તમારે ‘બુધ્ધિજીવી’ બનવું છે ? એના માટે ખાસ બુધ્ધિ ચલાવવાની જરૂર જ નથી ! માત્ર અહીં આપેલાં સ્ટેપ ફોલો કરો…
સૌથી પહેલાં તો ફેસબુક અને એક્સ ઉપર તમારું એકાઉન્ટ ખોલી નાંખો ! અને પછી…
***
(૧) જે લોકપ્રિય છે એને વખોડી કાઢો :
એ ‘ધૂરંધર’ જેવી ફિલ્મ હોય કે ‘વેલકમ ટુ ધ જંગલ’ હોય (અથવા જો ‘દૃશ્યમ-થ્રી’ હિટ જાય તો એ) એનાં છોતરાં ઉડાડતા રહો. જેથી સાબિત થાય કે તમારા ‘ચોઇસ’ બહુ ઊંચા છે !
***
(૨) સાવ ભલતી જ વિદેશી ફિલ્મનાં વખાણ કરો :
આના માટે તમારે થોડું ગુગલ સર્ચ કરવું પડશે. (અથવા અમુક ચોક્કસ લેખકની કોલમ વાંચતા રહેવું !) જે ફિલ્મ ભારતમાં આવી જ નથી, આવવાની પણ નથી અથવા માંડ ૨૦૦-૫૦૦ લોકો જ જોવાના હોય એનાં ભરપેટ વખાણ કરો ! (હવે તો ગુગલ વડે અંગ્રેજીમાંથી ગુજરાતી પણ થઈ શકે છે.) ફટકારો ફેસબુકમાં…
***
(૩) દેશભક્તિ ટાઈપની ફિલ્મનાં છોતરાં ફાડી નાંખો :
આના માટે એ બધી ફિલ્મો જોવાની જરૂર જ નથી ! ટ્રેલર પણ નહીં જુઓ તો ચાલશે ! બસ ‘જિંગોઇઝમ’ ‘ફેનાટિક’ ‘ટોક્સિક’ ‘ભક્ત’ ‘માસ હિસ્ટેરીયા’ આવા થોડા શબ્દો ભભરાવીને ફિલ્મના કલાકાર, ડિરેક્ટર, પ્રોડ્યુસરો સાથે એક બે નેતાઓને પણ ઝાટકી નાંખો !
***
(૪) તમામ હિન્દુ પરંપરાનો વિરોધ કરો :
તમે પોતે હિન્દુ હો તો શું થયું ? જ્યાં સુધી તમે હિન્દુત્વનો વિરોધ નહીં કરો ત્યાં સુધી તમારામાં ‘બુદ્ધિ’ છે એવું કોઈ માનવાનું જ નથી ! ‘બુદ્ધિજીવી’ હોવાની આ પાયાની જરૂરિયાત છે ! સમજ્યા ?
***
(૫) સેક્યુલારીઝમની કંઠી બાંધી લો :
જો તમે એમ માનતા હો કે ‘સર્વ ધર્મ સમભાવ’નો અર્થ સેક્યુલારીઝમ થાય છે તો તમે ભ્રમમાં છો ! અહીં બે જ કામ કરવાનાં છે. હિન્દુ ધર્મનો વિરોધ તો કરી જ રહ્યા છો, તો સાથેસાથે ‘લઘુમતી’ ધર્મ બાબતે મોઢામાં મગ ભરી રાખવાનું શીખી લો ! ઓકે ?
***
(૬) ‘નારાજ ફૂફા’ બની જાઓ :
ડરો નહીં ! આજે નહીં તો કાલે ચિદમ્બરમ્ પણ જાહેરમાં ગર્વથી કહેશે કે ‘હા હું, નારાજ ફૂફા છું !’
(જોયું ? ફક્ત છ સરળ સ્ટેપમાં તમે ઇન્ટેલેક્ચ્યુઅલ બની શકો છો ! તો આજે જ કૂદી પડો…)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment