હમોરાજાએ દેશની સમસ્યાઓનું મડદું ઉપાડીને ખભે નાંખી, ચાલવા માંડ્યું. મડદામાં સૂતેલો વેતાળ જાગ્યો :
‘હે રાજન, મારી એક વારતા સાંભળ…
કોઈ એક દેશમાં એક નવો રાજા આવ્યો. આવતાંની સાથે તેણે કારભારીઓને તેડાવીને કહ્યું : ‘જાવ, જઈને તપાસ કરો… પ્રજાને શું ફરિયાદો છે ?’’
કારભારીઓ તપાસ કરીને પાછા આવ્યા. ‘રાજન, પ્રજાને ત્રણ ફરિયાદો છે. (૧) પાણી નથી (૨) વીજળી નથી (૩) સડક નથી.’
રાજાએ તો તંત્રને ધમધમાવીને દોડતું કરી દીધું. ‘ગામેગામ પાણી, વીજળી અને સડક પહોંચાડવાની વ્યવસ્થા કરો !’
એક વરસ પછી રાજાએ કારભારીઓને તેડાવીને કહ્યું ‘હવે તપાસ કરો… પ્રજાને શું ફરિયાદ છે ?’
કારભારીઓ તપાસ કરીને પાછા આવ્યા. કહે છે : ‘રાજન, પ્રજાને હવે નવ ફરિયાદો છે !’
‘નવ ફરિયાદો ? શું છે એ ફરિયાદો ?’
‘રાજન ! સાંભળો… (૧) ચોમાસામાં પાણી ડહોળું આવે છે. (૨) ઉનાળામાં પાણી ઓછું આવે છે. (૩) શિયાળામાં પાણી બહુ ઠંડુ લાગે છે. (૪) ચોમાસામાં વીજળી વારંવાર જતી રહે છે. (૫) ઉનાળામાં વીજળીનું બિલ બહુ વધારે આવે છે. (૬) શિયાળામાં વીજળી વડે ઠંડી દૂર થતી નથી. (૭) ચોમાસામાં સડક પર ખાડા પડી જાય છે. (૮) ઉનાળામાં સડક બહુ દાઝે છે. (૯) શિયાળામાં સૂમસામ સડકો પર રાતનાં કૂતરાં બહુ પાછળ દોડે છે !’
આટલી વારતા સંભળાવીને વેતાળે પૂછ્યું, ‘રાજન ! હવે બોલ, એ રાજાએ શું કરવુ જોઈએ ?’
હમોરાજાએ કહ્યું ‘હે વેતાળ ! પ્રજા, પત્ની અને નારાજ ફૂફા જેવા પત્રકારોને કદી સંપૂર્ણપણે ખુશ રાખી શકાતા નથી. એટલે આનો કોઈ ઉપાય જ નથી…’
હમોરાજાનું મૌન તૂટતાં જ સમસ્યાઓનું મડદું ઊડીને પાછું ઝાડની ડાળીએ લટકી ગયું ! બિચારું મડદું પણ શું કરે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment