શું તમે સ્કૂલના દિવસોમાં ભણવામાં ‘ઠોઠ’ હતા ?
તો આ એવા જ એક વિદ્યાર્થીની જુની ડાયરીનાં વાક્યો તમે આજે બહુ સારી રીતે સમજી શકશો…
***
એક્ઝામ વખતે જ્યાં બીજા સ્ટુડન્ટો બે-બે અને ચાર-ચાર સપ્લીમેન્ટ્રી ભર્યા પછી પણ લખ-લખ કરતા હતા ત્યારે મારું પેપર આખું પતી જવા છતાં ત્રણ પાના કોરાં ‘બચતાં’ હતાં…
***
ચાલુ પરીક્ષાએ જ્યારે બીજા લોકો સર પાસે ‘ગ્રાફ પેપર’ માગવા લાગ્યા… છેક ત્યારે મને ખ્યાલ આવ્યો તો કે આજે ‘ગુજરાતી’ વિષયનું નહીં પણ ‘સમાજવિદ્યા’નું પેપર હતું !
***
ગણિતના પેપરમાં અમારી ક્લાસના સૌથી હોંશિયાર છોકરાએ સરને જ્યારે કીધું કે ‘સર, પાંચમા પ્રશ્નમાં રકમ જ ખોટી છે…’ ત્યાં સુધીમાં મેં આખો દાખલો ગણીને એનો જવાબ ‘પોણા ત્રણ કાગડા’ આપી પણ દીધો હતો !
***
ગણિતનું પેપર પત્યા પછી એક સવાલના જવાબમાં ૩.૫ આવે છે ૩.૪ આવે છે એનું હેવી ડિસ્કશન ચાલતું હતું… અને મારો જવાબ ૧૮૦૦ આવતો હતો !
***
મારી આગળની બેન્ચના પેપરમાંથી કોપી કરવામાં પણ હું એટલો ડોબો હતો કે મારી ‘પાછળ’ કોઈ છોકરો બેસવાની હિંમત જ નહોતો કરતો !
***
એક જ વાર મારા જવાબને પુરેપુરા માર્ક મળ્યા હતા. સવાલ હતો : ‘મૂડીરોકાણ કોને કહેવાય ?’ જવાબમાં મેં ટાંકણી વડે ૧૦ રૂપિયાની નોટ ચોંટાડી હતી !
***
આખી સ્કુલ લાઈફમાં મેં એક જ નિબંધ જરાય ચોરી કર્યા વિના જાતે જ લખ્યો હતો. નિબંધનો વિષય હતો : ‘એક ચોરની આત્મકથા..’
બસ, એ મારી છેલ્લી પરીક્ષા હતી. કેમકે એ પછી મને નિશાળમાંથી કાઢી મુક્યો હતો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment