'હમ દોનોં' માટે ગોલ્ડી 'ભૂત' બનેલા ?

મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો સૌ જાણે છે કે ‘હમ દોનોં’ ફિલ્મના ડિરેક્ટર તરીકે અમરજીતનું નામ ભલે હોય પણ આખેઆખી ફિલ્મ ગોલ્ડી, યાને કે વિજય આનંદે ‘ઘોસ્ટ ડિરેક્ટર’ તરીકે બનાવી આપી હતી. (ગુજરાતીમાં તો ‘ભૂત દિગ્દર્શક’ જ લખાય ને ?)

આની પાછળની કહાણી દિલચશ્પ ડ્રામાઓથી ભરપૂર છે. બન્યું એવું કે કીડનીની બિમારીના કારણે વિજય આનંદની તબિયત અચાનક ખરાબ થઈ ગયેલી. તે સંપૂર્ણ આરામ માટે ઊટી જતા રહ્યા હતા. અહીં અમરજીત નામના આ ‘નવકેતન’ ફિલ્મ્સના ખુબ જ અંગત અને વિશ્વાસુ માણસે વિજય આનંદની ખુબ જ સેવા કરી.

અમરજીત મૂળ તો ‘નવકેતન’ ફિલ્મ્સનો પબ્લિસિટી મેનેજર હતો. એટલું જ નહીં, તે એટલો અંગત હતો કે તે ચેતન આનંદના બગલાના કંપાઉન્ડમાં જ નાનકડી ખોલીમાં રહેતો હતો. અમરજીતની ચાકરીથી રાજી થઈને વિજય આનંદે કહ્યું કે ‘તને હું અમેરિકા મોકલીશ. તું હોલીવૂડમાં જઈને શીખજે કે ફિલ્મનું માર્કેટિંગ શી રીતે થાય છે.’

પણ અમરજીતના દિલમાં ડિરેક્શનનો કીડો સળવળતો હતો ! એણે કહ્યું ‘મારી તો એક જ ઇચ્છા છે કે હું કોઈ ફિલ્મનું ડિરેક્શન કરું !’ ગોલ્ડી તો એની ઔકાત જાણતાં હતા. છતાં વચન આપ્યું કે ‘જા, એમ જ થશે !’

સાજા થયા પછી ગોલ્ડીએ નિર્મલ સરકાર નામના એક નવા સવા લેખકની સ્ટોરી ઉપરથી આખેઆખો સ્ક્રીન-પ્લે, સંવાદો સાથે લખીને તૈયાર કરી દીધો. પણ ભાઈ અમરજીતની (અણ) આવડત વિશે ગોલ્ડીને પાકો ભરોસો હતો એટલે એમણે દરેક શોટનું લાઈટિંગ શી રીતે કરાવવું, કેમેરા ક્યાં હશે, એક્ટરોની મૂવમન્ટ ક્યાંથી ક્યાં થશે..
એના રીતસરના ચાર્ટ બનાવીને આપ્યા ! બોલો.

પરંતુ કહે છે કે પહેલા જ દિવસે અમરજીતને કેમેરામેન સાથે ઝગડો થઈ ગયો ! શા માટે ? તો કહે છે કે ભાઈએ કાગળ જ ઊંધો પકડ્યો હતો ! અને કેમેરા સાવ ઉલ્ટી દિશામાં રખાવવાની જીદ લઈ મંડ્યા હતા !

આખરે વિજય આનંદે પોતે સેટ પર આવવું પડ્યું ! છતાં અમરજીતની ઇજ્જતના ધજાગરા ન થાય એટલે તે અમુક સમજણ આપીને જતા રહેતા હતા. પરંતુ જ્યારે બે ચાર રીલના રશીઝ જોયા, ત્યારે સમજાયું કે આ તો ‘આખં કોળું શાકમાં’ જઈ રહ્યું છે !

ત્યાર બાદ વિજય આનંદે આખી લગામ પોતાના હાથમાં લઈ લીધી. પરંતુ એક દૃશ્યમાં દેવ આનંદનું ‘સ્ટારડમ’ એમને નડી ગયું ! ફિલ્મમાં દૃશ્ય એવું હતું  કે સાધના, જે અતિશય ધનવાન બાપની દિકરી છે, તેણે બેરોજગાર દેવ આનંદને પોતાના ડેડી આગળ ભાવિ પતિ તરીકે મળવા માટે બંગલા પર બોલાવ્યો છે…

વિજય આનંદે દેવ આનદને સમજાવ્યું કે ‘સાધના તારો હાથ પકડીને ઘરમાં સાથે લઈને આવે છે.’ આ સાંભળતા દેવઆનંદમાં સૂતેલો ‘સ્ટાર’ જાગી ઊઠ્યો ! દેવ કહેવા લાગ્યા ‘એ મારો હાથ શા માટે ઝાલે ? હું જાતે કેમ ના આવી શકું ?’

વિજય આનંદે વિગતથી સમજાવ્યું કે, ‘તું હજી બેરોજગાર છે. સાધના માટે આ મુલાકાત ખુબ જ અગત્યની છે. તે ઇમોશનલી તને સપોર્ટ કરવા માટ હાથ વડે તને ખેંચીને નહીં, પણ સાથ આપતી હોય એ રીતે તને વિશાળ ડ્રોઇંગ રૂમમાં લઈને આવે છે.’

પણ દેવ આનંદ માનવા જ તૈયાર નહીં ! છેવટે ગોલ્ડીની છટકી… એ સેટ છોડીને ચાલ્યા ગયા ! જઈને બેઠા એમની એક ફેવરીટ કોફી-શોપમાં ! બે કલાક પછી દેવ આનંદનો ડ્રાયવર એમને શોધતો આવી પહોંચ્યો : 

‘સર, હું પહેલાં તમારા ઘરે ગયો. પણ પછી મને થયું કે તમે અહીં જ મળશો. ત્યાં શૂટિંગ બંધ છે. સવારથી એકપણ શોટ લેવાયો નથી. દેવ સાહેબે ગાડી મોકલી છે.’

વિજય આનંદ સેટ પર પાછા ફર્યા ત્યારે જાણે કંઈ બન્યું જ નથી તેમ દેવ આનંદ કેમેરા સામે શોટ આપવા માટે તૈયાર હતા !

આ સિવાય પણ ફિલ્મનાં અનેક દૃશ્યોમાં આવી ઝીણવટભરી ચીજો ગોલ્ડીએ ગુંથેલી છે. નમૂના તરીકે ફિલ્મનં પહેલું જ દૃશ્ય યુ ટ્યુબ ખોલીને જોજો… દેવ આનંદ અને સાધના વચ્ચે એકપણ સંવાદ વિનાનું આ દૃશ્ય સળંગ ત્રણ મિનિટ સુધી ચાલે છે. ત્યાર બાદ સીધું પેલું ગાયન શરૂ થાય છે : ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં…’

ત્રણ મિનિટનો આ સાયલન્ટ સીન કેટલું બધું કહી જાય છે? સાધના અને દેવ વચ્ચેનો પ્રેમ એટલો બધો ગાઢ થઈ ચૂક્યો છે કે હવે પેલી ‘પેમલા પેમલી’ની વાતોની જરૂર જ રહી નથી ! સાધના દેવ માટે મોંઘી સિગાર અને મોંઘુ મ્યુઝિક લાઈટર લાવી છે (કેમ કે તે પૈસાદાર બાપની દિકરી છે) અને દેવ શું લાવ્યો છે ? એક રીબિન ! સાધનાના ચોટલામાં નાંખવા માટે ! કેમકે પોતાની હૈસિયત એટલી જ છે ! (જુઓ, વિજય આનંદે કેટલું બધું વિચાર્યું છે !)

ત્યાર બાદ સાંજનો સમય રાતમાં ડિઝોલ્વ થાય છે. આડા પડી રહેલા દેવની આંખો મીંચાઈ ગઈ છે ત્યારે સાધના ચૂપચાપ ત્યાંથી સરકી જવા માગે છે. પણ થોડે દૂર જતાં જ ખ્યાલ આવે છે કે દેવની પેલી સસ્તી રીબિન વડે તે ‘બંધાઈ’ ચૂકી છે ! (આમાં ચાંપલા વિવેચકો ‘મેટાફર’ પણ જોઈ શકે છે.)

હવે તમે જ નક્કી કરો, જે અમરજીત કેમેરાની સાચી પોઝિશન બતાડી શકતો નહોતો. તેણે શું આખી ફિલ્મ ડિરેક્ટ કરી હશે ? છતાં ડિરેક્ટર તરીકે અમરજીતનું નામ આવે છે, પરદા ઉપર ! બોલો. 

કમનસીબે ‘હમ દોનોં’ સંગીતકાર જયદેવ માટે સારી અને ખરાબ બંને સાબિત થઈ ! શી રીતે ? જયદેવ ઘણા સમયથી સચિનદેવ બર્મનના સહાયક હતા. પરંતુ આ ફિલ્મ માટે સચિનદાએ સામે આવીને જયદેવને આગળ કર્યા. ગાયનો સુપરહિટ થઈ ગયાં… 

હવે ‘નવકેતન’ બેનરની ફિલ્મમાં હુ જ સંગીતકાર હોઈશ એવા ભ્રમમાં જયદેવજી રાચતા હતા. પરંતુ જ્યારે ‘તેરે ઘર કે સામને’ માટે જયદેવને બદલે સચિનદા જ આવ્યા, ત્યારે રીસાઈને જયદેવ સાહેબે નવકેતન અને સચિન દા, બને સાથે છેડો ફાડી નાંખ્યો…

એ પછી એમની કરિયર સરખી પાટા ઉપર આવી જ નહીં.

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ‘હમ દોનોં’ માટે સાધના અને નંદા પહેલી અને છેલ્લી વાર એક સાથે આવ્યાં છે.

* ફિલ્મની મૂળ વાર્તા ગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની નવલકથા ‘ઉત્તરાયણ’ પણ આધારિત હતી, પરંતુ વિજય આનંદે કરેલા ફેરફારથી નારાજ થઈને લેખકે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

* એ જ ‘ઉત્તરાયણ’ પરથી બંગાળીમાં એ જ નામે ફિલ્મ બની હતી. જેમાં ડબલ રોલ ઉત્તમ કુમારે ભજવ્યો હતો. જોકે આખી ફિલ્મ ‘હમ દોનોં’ની રિમેક જેવી જ લાગતી હતી.

* ૧૯૭૫માં એનટી રામારાવને લઈને તેલુગુ ફિલ્મ ‘રામુની મિન્ચિના રામુડી’ નામે રિ-મેક બની હતી.

* ૫૦ વરસ પછી ‘હમ દોનોં’ રંગીન નામે કલરમાં રીલીઝ થઈ હતી પણ ખાસ કમાઈ શકી નહોતી.

***

-મન્નુ શેખચલ્લી 

Comments