મીરા: ઝેરનો કટોરો પ્રેમજીને ?

આ પ્રેમજી એટલે કોણ ? આ ફિલ્મના પ્રોડ્યુસર, જેને ભાગે ફિલ્મની ઘોર નિષ્ફળતાનો ‘ઝેરનો કટોરો’ પીવાનું લખાયું હશે !

જરા વિચાર કરો, જે પ્રોડ્યુસર આ અગાઉ ‘ચિરાગ’ (સુનીલ દત્ત), ‘દુશ્મન’ (રાજેશ ખન્ના), ‘દોસ્ત’ (ધર્મેન્દ્ર), ‘મજબૂર’ (અમિતાભ બચ્ચન) અને ‘ઇમાન ધરમ’ (મલ્ટીસ્ટાર) જેવી મોટી અને સફળ ફિલ્મો બનાવી ચૂક્યો હોય એ અનુભવી માણસ આ એક જ પ્રોજેક્ટમાં આટલો બધો શી રીતે ‘ધોવાઈ’ ગયો હશે ?

શરૂઆત થઈ ફિલ્મના મહુરતથી. (કદાચ મુહૂર્તનું ચોઘડિયું જ ખરાબ હશે) ખ્યાતનામ લેખક-ગીતકાર-દિગ્દર્શક ગુલઝાર સાહેબ પોતે શાયર હોવા છતાં એક સમયે સંજીવ કુમારને લઈને ‘મિર્ઝા ગાલિબ’ની બાયોપિક બનાવવા માગતા હતા. એ જ રીતે પોતે કવિ હોવા છતાં મીરાંબાઈનાં ભજનોને સાંકળીને એ કહાણી પરદા ઉપર લાવવા માગતા હતા.

આમ તો મહુરતનો દિવસ, ૧૪ ઓક્ટોબર, ૧૯૭૫ દશેરા યાનેકે વિજયાદશમીનો શુભદિન હતો. પરંતુ જેના હસ્તે મહુરત થયું એ જ મહાન ગાયિકા લતા મંગેશકરે એ જ દિવસે ફિલ્મનાં ગીતો ગાવાની ના પાડી દીધી !

શા માટે ? તો કારણ એ હતું કે થોડા સમય પહેલાં જ લતાજીના સગા ભાઈ હૃદયનાથ મંગેશકરના સ્વરબધ્ધ કરેલાં મીરાંબાઈનાં ભજનોની એક લોંગ-પ્લે રેકોર્ડ માટે લતાજીએ પોતાનો કંઠ આપ્યો હતો. હવે એમનું કહેવું હતું કે ફિલ્મમાં પણ હું જ ગાઉં તો મારા ભાઈની રેકોર્ડની શી વેલ્યુ રહે ?

છતાં ફિલ્મના સંગીતકારો લક્ષ્મીકાંત પ્યારેલાલને હતું કે અમે લતાજીને મનાવી લઈશું. એ બંનેના અત્યંત આગ્રહ છતાં લતાજીએ ધરાર ‘ના’ જ પાડી ! આના લીધે થયું એવું કે લક્ષ્મીપ્યારેએ ફિલ્મમાંથી એમ કહીને હાથ ખેંચી લીધા કે ‘લતાજી નહીં, તો હમ ભી નહીં !’

એમ તો આર ડી બર્મન ગુલઝાર સાહેબના પ્રિય સંગીતકાર હતા. પ્રેમજી અને ગુલઝારજી આરતી લઈને આરડી પાસે ગયા. આરડીએ પણ રોકડું પરખાવ્યું : ‘લતાજી કે બિના મીરાં કે ગાને બન હી નહીં સકતે !’

હવે તમને થાય કે લતાજી નહીં તો આશાજીને લો ! લક્ષ્મી-પ્યારે નહીં તો ઓપી નૈયરને પકડો ! એ તો આમેય ક્યાં લતાજી પાસે ગવડાવતા હતા ? પણ હલો, આશાજી લતાજીનાં બહેન થાય, એ રીતે હૃદનાથજીનાં પણ બહેન જ થાય ને ? એટલે એ દિશામાં બારણાં બંધ જ હતાં.

એવામાં ફિલ્મના આર્ટ ડિરેક્ટર દેશ મુખર્જીએ કહ્યું ‘મોટું નામ જોઈએ છે ? તો સંગીતકાર તરીકે ખ્યાતનામ સિતારવાદક રવિશંકરને લો ને !’ આ વાત પ્રેમજીને જામી ગઈ ! પણ આમાં તો ‘આસમાન સે ગિરે ઔર ખજૂર મેં અટકે’ જેવો ઘાટ હતો.

કેમકે એ સમયે રવિશંકર તો ‘ઇન્ટરનેશનલ સ્ટાર’ બની ચૂક્યા હતા. ભારતમાં તો એમની પધરામણી પણ ક્યારેક જ થતી હતી. એ ક્યાં છે, ક્યારે મળશે વગેરેની શોધખોળ કરતાં માંડ ત્રણ મહિના પછી લંડનની એક હોટલમાં એમનો ફોન પર સંપર્ક થયો ! મહાન સિતારવાદકે કહ્યું ‘ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળ્યા વિના હું હા નહીં પાડું !’

આખરે વધુ એકાદ મહિના પછી જ્યારે તે મુંબઈ પધારેલા ત્યારે સ્ક્રીપ્ટ સાંભળીને હા તો પાડી, પણ લતાજી અવેલેબલ નથી એ સાંભળીને બે ક્ષણ ચૂપ થઈ ગયેલા. છેવટે મીરાંબાઈને પરદા ઉપર સ્વર આપવા માટે પસંદગી કોની થઈ ? વાણી જયરામની ! (‘ગુડ્ડી’ ફેમ)

હવે તમે જ કહો, ક્યાં પેલાં ‘સ્વરકોકીલા’ (કોયલ જેવાં કંઠધારી) લતાજી ? અને ક્યાં આ એકમાત્ર ‘પપિહરા’ (બોલે રે પપિહરા ગાયન) નામના પક્ષીના સહારે જાણીતી થયેલી વાણી જયરામ ?

આ ઉપરાંત શૂટિંગમાં પણ ઓછી મુસીબતો નહોતી ! શરૂઆતમાં મેવાડના રાણા તરીકે મહાનાયક અમિતાભ બચ્ચનને કરારબદ્ધ કર્યા હતા. પણ  ’૭૫માં ‘શોલે’ હિટ થયા પછી બચ્ચનજીએ સામટી અડધો ડઝન ફિલ્મો સાઈન કરી નાંખી હતી. આ તરફ હેમામાલિની પણ ટોપ પર હોવાને કારણે એમની તારીખોનો બચ્ચનજીની તારીખો સાથે મેળ જ પડતો નહોતો.

છેવટે અમિતાભે જ સામે ચાલીને ‘મીરાં’નો ત્યાગ કર્યો ! તો હવે નવા રાણા કોણ બને ? શોધ પુરી થઈ વિનોદ ખન્ના ઉપર જઈને. પરંતુ આ દરમ્યાન ફિલ્મના મહુરતને સવા બે વરસ વીતી ચૂક્યાં હતાં !

મહુરત વખતે નિર્માતા પ્રેમજીએ હેમામાલિનીને મોટા ઉપાડે, દર મહિને એક લાખ રૂપિયાના ‘પગાર’થી કરારબદ્ધ કર્યાં હતાં, પણ હજી તો શૂટિંગ શરૂ થવાનાં ઠેકાણાં નહોતાં. રૂપિયા તો ચૂકવાઈ જ રહ્યા હતા ! એટલે, આખરે પ્રેમજીએ હાથપગ જોડીને જુનો કરાર રદ કરીને ‘જે દિવસે શૂટિંગ થાય તે દિવસના પૈસા તે જ દિવસે’ એવો નવો કરાર કરવો પડ્યો.

એમાંય, વચમાં તો વિનોદ ખન્ના આડા ફાટ્યા હતા ! તમે કિસ્મતના ખેલ તો જુઓ ? 

જે મીરાંબાઈ મહેલ છોડીને ઝુંપડીમાં રહેવા જતાં રહેલાં એનો રોલ ભજવનારાં રૂપિયા વિના કામ કરવા તૈયાર નહોતાં. અને જે રાણા મહેલોના વૈભવમા મશગૂલ હતા, એના અભિનેતા વિનોદ ખન્નાને પેલા રજનીશના રવાડે ચડીને સંસાર ત્યાગી દેવાનું ભૂત ચડ્યું હતું !

વિનોદ ખન્ના બધું અધૂરું છોડીને જતા જ રહેવાના હતા પરંતુ ગુલઝારની સમજાવટથી શૂટિંગ પુરુ કરવા માટે માંડ માંડ સંમત થયા હતા.

પછી ફિલ્મનું શું થયું ? તો મને બરાબર યાદ છે તે વખતે ઉનાળાના વેકેશનમાં હું મારા રાજકોટના એક મિત્રના ઘરે થોડા દિવસ માટે ગયો હતો. એ જ વખતે ‘મીરા’ની રેકોર્ડ રીલીઝ થઈ હતી.

મારા મિત્રના પપ્પા હરખઘેલા થઈને પહેલે જ દિવસે એ બ્રાન્ડ ન્યુ રેકોર્ડ ખરીદીને ઘરે લાવેલા ! ‘આમાં તો રવિશંકરનું સંગીત છે… રવિશંકરનું !’ એમ પુરા ઉત્સાહથી અને સૌ ‘મીરાં’ના ગાયનો સાંભળવા બેઠા…

પણ જેમ જેમ એક પછી એક ગીત આવતું ગયું તેમ અમારો ઉત્સાહ નીચોવાઈ રહેલાં પોતાંની જેમ નીતરતો ગયો ! કસમ સે, એક પણ ગીત ગમવાનું તો બાજુએ રહ્યું, બે મિનિટ પછી યાદ પણ રહે તેવું ન લાગ્યું !

મારા મિત્રના પપ્પા તો એ હદે નિરાશ થઈ ગયેલા કે બીજા દિવસે દુકાનદારને જઈને કીધેલું કે ‘આ રેકોર્ડ પાછી ઈ લ્યો તો કેટલા રૂપિયા દેશો ?’

એ જમાનો એવો હતો કે ફિલ્મનું મ્યુઝિક ફ્લોપ, તો ફિલ્મ પણ ફ્લોપ ! એમાંય, અહીં તો મહાન સિતારવાદક રવિશંકરનું નામ હતું !

જોકે આખી ઘટનામાં અમને સતત એક સવાલ થયા કરતો તો કે જો લતા મંગેશકર નહીં, તો કોઈને સુમન કલ્યાણપુરનો વિચાર કેમ નહી આવ્યો હોય ?

પણ પછી થયું કે ‘આને જ તો કહેવાય…. લતાજીનો ખૌફ!’

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ૧૯૪૭માં આવેલી તામિલ ફિલ્મ ‘મીરા’માં અત્યંત સુંદર રૂપ અને એટલો જ સુંદર સ્વર ધરાવતાં કર્ણાટકી શાસ્ત્રીય સંગતીના ખ્યાતનામ ગાયિકા એમ. એસ. સુબ્બલક્ષ્મી હિરોઈન (અને ગાયિકા) તરીકે પડરદા પર આવ્યાં હતાં.

* ફિલ્મનાં બાર ગીતોનું રેકોર્ડિંગ રવિશંકરે માત્ર ૨૪ દિવસમાં પતાવી દીધું હતું. કહે છે કે આ ગીતોની સ્વરરચના કે સર્જન શી રીતે થયાં, તેની કોઈ માહિતી મળતી નથી.

* રવિશંકર વિદેશી પ્રોગ્રામોમાં એટલા બિઝી રહેતા હતા કે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છેવટે વિજય રાઘવ રાવે પતાવ્યું હતું.

* … અને વાણી જયરામને ‘મેરે તો ગિરધર ગોપાલ’ ગીત માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. બોલો.

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. ગુલઝાર ખૂબ જ હોંશિયાર આદમી હતા. તેઓને જ્યારે મીરાંના ગીતો માટે વાણી જયરામ અને લતા મંગેશકરની સરખામણી કરવા એ વખતે કોઈએ સવાલ કર્યો, ત્યારે ગુલઝારનો જવાબ હતો કે: જો લતાએ આ ગીતો ગાયા હોત તો બેશક ગીતોને ચાર ચાંદ લાગી ગયા હોત, પણ મીરાંના આજ ગીતો જ્યારે વાણી જયરામના કંઠમાં સાંભળીએ છીએ ત્યારે એવું જણાઈ છે કે જાણે સાક્ષાત મીરાં પોતે ગાઈ રહ્યા છે!

    બોલો! આને કોણ પુગે?

    ReplyDelete

Post a Comment