આજકાલ સમાચારો જ ઓલરેડી એટલા મસાલેદાર હોય છે કે એમાં વઘાર કરવાની જરૂર જ નથી હોતી ! છતાં…
***
સમાચાર :
યુપીના સહારનપુરની એક બેન્કમાંથી ૧૭ કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી.
વઘાર :
જરા ચેક કરાવો.. એમાંથી અમુક નોટો રામમંદિરની દાનપેટીમાં તો નથી પહોંચી ગઈ ને ?
***
સમાચાર :
સાઉદી અરેબિયા ઉપર હુથીઓએ હુમલો કર્યો છતાં ‘મક્કા કરાર’ કરીને બેઠેલા પાકિસ્તાન અને તૂર્કી સળવળ્યા પણ નહીં !
વઘાર :
સાઉદી અરેબિયાને ક્યાંથી ખબર હોય કે ‘અબી બોલા અબી ફોક’ કહેવત પાકિસ્તાનમાં જ જન્મી છે !
***
સમાચાર :
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ખુદ પોતાના જ ક્રિકેટરો ઉપર મેચ ફિકસીંગની તપાસ કરાવી રહ્યું છે. એમના મોબાઈલો પણ છીનવી લેવામાં આવ્યા .
વઘાર :
એક જ કામ કરવાની જ જરૂર છે. જો એમને કડકમાં કડક સજા કરવી હોય તો એમન ફોન એમની પત્નીઓને સોંપી દો !
***
સમાચાર :
કહે છે કે આજકાલ મોબાઈલમાં જે ૮૦ના દશકની એઆઈ ઇમેજ બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે એના કારણે પાણીનો ખુબ જ વેડફાટ થાય છે ! બોલો.
વઘાર :
હાશ ! હવે અમારી હોળી ધૂળેટીનો વાંક તો નહીં કાઢો ને ?
***
સમાચાર :
નેશનલ ફિલ્મ એવોર્ડઝનો સમારંભ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થવાનો છે એ બાબતે વાંધો ઉઠાવતા અમુક ‘ફુફાજીઓ’ પૂછે છે કે બધી ઇવેન્ટો ગુજરાતમાં જ કેમ થાય છે?
વઘાર :
અમારે એટલું જ પૂછવાનું કે ૨૬ જાન્યુઆરીની પરેડ દર વખતે દિલ્હીમાં જ કેમ થાય છે ? ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી જ વડાપ્રધાન ઝંડો કેમ ફરકાવે છે ? અને હા, ફિલ્મફેર એવોર્ડ્ઝ (જે હિન્દી ફિલ્મો માટે હોય છે) એનું આખું સંચાલન અંગ્રેજીમાં જ કેમ થાય છે ?
(જો બીજી ભાષા જ બોલવાની હોય તો ‘ગુજરાતી’ શા માટે નહીં ? બોલો, ખોટી વાત છે ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment