સાચું સુખ બંગલા કે ગાડીમાં નથી. સાચું સુખ પૈસામાં પણ નથી… સાચું સુખ તો આપણી ભીતરમાં છે, જે આપણે જાતે જ શોધવાનું છે !’

ધનીલાલને થયું, ‘હેં, સાલું એવું છે ?’ એમણે તો તરત જ પોતાના એક્સ-રે, સોનોગ્રાફી, એમઆરઆઈ, કેટ-સ્કેન, બ્લડ-યુરીન રીપોર્ટ… બધું જ કરાવી નાંખ્યું !

પણ સાલું, ‘સાચું સુખ’ તો છોડો, ‘સુખ’ નામની કોઈ ચીજ રીપોર્ટોમાં નીકળી જ નહીં ! હવે ?

ધનીલાલ બેંકમાં ગયા. જઈને પૂછે છે : ‘સાચું કહેજો, કે આ મારા પૈસા સાચા છે ?’

બેન્કવાળા કહે ‘પૈસા સાચા કે ખોટા ના હોય ! બહુ બહુ તો બ્લેક હોય કે વ્હાઈટ હોય ! અને કેશની નોટો કાં તો અસલી હોય કાં તો નકલી… બાકી આમાં સાચું ખોટું ના હોય.’

ધનીલાલ તો મુંઝાણા ! હવે એમણે જુદી તપાસ ચાલુ કરી.
બિલ્ડરને પૂછ્યું ‘મારો બંગલો સાચો છે કે ખોટો ?’ કારના ડીલરને પૂછ્યું ‘મારી કાર સાચી છે કે ખોટી ?’ એસીવાળાને પૂછ્યું ‘આ એસી સાચું છે કે ખોટું ?’

બધાએ હસતાં હસતાં જવાબ આપ્યો કે ‘ધનીલાલ… આમાં સાચું કે ખોટું ના હોય !’

પરંતુ ધનીલાલને થાય કે મહાત્માજી કંઈ અમથું અમથું તો ના જ બોલ્યા હોય ને ?

એક દિવસે એમણે જમતાં જમતાં પત્નીને પૂછી નાંખ્યું. ‘આ રોટલી સાચી છે કે ખોટી ? આ ભાત સાચો છે કે ખોટો ? સાચી રોટલી ક્યાં મળે ? સાચો ભાત ક્યાં હોય ?’

પત્ની તો ચમચો પછાડીને જતાં રહ્યાં ! પણ ધનીલાલને હવે શંકા થવા લાગી…

‘સાલું ? દુનિયમાં ક્યાંય સાચું રીંગણ છે જ નહીં ? ક્યાંય સાચી કાકડી પણ નથી ? અરે… મને જે લાગે છે તે ‘ભૂખ’ પણ સાચી નથી ?’

હવે ધનીલાલની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે ! એમને લાગે છે કે પોતે જે લે છે તે ‘શ્વાસ’ પણ સાચા નથી ! બોલો.

***

આખી વારતાનો બોધ એટલો જ કે કોઈ મહાત્મા જે કંઈ કહે તે સાંભળવું ખરું, પણ બહુ  સિરિયસલી લેવું નહીં ! ઓક્કે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments