સમારંભમાં પોલા પોલા શબ્દો !

તમે કદી સાહિત્યના કે જ્ઞાતિના સમારંભોમાં ગયા છો ? ત્યાં સ્ટેજ ઉપરથી એવાં એવાં બનાવટી અને દંભી વાક્યો બોલાતાં હોય છે કે… મનમાં ને મનમાં કંઈક સંભળાવી દેવાનું મન થઈ જતું હોય છે ! જેમકે…

*** 

ફલાણાભાઈ વિશે એમની હાજરીમાં કંઈ કહેવું એ તો સુરજને દીવો બતાડવા જેવું છે…’

- હા પણ સુરજને દીવો જોવો જ ના હોય તો ?
- એક કામ કરો, રાત્રે જ્યારે લાઈટ જાય ત્યારે દીવો બતાડવા આવજો !
- ઠીક છે, દીવો બતાડવાનું રહેવા દો.. પણ પાછો ખિસ્સામાં ના મુકતા ! નહીંતર એમ્બ્યુલન્સ બોલાવવી પડશે !’

*** 

મારી એ લાગણીને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી !’

- તો બોલવાનું જ રહેવા દોને, ભૈશાબ ?
- અચ્છા, એક કામ કરો. આ ડીક્શનેરી લો અને શબ્દો શોધો. ત્યાં લગી અમે પેશાબ પાણી કરીને આવીએ છીએ !
- લો, શબ્દો નથી ? તો ચીસો પાડો ! છાતી કૂટો ! આળોટવા માંડો ! પણ મોં બંધ રાખજો… બોલ્યા મોટા, શબ્દો જ નથી !’

*** 

એમના જવાથી સંસ્થાને બહુ મોટી ખોટ પડી છે !’

- તો સાહેબ, ચોપડા વ્યવસ્થિત રાખવા જોઈએ ને ?
- અને એ હતા ત્યારે શું સંસ્થાને ખરેખર નફો હતો ? જો હતો તો ક્યાં ગયો ?
- એમના જવાથી જે ખોટ પડશે એ સરભર કરવા માટે હવે બેન્કની લોન પણ નહીં મળે !
- હજુ ટાઈમ છે… રાજીનામું સ્વીકારતાં પહેલાં બધા ચોપડા ચેક કરી લો !

*** 

તેઓ તેમનો કિંમતી સમય કાઢીને અહીં પધાર્યા છે !’

- તો શું અમારા બધાનો સમય મફતમાં આવે છે ?
- એમના સમયની કિંમત શું રાખી છે ? કલાકના હિસાબે છે ? કે કેલેન્ડર જોવાનું છે ?
- એટલો બધો કિંમતી સમય હોય તો ઝટ પતાવીને ફટાફટ રવાના કરો !


*** 

હવે મુખ્ય મહેમાનશ્રી બે શબ્દો કહેશે !’

- બસ, બે જ શબ્દો ને ? પછી તો જમવાનું સ્ટાર્ટ ને ?
- બે જ શબ્દો કહેવાના હોય તો ત્યાં બેઠા બેઠા જ પતાવી દો ને ? ટાઈમ બચે !
- અમારે પણ એમને બે જ શબ્દો કહેવા છે : ‘શટ… અપ…!’

***

- મન્નુ શેખચલ્લી

Comments