મોટી ઉમરની નાની રમૂજો !

સિનિયર સિટીઝનોને કોઈ ‘ઘરડા’ કહી જાય તે ગમતું નથી ! પરંતુ દુનિયાના અમુક મહાનુભાવો પોતે જ પોતાની વધતી ઉંમરની રમૂજ કરી ચૂક્યાછે ! એ હસ્તિઓનાં નામોની જફામાં પડ્યા વિના રમૂજો માણો…

*** 

‘જ્યારે લોકો તમારાં વખાણ કરવા માટે કહેવા લાગે કે ‘તમે યંગ લાગો છો…’ ત્યારે સમજી લેવું કે તમે હવે ઘરડા થઈ રહ્યા છો !’

*** 

‘વીસ વરસની ઉંમરે તમે બીજાઓ શું વિચારતા હશે તેની પરવા કરતા નથી. ૪૦ વરસની ઉંમરે તમે સતત વિચારો છો કે બીજાઓ તમારા વિશે શું વિચારતા હશે.. પણ ૭૦ વરસે તમને ખબર પડે છે કે બીજાઓને તમારી કદી કોઈ પરવા હતી જ નહીં.’

*** 

‘તમે ૮૦ વરસના થાઓ ત્યાં સુધીમાં તમારી પાસે દુનિયાભરનું જ્ઞાન આવી ગયું હોય છે. તકલીફ એટલી જ કે એ જ્ઞાન યાદ નથી રહેતું !’

*** 

‘તમે જેમ જેમ ઘરડા થાઓ છો તેમ તેમ તમે એ ઘટનાઓને વારંવાર યાદ કરીને બધાને કહો છો… જે કદી એ રીતે બની જ નહોતી !’

*** 

‘આજે આ ઉંમરે મારે દારૂ પીવાની જરૂર જ નથી. કેમકે સોફામાંથી ઊભા થતાંની સાથે ‘સેઇમ ઇફેક્ટ’ આવે છે !’

*** 

‘શેરબજારના એક ખેલાડીએ મને પૂછ્યું કે એવા કયા શેર લેવા જોઈએ જેનું વેલ્યુ ત્રણ વરસમાં બમણી થઈ જાય ? મેં કહ્યું ભાઈ, આ ઉંમરે તો હું કેળાં પણ કાચાં નથી ખરીદતો !’

*** 

‘લોકો જેમ જેમ ઘરડા થાય છે તેમ તેમ વધુને વધુ ધાર્મિક વાંચન કેમ કરવા લાગે છે ? કેમકે એમની ‘ફાઈનલ એક્ઝામ’ નજીક આવી રહી છે !’

*** 

(આ બેસ્ટ છે…)
‘પહેલાં તમે લોકોનાં નામો ભૂલી જાવો છે, પછી ચહેરા યાદ નથી રહેતા… પછી પેન્ટની ચેઈન ઉપર ખેંચવાનું ભૂલી જાવ છો.. અને છેલ્લે, પેન્ટની ચેઈન નીચે કરવાનું યાદ નથી આવતું !’

***

- મન્નુ શેખચલ્લી

Comments