'મેરા ગાંવ...' તેરા 'શોલે' !?

હેડિંગ વાંચીને તમને થતું હશે કે ભૈશાબ, લેખ તો ‘મેરા ગાંવ મેરા દેશ’ વિશે છે, એમાં વળી પાછું ‘શોલે’ ક્યાંથી આવ્યું ?

તો વાત એમ છે કે ૧૯૭૧માં આવેલી ‘મેરા ગાંવ મેરા દેશ’ અને માત્ર ચાર જ વરસ પછી આવેલી ‘શોલે’માં કેટલું બધું ‘સેઈમ-સેઈમ’ છે ! ચાલો ગણવા માંડો…

(૧) ‘મેરા ગાંવ…’માં ડાકુનું નામ જબ્બરસિંહ છે. અને ‘શોલે’માં માત્ર પહેલો અક્ષર બદલીને એનું ‘ગબ્બરસિંહ’ થઈ ગયું છે.

(૨) એ તો ઠીક, ‘મેરા ગાંવ…’માં એક ઠેકાણે ગામમાં એક પાટિયા ઉપર ડાકુઓના નામોનું લિસ્ટ બતાડે છે. એમાં એક નામ ‘ગબ્બરસિંહ’ છે ! બોલો.

(૩) ‘મેરા ગાંવ...’માં એક રિટાયર થયેલો ફૌજી ધર્મેન્દ્રને પોતાના ગામડે બોલાવે છે. જ્યારે ‘શોલે’માં એક રિટાયર થયેલો પોલીસ ઓફિસર ! બસ એટલો જ ફેર.

(૪) રિટાયર થયેલા ફૌજીનો એક હાથ કપાઈ ગયેલો છે (જયંત) જ્યારે રિટાયર થયેલા પોલીસ અફસરના બંને હાથ કપાઈ ગયેલા છે. એવું કેમ?

(૫) એનું લોજિક કદાચ એવું હશે કે ‘મેરા ગાંવ...’માં એક જ હીરો છે, જ્યારે ‘શોલે’માં બે હીરો છે ! (બિચારો સંજીવકુમાર !)

(૬) બંને ફિલ્મોમાં ગામડે આવનાર હીરો નાનામોટા ચોર અને ‘છટે હુએ બદમાશ’ છે.

(૭) ‘શોલે’માં અમિતાભ બચ્ચન સિક્કો ઉછાળીને કોઈ નિર્ણય લે છે. ‘મેરા ગાંવ...’માં પણ ધર્મેન્દ્ર સિક્કો ઉછાળીને જ નક્કી કરે છે ! બોલો.

(૮) ‘શોલે’માં ડાકુઓ આ તરફ આવી ન શકે એના માટે જય અને વીરુ એક પુલ બોમ્બ વડે ઉડાવી દે છે. ‘મેરા ગાંવ...’માં પોલીસો ગામમાં પાછા ના ફરી શકે એ માટે ડાકુઓ દ્વારા પુલ ઉડાવવામાં આવે છે.

(૯) ‘શોલે’માં ગબ્બરસિંહ ધમકીભરી ચીઠ્ઠી મોકલાવે છે કે પેલા બે ‘ભાડૂતી’ને મારે હવાલે કરી દો વરના… ‘મેરા ગાંવ...’માં પણ એવી જ ચીઠ્ઠી આવે છે કે પેલા ‘શહેરી’ છોરાને મોકલી દો, વરનાંઆંઆં…

(૧૦) ‘શોલે’ના શૂટિંગ માટ એક આખું ગામડું નવેસરથી બનાવવામાં આવેલું. પણ ‘મેરા ગાંવ…’ વખતે એટલું બજેટ નહોતું એટલે ખરેખર એક જ ગામમાં શૂટિંગ થયું છે.

અને (૧૧) બંને ફિલ્મોમાં જે ગબ્બર તથા જબ્બર નામના ડાકુઓ છે તે અતિશય ક્રૂર છે અને ડાકુ શા માટે બન્યા એની કોઈ બેક-સ્ટોરી બતાડી નથી.

ચાલો, સરખામણી પુરી થઈ ! તમને થતું હશે કે બોસ, આપણે તો બંને ફિલ્મો જોયેલી છે છતાં આવી ‘લાઈટ’ કેમ ના થઈ ?

કેમકે ‘શોલે’માં ઠાકુરના આખા પરિવારને ગબ્બરે મારી નાંખ્યો છે એનો ‘બદલો’ લેવાનો છે (સુભાષ ઘાઈની ‘કર્મા’ની જેમ જ ! એ અલગ 'સરખામણી' થઈ !) એટલે પેલા ‘છટે હુએ દો બદમાશ’ને તેડાવે છે. જ્યારે ‘મેરા ગાંવ…’માં તો જયંત- ભલમનસાઈ દાખવીને ચોર ધર્મેન્દ્રને પોતાના ખેતરમાં કામ કરવા માટે ‘નોકરી’ આપે છે. પણ પછી…

ધર્મેન્દ્ર અનાથ છે, તેને અહીં એક પાગલ સ્ત્રી પોતાનો દીકરો માની લે છે. જયંત એને પોતાનો દીકરો માને છે. (એટલે કંઈ જયંત પેલી પાગલ ઔરત સાથે પરણી ના જાય ! શાંતિ રાખો.) પરંતુ ગામમાં ડાકુઓનો જુલમ જોઈને ધર્મેન્દ્રનું લોહી ઉકળી ઉઠે છે. એટલે પછી… ઢીશૂમ… ઢીશૂમ.. વગેરે.

પણ હલો. હીરોઈનને પટાવવાની મોડસ ઓપરેન્ડી તો બંને ફિલ્મોમાં ધર્મેન્દ્રની સેમ જ છે ! એ નિશાનેબાજી શીખવવાને બહાને હિરોઈન પર ‘હાથ ફેરો’ કરી લે છે ! (આ બારમી સરખામણી થઈ.)

હવે આવો સરખામણી નંબર ૧૦ ઉપર.. તો ‘શોલે’ માટે જે રામગઢ નામનું ગામડું સેટ ઊભો કરીને બનાવ્યું હતું એનું તો હવે નામોનિશાન નથી. પણ ‘મેરા ગાંવ મેરા દેશ’ માટે ઉદયપુરથી માત્ર ૧૫ કિલોમીટરના અંતરે આવેલું ‘ચિરવા’ નામનું ગામ હજી પણ ત્યાં અડીખમ ઊભું છે ! જેને ‘લિજેન્ડ’ જેવી વાત કહી શકાય ને એ છે કે ગુગલ મેપમાં સર્ચ કરો તો એ ગામના નામ સાથે ‘મેરા ગાંવ મેરા દેશ’ લખેલું જોવા મળે છે !

અરે ભાઈ ? એવું તે શું છે કે ગામના નામ સાથે ફિલ્મનું નામ જોડાઈ ગયું ? તો વાત એમ છે કે દિગ્દર્શક રાજ ખોસલાએ પહેલેથી જ નક્કી કર્યું હતું કે આખી ફિલ્મનું શૂટિંગ રીયલ લોકેશનો ઉપર જ કરવું છે ! એમાં ફરતાં ફરતાં આ ‘ચિરવા’ ગામ ઉપર એમનું મનડું ઓળઘોળ થઈ ગયું ! કેમ કે અહીં આસપાસમાં જ પહાડ, તળાવ, ખેતરો અને પુલ જેવા લોકેશન મળી જાય તેમ હતું.

આજના જમાનામાં જ્યાં ૨૫-૫૦ કરોડ લેતાં સુપરસ્ટારો ફાઈવ સ્ટાર હોટલ અને પાંચ પાંચ વેનિટી વાનની બહાર પગ નથી મુકતા, એની સામે એ જમાનામાં ધર્મેન્દ્ર મોટો સ્ટાર હોવા છતાં બબ્બે મહિના સુધી એ ચિરવા ગામમાં જ રોકાયો હતો !

માત્ર ધર્મેન્દ્ર જ નહીં, આખેઆખું યુનિટ (આશા પારેખ સહિત) ઉદયપુરથી માત્ર ૧૫ કિલોમીટરનું અંતર હોવા છતાં ચિરવા ગામમાં જ રહેતું હતું. અહીંના જ અમુક ઘરોમાં, ગલીઓમાં અને મહોલ્લાઓમાં આખું શૂટિંગ થયું હતું.

આજે પણ એ ગામના સિનિયર સિટીઝનો તમને એ જગ્યા બતાડશે કે ‘અહીંથી ડાકુઓની એન્ટ્રી થતી હતી..’ ‘અહીં આ મકાનની છત ઉપરથી ધર્મેન્દ્ર બંદૂક વડે ગોળી મારીને બે ડાકુઓને મારી નાંખે છે…’ ‘અહીં, આ જ મેદાનમાં ધર્મેન્દ્રએ વિનોદ ખન્નાના ગળામાં ચામડાનો પટ્ટો ભેરવીને સખ્ખત માર માર્યો હતો…’ વગેરે.

આ જ ફિલ્મમાં પહેલીવાર જોવા મળ્યું કે બંદૂકની ગોળી વાગે તેના કપડામાં મોટું કાણું પડી જાય અને અંદરથી લોહી પણ નીકળી આવે ! (ફાઈટ ડીરેક્ટર : રવિ ખન્ના) અને આ જ ફિલ્મમાં એવી એક્શન સિકવન્સ જોવા મળી કે જેમાં એકલો ધર્મેન્દ્ર આખા ગામમાં જુદી જુદી ગલીઓમાંથી ધસી આવતા ડાકુઓને વારાફરતી મારી નાંખે છે તે ‘પોસિબલ’ હોય એવું લાગે!

ફિલ્મની સૌથી અનોખી વાત એ પણ ખરી કે રાજ ખોસલાએ આની અગાઉ ક્રાઈમ થ્રિલરો (સીઆઈડી, કાલાપાની) રોમેન્ટિક ફિલ્મો (સોલવાં સાલ, બમ્બઈ કા બાબુ, એક મુસાફિર એક હસીના) પ્રેતકથાઓ (વો કૌન થી, મેરા સાયા, અનીતા) અને ‘દો બદન’, ‘ચિરાગ’ અને ‘દો રાસ્તે’ જેવી સામાજિક ફિલ્મો બનાવી હતી. એ રાજ ખોસલા જ્યારે ‘મેરા ગાંવ...’ જેવી પહેલી એકશન મુવી બનાવે ત્યારે જોઈને એમ જ લાગે કે બોસ, આ માણસ તો એકશન ફિલ્મોનો માસ્ટર છે !

કેમ કે શરૂઆતની ૪૫ મિનિટ પછીની આખી ફિલ્મ એકશનથી ભરપૂર હોવા છતાં ક્યાંય એમ ના લાગે કે ‘બોસ, અહીં વેઠ ઉતારી છે…’

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ફિલ્મમાં લક્ષ્મી છાયાનો રોલ આશા પારેખ કરતાં લંબાઈમાં પણ મોટો છે અને એની ઉપર ત્રણ-ત્રણ હિટ ગાયનો પિકચરાઈઝ થયાં છે. (આશા પારેખ કરતાં એક વધારે.)

* ‘માર દિયા જાય કે છોડ દિયા જાય..’ ગાયનની આ પંક્તિનો ઉપયોગ એ પછીની ફિલ્મોમાં ‘ડાયલોગ’ તરીક થવા લાગ્યો હતો!

* લક્ષ્મી છાયા વાળો રોલ મુમતાઝને ઓફર થયો હતો પણ એણે ‘સેકન્ડ લીડ’ રોલ કરવાની ના પાડી. બાકી જો હા પાડી હોત તો આશાજીના છોતરાં ઊડી ગયાં હોત !

* વિનોદ ખન્ના માટે આ ફિલ્મ બહુ મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ કેમકે આ અગાઉ નાના-મોટા રોલ જ મળતા હતા.

* રસપ્રદ વાત એ પણ ખરી કે માંડ એકાદ મહિનાના અંતરે રજૂ થયેલી ‘મેરે અપને’માં વિનોદ ખન્ના હિરો હતો ને ‘મેરા ગાંવ મેરા દેશ’માં વિલન ! એ પણ કેવો ખતરનાક વિલન !

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. સરસ લેખ. સુંદર ઝીણવટભર્યા અવલોકનો.
    આટલું બધું સેમ ટુ સેમ હોવા છતાં બન્ને ફીલ્મો ચાલી જ નહીં, સુપરહિટ પણ થઇ

    ReplyDelete

Post a Comment