જે રીતે ‘કૌન બનેગા કરોડપતિ’માં હોય છે એ રીતે થોડા સહેલા સવાલોથી શરૂઆત કરીએ…
૧૦૦૦ રૂપિયા માટે પહેલો સવાલ છે કે ફિલ્મમાં એવા કયા બાળકલાકારે મહત્ત્વનો રોલ કર્યો હતો જે આગળ જતાં ફેમસ હીરો બન્યો હતો ? જવાબ : સચિન
રૂપિયા ૨૦૦૦નો સવાલ : પૂના ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટના એક્ટરોમાંથી કયા પહેલા કલાકારને અહીં હિન્દી ફિલ્મોમાં સૌથી પહેલો ચાન્સ મળેલો, જે પણ બહુ ઝડપથી ફેમસ સ્ટાર બની ગયા ? જવાબ : શત્રુઘ્ન સિંહા !
૫૦૦૦ માટેનો સવાલ : હિન્દી સિનેમાના મોસ્ટ પાવરફૂલ વિલન તરીકે ઓળખાયેલા કયા કલાકારને આ ફિલ્મમાં સાવ ફાલતુ રોલમાં વેડફી નંખાયા હતા ? જવાબ : અમરીશપુરી.
૧૦૦૦૦ માટેનો સવાલ : ત્રણ ફેમસ ફિલ્મી કલાકાર બ્રધર્સમાંના ત્રીજા નંબરના ભાઈ ઉપર કયું આખું ગાયન અહીં પિક્ચરાઈઝ થયું છે ? જવાબ : અનુપકુમાર. ગાયન : ‘યારોં નીલામ કરો સુસ્તી’ !
જોકે આખી ફિલ્મમાં આપણને લાખ રૂપિયાનો સવાલ એ થયા કરે છે કે દેવ આનંદે ઝાહિદા નામની, સાવ નાનું કપાળ, મોટી કાયા અને ઓછી ટેલેન્ટવાળી છોકરીમાં એવું તે શું જોયું હશે કે તેની ઉપર જ પોણા ભાગની ફિલ્મ ખેંચી મારી હશે ?
આનો જવાબ ખુદ દેવ આનંદને ‘ગેમ્બલર’ પછી મળી ગયો હશે કેમકે એ પછી ઝાહિરા એમની સાથે દેખાઈ નથી ! જોકે ફિલ્મી ગોસિપ એવું પણ કહે છે કે ફોરેનમાં શૂટિંગનાં બહાને દેવ સાહેબે ઝાહિદામાં એવા લપેટાઈ ગયેલા કે છેવટે કલ્પના કાર્તિક (શ્રીમતી દેવ આનંદ)ના કહેવાથી ઝાહિદાના આન્ટી નરગીસે વચ્ચે પડીને ગંઠાઈ ગયેલા પેચ છોડાવવા પડ્યા હતા !
આ સિવાય પણ ‘પ્રેમ પૂજારી’માં અમુક સ્ટુપિડ સવાલોવાળા પ્રશ્નો છે. જેમ કે ‘તાકાત વતન કી હમ સે હૈ’ ગાયન વખતે બધા સૈનિકો પેલા સફેદ મગ (મોટા કપ) શા માટે વારંવાર હવામાં ઉછાળ્યા કરે છે ?
જવાબ : કેમકે મગમાં ચા, કોફી, દૂધ કે પાણી… કશું જ નહોતું ! જો હોય તો છલકાઈ ના જાય ?
વધુ એક રમુજ પેદા કરતો સવાલ : વહીદા રહેમાન ૧૭ વરસ પછી લંડનથી પાછા આવેલા તેના સગા ‘મામા’ આગળ નાચી કૂદીને પેલું ‘રોમેન્ટીક’ ગાયન ‘દૂંગી તૈનું રેશમી રૂમાલ…’ શા માટે ગાવા મંડે છે ?
જવાબ : કેમકે વહીદાને પોતાના ‘મામા’માં ‘દેવ આનંદ’ દેખાય છે ! (ખરેખર એવું બતાડ્યું છે!)
એમ તો એવો સવાલ પણ થાય કે દેવ આનંદ લંડન, પેરિસ, મ્યુનિક, બાર્સેલોના વગેરે સ્થળોથી જે પત્ર લખે છે તે સાદો કાગળ હોય છે, પણ ભારતમાં વહીદાના હાથમા જ આવતાં તે ઇનલેન્ડ લેટર શી રીતે બની જાય છે ? અને હા, આ બધા ‘એરમેઇલ’ લેટર પણ નથી ! યાર, આવી ઇન્ટરનેશનલ ટપાલ સેવા કઈ કંપની આપે છે ?
ચહેરા ઉપર માત્ર પાતળી નકલી મૂછો તથા માત્ર ૩૯ વાળ ધરાવતી નકલી દાઢી ચોંટાડવાથી કેટલા દેશોની એરપોર્ટ સિક્યોરીટીને મુરખ બનાવી શકાય છે ? સાચો આંકડો જાણવા માટે ‘પ્રેમ પૂજારી’ આખી જોવી પડે, બોસ ! (જોયું ? અઘરો સવાલ છેને ?)
એમ તો એક સિરિયસલી અઘરો સવાલ પણ છે કે ૧૯૬૨માં જે ચીને ભારત ઉપર આક્રમણ કરીને આખું તિબેટ પચાવી પાડ્યું, હિમાલયના ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલી જમીન દબાવી લીધી, ભારતના સૈન્યને હરાવી દીધું… એ ચીનને જો ભારતમાં બેઠેલા એજન્ટોને નવાં શસ્ત્રો જોઈતાં હોય તો શું તે પોતાના એજન્ટોને પેરિસ, રોમ, મ્યુનિક અને લંડનમાં રાખે ? અને શું ઇંગ્લેન્ડથી શસ્ત્રો મંગાવે ? નેપાળનો રૂટ સહેલો ના પડે ?
આનો જવાબ એ છે કે જો સ્ટોરીમાં આવું ના રાખે તો દેવ આનંદ ઝાહિદાને લઈને ફોરેનમાં શૂટિંગો શી રીતે કરી શકે?
પણ બોસ, આ ફિલ્મ ભારતીય પ્રેક્ષકો માટે પણ છે ! એટલે પ્રેમની સચ્ચાઈ સાબિત કરવા માટે વહિદા રહેમાનને અચાનક કોઈ ટેલેન્ટ કોન્ટેસ્ટમાં જીતાડીને લંડન મોકલવામાં આવે ! ત્યાં એ કોન્ટેસ્ટ અચાનક બિકીની પહેરીને ઊભેલી ફોરેનર યુવતીઓ સાથેની બ્યુટિ કોન્ટેસ્ટ બની જાય ! જેમાં વહીદાજીનો માત્ર ફેસ દેખાડવામાં આવે ! જેથી એ બિકીનીમાં છે કે નહીં તેનું પણ સસ્પેન્સ રહે ! (કેમકે આ તો ‘સ્પાય’ થ્રિલર છે ને ? એટલે આ સસ્પેન્સ એકસ્ટ્રા ! ચાર ઉપર એક ફ્રી !)
હવે વહિદા રહેમાન લંડનમાં આવી ગયાં છે એટલે ૧૯૬૮માં આવેલી ‘આંખે’ની આખી સિચ્યુએશન અહીં ફીટ કરીને ‘ગૈરોં પે કરમ…’ જેવું જ ગાયન ‘રંગીલા રે તેરે રંગ મેં..’ ઘૂસાડી દેવાનો ઓરિજિનલ આઇડિયા, ખરેખર તો દેવ સાહેબનો જ હશે ! પણ પેલા રામાનંદ સાગરે ‘ફ્યુચર ટ્રાવેલ’ કરીને ચોરી લીધો હશે !
આ બધું તો હજી સમજ્યા, પણ ફિલ્મનો સૌથી અઘરો સવાલ એ છે કે ભૈશાબ, જો દેવ આનંદ ‘અહિંસા’માં માને છે તો એ આર્મીમાં કેમ ભરતી થયો ? શું એ ભઈને એટલી બેઝિક ઇન્ફરમેશન કોઈએ નહોતી આપી કે ગોળી ચલાવવાથી ‘હિંસા’ પણ થઈ શકે છે ?
ઉપરથી આ ભાઈ ચીનની બોર્ડર ઉપર સામસામા ફાયરીંગ વચ્ચે ગોળી ચલાવવાની ના પાડે છે ! જેના કારણે તેને કોર્ટ માર્શલની સજા થાય છે ! તે આર્મીની જેલમાંથી ભાગી પણ જાય છે ! (અને દુનિયાભરમાં જાસૂસી કરતો ફરે છે ! બોલો.) આખા ગામને પેલા પત્રો વડે ખબર છે કે એ ભાઈ ક્યાં છે, પણ ભારતની આર્મીને જ ખબર નથી ! બોલો.
ફિલ્મમાં આ બધું શું ચાલી રહ્યું છે ? અને આખરે એની ‘સ્ટોરી’ શું છે ? આ એક જ સવાલ ‘કરોડપતિ’માં પુરા પાંચ કરોડનો સવાલ બની શકે છે ! (અઘરું ભૈશાબ, બહુ અઘરું પેપર…)
આ કોલમમાં અગાઉ ‘હમ દોનોં’ વિશેના લેખમાં તો ક્લિયર હતું કે ડિરેક્ટર વિજય આનંદ જ હતા. ‘તીન દેવીયા’માં દેવ આનંદના દાવા વિશે પુરેપુરી શંકા હતી. પણ ‘પ્રેમ પૂજારી’ જોયા પછી ૧૦૦ ટકા ખાતરીથી તમે કહી શકો કે આ જે ‘આખું કોળુ શાકમા ગયું’ તેના રસોઈયા એટલે કે ફિલ્મના ડીરેક્ટર (પાછા લેખક પણ ખરા) માત્ર અને માત્ર દેવ આનંદ જ હશે !
પણ બોસ, એક વાત તો માનવી પડે કે આટલી શરમજનક નિષ્ફળતા છતાં ‘કરતાં જાળ કરોળિયો’ના સ્પીરીટથી દેવ સાહેબે ‘જાત્તે પોત્તે’ સતત ૧૯ ફિલ્મો (જી હા, દોઢ ડઝનથી એક વધારે) બનાવે જ રાખી ! જોકે છેવટે ડિરેક્શન ‘આવડ્યું' કે નહીં ? એ તો એમને જ ખબર !
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* ફિલ્મ ભલે ફ્લોપ રહી પણ ગીતકાર નીરજનાં ગાયનો આજે પણ યાદગાર છે. છતાં આના પછી નીરજને દેવ આનંદે પોતાના પ્રોડકશનની ફિલ્મો માટે પસંદ કર્યા નથી.
* કહેવાય છે કે ‘જ્વેલ થિફ’નું શૂટિંગ જ્યારે ભારત-ચીનની સરહદ નજીક થઈ રહ્યું હતું ત્યારે જ દેવ આનંદને ‘પ્રેમ પૂજારી’નું થિમ સૂઝ્યું હતું.
* એવું પણ કહેવાય છે કે ‘પ્રેમ પૂજારી’નું શૂટિંગ નેપાળ બોર્ડર પાસે થતું હતું ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા હિપ્પીઓને જોઈને દેવ સાહેબને ‘હરે રામા હરે ક્રિષ્ના’ની સ્ટોરી સૂઝી હતી !
* અને ‘પ્રેમ પૂજારી’ એડિટ થઈને રીલીઝ થાય એ પહેલાં તો દેવ સાહેબ ‘હરે રામા હરે ક્રિષ્ના’નું શૂટિંગ કરવા લાગ્યા હતા ! એમના માટે ‘પ્રેમ પૂજારી’ હવે પતી ગયેલું પ્રકરણ હતું ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment