‘કીડીને કણ અને હાથીને મણ’ ઉપરવાળો પહોંચાડી જ દે છે. સાથે સાથે એ પણ કહેવત છે ને કે ‘દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ…’ પણ બોસ, ઘણીવાર એવું થાય છે કે આ કંઈ ‘ખાવાના ખેલ’ નથી ! જુઓ…
***
ગરમા ગરમ સૂપ આવે ત્યારે પેલી મોટી ચમચી વડે સબડકો લેતાંની સાથે જ જીભ એવી દાઝી જાય છે કે પછી કશાયનો સ્વાદ જ આવતો નથી !
બોલો, આવું થાય છે ને ?
***
એ જ રીતે ગરમા ગરમ સંભારની પહેલી ચમચી લેતાં જ એના ગરમ મસાલાને કારણે જે ‘અંતરસ’ (‘અંત’ આવી જશે એવો ‘ત્રાસ’) જાય છે કે ખોં… ખોં… ખોં… થઈ જાય છે !
- બોલો આવું થાય છે ને ?
***
એ તો ઠીક, પણ અંતરસ જતાની સાથે નાક દદડવા લાગે છે ! અને તે વખતે લૂછવા માટે ખિસ્સામાં રૂમાલ પણ હોતો નથી !
- બોલો, આવું થાય છે ને ?
***
અને દદડતું નાક ટીશ્યુ પેપર વડે લૂછવાં જતાં એનો ભીનો ટુકડો નાકમાં ઘૂસી જાય છે !
- બોલો, સાવ આવું… ?
***
આઇસ્ક્રીમ ખાતાં ખાતાં તો લગભગ બધાને એવું થતું હશે કે છેલ્લે છેલ્લે બચેલો આઇસ્ક્રીમ ઉપરથી ચાટવા જઈએ તો નીચેથી લબડી પડે છે !
નીચેથી લબડી પડતા આઇસ્ક્રીમને કપડાં પર પડતું બચાવવા માટે હથેલી ધરીએ છીએ પણ જ્યારે હથેળી સ્હેજ સાઈડમાં હોય ત્યારે જ આઇસ્ક્રીમ ‘આત્મહત્યા’ કરવા કૂદી પડે છે !
- બોલો, આવું તો બરફગોળો ખાતાં ખાતાં પણ થાય છે ને ?
***
બાકી, ચામાં બિસ્કીટ બોળીને… પછી કેટલામી સેકન્ડે બહાર કાઢીને… એ લબડી પડે એ પહેલાં… મોંમાં કેટલી ઝડપથી પધરાવી દેવું જોઈએ ?
- એનો જવાબ એઆઈ પણ નથી આપી શકતું ! પૂછી જોજો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment