નારાજ ફૂફા ક્યાં નથી ?

મોદી સાહેબે હમણાં હમણાં બે નવા શબ્દો રમતા કર્યા છે. એક છે ‘હોમિયોપેથી’ અને બીજો છે ‘નારાજ ફૂફા !’

હકીકતમાં તો મોદીજી આ રીતે એક જાતનું ‘બ્રાન્ડિંગ’ કરે છે ! એ આખું લિસ્ટ યાદ કરવા જેવું છે…

*** 

કડવી ગોળી :
૨૦૧૪માં સત્તા પર આવતાં જ એમણે આ એક નવી બ્રાન્ડ બહાર પાડી હતી ! ભોળી પ્રજા એમ સમજી હતી કે, હવે ઇન્કમટેક્સ વગેરે વધારશે, પણ થયું શું ?

બે મોટી કડવી ગોળીઓના લાંબા લાંબા ડોઝ આવ્યા ! પહેલો ડોઝ હતો ‘નોટબંધી !’ ત્રણ મહિનાના આ કોર્સમાં પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ હતી, યાદ છે ને ?

બીજી કડવી ગોળીનો કોર્સ લગભગ છ મહિના ચાલ્યો. એ દવાનું નામ હતું ‘જીએસટી’ ! રોજ સવાર પડેને અરુણ જેટલી નવો નિયમ બહાર પાડતા હતા !

(હજી અમુક વેપારીઓને જીએસટીની સાઈડ ઇફેક્ટો નડતી રહે છે.)

*** 

વિકસીત ભારત :
સાહેબ વિકાસ કરવાનું તો છેક ગુજરાતમાં હતા ત્યારથી શરૂ કરી દીધેલું ! પણ વડાપ્રધાન થયા પછી ભારતની ‘ન્યુ… ઇમ્પ્રુવ્ડ… અને આત્મનિર્ભર’ બ્રાન્ડ લોન્ચ કરી દીધી ! 

આમ તો આ પેકિંગ માટેનું માત્ર ખોખું જ નવું હતું, છતાં જોરદાર માર્કેટીંગના ઘોંઘાટમાં હજી સમજાતું નથી કે માત્ર ‘ઇમેજ’ મોટી થઈ કે ? કે ‘પ્રોડક્ટમાં’ પણ કંઈ સુધારો થયો છે ?

*** 

નયા ભારત:
આ બ્રાન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ માટે છે ! પણ પબ્લિસીટી કેમ્પેન તો ભારતમાં જ થાય છે ! ‘ચીનને ચોપડાવી દીધી’ ‘પાકિસ્તાનને પછાડી દીધું’ ‘અમેરિકા સામે અડગ છીએ’ અને ‘વિશ્વગુરુનો ડંકો વાગ્યો…’ જેવાં નવાં નવાં સ્લોગનો ફરતાં રહે છે !

*** 

આંદોલનજીવી :
વિપક્ષો તથા વિરોધીઓએ જે ‘ગોદી મિડીયા’ નામની બ્રાન્ડ પોલ ખોલવા માંડી હતી તેને કાઉન્ટર કરવા માટેની આ બ્રાન્ડનું નામ ખુદ મોદી સાહેબે પાડી આપ્યું હતું !

*** 

નોન-બાયોલોજિકલ :
૨૦૨૪ની ચૂંટણી વખતે સાહેબે પોતાની ઉપર આ નવું લેબલ લગાડવાની કોશિશ તો કરી, પણ બ્રાન્ડ ફ્લોપ ગઈ !

*** 

દિમાગી નકસલ :
આખું સર્કલ અહીં પુરું થાય છે ! કેમકે ‘જેન-ઝિ’ નામની બ્રાન્ડ ‘કડવી ગોળી’ સમાન નીકળી ! એટલે હવે કહી રહ્યા છે કે ‘હોમિયોપેથી’ની ગોળી આપતાં જ દિમાગી નકસલો બહાર આવી રહ્યા છે…

(બાકી ‘નારાજ ફૂફા’ઓ તો ભાજપમાં પણ સેંકડોની સંખ્યામાં બેઠા છે !)

***

- મન્નુ શેખચલ્લી

Comments