રણઝણસિંહનું જીએસટી જ્ઞાન !

‘લો, આ જુઓ !’ અમે રણઝણસિંહને વધામણી આપતાં કહ્યું ‘સરકારની ઓગસ્ટ મહિનાની જીએસટીની આવક બે લાખ કરોડ રૂપિયા ! ગયા વરસના ઓગસ્ટ મહિના કરતાં ૧૪.૮ ટકા વધારે !’

‘તે આમાં ખુશ થાવા જેવું શું છે ?’ રણઝણસિંહ જરાય હરખ બતાડ્યા વિના બોલ્યા. અમે કહ્યું :

‘કેમ ? કરવેરાની આવક વધી એ સારું નો કહેવાય ?’

‘અલ્યા, જીએસટીમાં આવક વધી ક્યાંથી ? ખરીદી વધી ? કે મોંઘવારી વધી ?’

‘હેં ?’

‘હેં શું ? અલ્યા ડફોળ, જે વસ્તુની કિંમત ૧૦૦ રૂપિયા હતી એના ૧૮ રૂપિયા જીએસટીમાં જાતા ’તા, ઈ જ ચીજ આજે ૧૨૫ની થઈ ગઈ, તો જીએસટીની આવક પણ ૨૫ ટકા વધે કે નંઈ ?’

‘હેં ?’

‘હજી હેં… હેં… કર છ ? અલ્યા ખાંડમાં ૩૬ ટકાનો ભાવવધારો તો છેલ્લા પંદર દિ’માં થઈ ગ્યો ! હવે એનો ઉછાળો ય જીએસટીમાં નોંધાવાનો કે નંઈ ?’

‘આ હાળું… વિચાર્યું જ નહોતું !’

‘અટલે જ મેં તને કીધું કે આમાં હરખવા જેવું શું છે ?’

‘ખરી વાત.’

‘છતાં તને ક’વ… અમુક લોકો માટે આ બવ હરખના સમાચાર છે!’

‘કયા લોકો માટે ?’

‘નેતાઓ માટે, મંત્રીઓ માટે, લાંચિયા અધિકારીઓ માટે, અને સરકારી કોન્ટ્રાક્ટરો માટે ! કેમકે સરકારી તિજોરીમાં જેટલા વધારે રૂપિયા જમા થાય એટલું ઇ લોકોનું ‘બજેટ’ મોટું થઈ જાય !’

‘ટુંકમાં કહો તો ભ્રષ્ટાચાર જ વધે છે, એમ જ ને ?’

‘હાસ્તો વળી ? જે રોડ ૫૦ કરોડમાં બનતો હોય એનું બજેટ વધીને ૭૦ કરોડ થઈ જાય ! પછી ભલેને એક જ વરસાદમાં ધોવાઈ જાય ?’

‘દળી દળીને ઢાંકણીમાં !’ અમારાથી કહેવત બોલાઈ ગઈ.

‘અને રળી રળીને જીએસટીમાં !’ રણઝણસિંહે કહેવતમાં ઉમેરો કર્યો.

***

- મન્નુ શેખચલ્લી

Comments