નવેમ્બરમાં આવનારી મિડ-ટર્મ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ સાહેબે જાહેરાત કરી છે કે દરેક નાગરિકને પાંચ-પાંચ હજાર ડોલર આપશે !
ભારતના લોકો કહી રહ્યા છે કે આ તો અમારી ‘રેવડી’ની કોપી છે ! પણ અમે કહીએ છીએ કે ભૈશાબ, ટ્રમ્પને હજી આવડતું જ નથી !
***
રેવડીમાં વરાયટી રાખો :
બધાને પાંચ-પાંચ હજાર ડોલર ના અપાય ! આમાં તો બધા મતદાર ‘સરખા’ જ લાગે ! એના કરતાં…
મહિલાઓ માટે અલગ સ્કીમ, બ્લેક અમેરિકન મહિલાઓ માટે વળી બીજી સ્કીમ, મેક્સિકન શરણાર્થીઓ માટે ત્રીજી, ગરીબ સ્ટુન્ડટો માટે અલગ, અરે અમેરિકન ફ્રી સમાજના મિજાજ મુજબ કુંવારી માતા માટે જુદી અને ખાસ તો એલબીજીટી (સમલિંગી અને કિન્નર વગેરે) માટે અલગ પેકેજ રખાય !
- આને કહેવાય ‘ડિવાઈડ એન્ડ રૂલ’… છતાં બધાને લાગે કે ટ્રમ્પ ‘મારા માટે’ કંઈ કરે છે…
***
વોર વેટરન્સને ભૂલી ગયા ?
આખી દુનિયામાં યુદ્ધો લડી લડીને અમેરિકાના લગભગ વીસ લાખ સૈનિકો ઓલરેડી મરી ગયા છે. આ ‘શહીદો’ના પરિવારોને ‘જીવે ત્યાં સુધી’ની રેવડી બાંધી આપો ? પછી જુઓ !
તમારા ‘રાષ્ટ્રવાદીઓ’ જયજયકાર ના કરે તો કહેજો…
***
શૂટિંગ વિક્ટિમ્સને વળતર :
આપણે ગન-કંટ્રોલ તો કરવો જ નથી ને ? પણ છાશવારે જે બેફામ શૂટિંગમાં દર વરસે દસેક હજાર નિર્દોષ લોકો મરી જાય છે એમના પરિવારોને દસ-બાર લાખ ડોલર આપવા માંડો…
પછી જુઓ ! લોકો ‘ઓન પેપર’ મરવા તૈયાર હશે… (આ ‘ઓન પેપર’ પણ ભારતનો ઓરીજીનલ આઇડિયા છે, હોં !)
***
ડિવોર્સ, રિ-મેરેજ, લોન-ચાઈલ્ડ રેવડી :
અમેરિકામાં આમેય ‘ચટ શાદી અને પટ ડિવોર્સ’ થતા રહે છે. આમાંને આમાં ભૂલભલમાં જે બચ્ચાં પેદા થઈ જાય છે એમને ક્યાં નાંખવાના ? (આઈ મિન, ક્યાં રાખવાનાં)
તો એવાં લગ્ને લગ્ને કુંવારાં મા-બાપો તથા એમની ‘આડ-પેદાશ’ જેવાં બાળકો માટે પણ ખાસ રેવડીઓ જાહેર કરો ?
***
ડ્રગ્સ સબસીડી આપો :
આખી દુનિયામાં અમેરિકા ડ્રગ્સનું સૌથી મોટું અને સૌથી મોંઘુ બજાર છે. તો એક બાજુ ડ્રગ્સના ભાવ બેફામ વધવા દો (જેથી ડ્રગ્સ માફિયાઓ તોતિંગ ફંડ આપશે.) અને બીજી બાજુ ડ્રગ્સના બંધાણીઓને ‘સારવાર’ના બહાને દર મહિને ડાયરેક્ટ બબ્બે હજાર ડોલર ટ્રાન્સફર કરી આપો !
(આ પણ ભારતનો ઓરીજીનલ ‘બાટલી વોટિંગ’નો આઇડિયા છે, રાઈટ ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment