એક હતો વિકાસ.
એને એમ હતું કે હું બહુ સારો છું.
પણ વિકાસ જે પરિવારમાં હતો ત્યાં એની કોઈ કદર જ નહોતી ! એ પરિવારમાં તો રાજમાતા, રાજકુંવર અને રાજકુમારીનો જ વટ હતો.
જ્યારે જ્યારે ગ્રુપ ફોટો પાડવાનો આવે ત્યારે વિકાસને પાછળની લાઈનમાં ક્યાંકને ક્યાંક ધકેલી દેતા હતા. આના કારણે ફોટામાં વિકાસના ક્યારેક વાળ જ દેખાય ! ક્યારેક એકાદ ખભો જ હોય ! કોઈ કોઈ વાર તો ફોટામા વિકાસ હોય છતાં શોધ્યો જ ના જડે કેમકે એ કોઈકના પડછાયામા દબાયેલો હોય !
પણ પછી પરિવાર બદલાયો.
નવા પરિવારવાળા કહે : ‘ભઈ, વિકાસને આગળ કરો !’
હવે વિકાસને ગ્રુપ ફોટામાં પહેલી લાઈનમાં બેસાડવા લાગ્યા ! ક્યારેક એ પરિવારના મોભીના ખોળામાં હોય તો ક્યારેક એને ખભે તેડી લીધો હોય…
વિકાસનો વટ વધતો ગયો…
હવે તો વિકાસના એકલાના ફોટા પડવા માંડ્યા ! આના કારણે વિકાસ નાનો હોય તો પણ મોટો દેખાતો થઈ ગયો.
હવે તો જ્યાં જુઓ ત્યાં વિકાસના ફોટા જ ફોટા… છાપામાં, ટીવીમાં, હોર્ડિંગ્સમાં, બેનરોમાં અરે, નાનાં નાનાં સ્ટિકરોમાં પણ વિકાસના જ ફોટા !
ક્યારેક વિકાસ કોઈ ઠેકાણે હજી પહોંચ્યો ના હોય એની પહેલાં તો વિકાસના ફોટા પહોંચી જતા હતા ! આમ જોવા જાવ તો વિકાસ વિના પણ વિકાસનો જયજયકાર થવા લાગ્યો !
એમાંય એઆઈ આવ્યું પછી તો વિકાસનાં ભવ્ય રીલ્સ બનવા લાગ્યાં ! અને પછી તે વિકાસને ક્યાંય જવાની જરૂર જ ના રહી!
વિકાસ હવે ‘વર્ક ફ્રોમ હોમ’ કરવા લાગ્યો ! હાશ… આ તો બહુ સારું…!
પણ…
ઘેર બેઠાં બેઠાં વિકાસને હવે જરા ડાઉટ પડવા લાગ્યો છે. કેમકે વિકાસ તો હવે ‘ઓન-લાઈન’, ‘ઓન-પેપર’ અને ‘ઓન-સરકારી-ફાઈલ’ વધારે દેખાઈ રહ્યો છે.
વિકાસના કાકા, મામા, ભાણિયા, ભત્રીજા વગેરે પરિવારવાળા અચાનક વધી ગયા છે ! સૌ વિકાસને પોતાની આંગળીએ વળગાડીને બધાને બતાડી રહ્યા છે કે ‘જુઓ ! અમે લાવ્યા આને!’
સાલું, વિકાસને ધીમે ધીમે ડર લાગી રહ્યો છે કે ફરી એકવાર ગ્રુપ ફોટામાં મન ક્યાંક ખૂણામાં ના ધકેલી દે…
કેમકે બિચારા વિકાસને ટેવ પડી ગઈ છે, ફોટામાં આવવાની !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment