ભારતમાં હવે આઈફોન ૧૮ પ્રો-મેક્સ મોબાઈલ ફોન આવી રહ્યો છે. જેમને આ મોબાઈલ પોષાય તેમ નથી એમને આમાં, કવિ દલપતરામ કહે છે તેમ ‘અઢારે અંગ વાંકા’ દેખાઈ રહ્યાં છે ! સાંભળો…
***
એક મિનિટ, આ આઈફોન ૧૮ પ્રો-મેક્સમાં નવું શું છે ? કે એને ફોલ્ડ કરી શકાય છે ?
ઓ ભાઈ ! સેમસંગે એવો ફોન ચાર-પાંચ વરસ પહેલાં જ લોન્ચ કરી દીધો હતો.. આ તો એવી વાત થઈ કે મનમોહનસિંહની ‘મનરેગા’ યોજનાને મોદીએ ‘વીબી-જી રામ-જી’ કહીને વાહ વાહ લૂંટી લીધી !
***
અને આ નવા મોડલની કિંમત તો જુઓ ? હાઈ - એન્ડ મોડલની પ્રાઈસ સાડા ચાર લાખ છે !
યાર, એના કરતાં ૩.૭ લાખની ‘અલ્ટો’ શું ખોટી ?
***
ચાલો, માન્યું કે ‘અલ્ટો’ તમે હાથમાં પકડીને ચાલી શકતા નથી… ‘અલ્ટો’થી તમે રીચ, કૂલ અને હાઈ-ફાઈ નથી લાગતા…
પણ બોસ, શું તમે આઈ ફોન ૧૮ પ્રો-મેક્સ ઉપર બેસીને ખાડાવાળા, ખાબોચિયાંવાળા રોડ ઉપર અડધો કિલોમીટર પણ જઈ શકો ખરા ?
***
અને હલો, આઠ ઇંચ વરસાદમાં પણ ‘અલ્ટો’ બંધ નહીં પડે ! જ્યારે તમારા આ સાડા ચાર લાખના ફોનને ૨૫ પૈસાવાળી પ્લાસ્ટિકની કોથળી વડે ‘બચાવવો’ પડશે ! શું ઇજ્જત રહેશે ?
***
આ જેન-ઝિ પણ કમાલ છે ! રાહુલ બાબાએ કહ્યું કે ‘સડકો ઉપર ઉતરી આવો !’
પણ આ જેન-ઝિવાળા ઊંધું જ કરવાના ! હવે સડક ઉપર ‘લાઇન લગાવવા’ ઉતરશે… એપલના શો-રૂમની બહાર !
***
બાકી, આઈફોન માટે કિડની વેચવાની જરાય જરૂર નથી. કેમકે ચાઈનાવાળા ડુપ્લીકેટ આઈફોન તો બનાવી દેશે, પણ કીડની ડુપ્લીકેટ નથી મળવાની. સમજ્યા ?
***
સવાલ : એવું તે શું છે આઈફોનમાં ?
જવાબ : ‘લયલા કો દેખો મજનુ કી નજર સે…’ અથવા ‘મોદી કો દેખો ભક્તોં કી નજર સે…’
(બીજાઓને નહીં સમજાય.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment