આજકાલ અમુક સમાચારો એવા ચાલી રહ્યા છે કે એમાં અમુક લોકોને ખણખોદ કર્યા વિના ચેન નથી પડતું અને અમુક લોકોને ખરી-ખોટી ‘ઉંગલી’ કર્યા વિના જંપ નથી વળતો !
એ અમુક લોકોમાં એક અમે પણ ખરા !
***
આખરે ક્રીતિ સેનની કાયા પ્રદર્શીત કરતી રક્ષાબંધન એડ કંપનીએ પાછી ખેંચી.
આમાં કંપનીને શું મળ્યું ? એનું તો નામ પણ મિડીયામાં નથી. અને મિડીયામાં છવાઈ કોણ ગયું ? કંગના રાણાવત !
***
શ્રીલંકાએ ભારત સામેની બીજી ટેસ્ટમેચ આખરે ડ્રોમાં કાઢી.
એક મિનિટ ! શ્રીલંકાના છેલ્લા બે પૂંછડીયા ખેલાડીમાંથી એકે ૯૦ બોલનો સામનો કર્યો. બીજાએ ૨૪ બોલનો ! શું ભારતના બોલરો એટલા બધા નબળા થઈ ગયા છે કે ૯૦-૯૦ બોલ સુધી એક પૂંછડીયા ખેલાડીની વિકેટ ના લઈ શકે ?
ખરેખર મેચ ડ્રો કોણે કરી ?
***
જન્મટીપનો એક કેદી પેરોલ પર બહાર નીકળ્યા પછી ૪૦ વરસ સુધી જેલમાં પાછો જ ના આવ્યો ! દરમ્યાનમાં એ સરકારી શાળામાં શિક્ષક બન્યો અને ‘બેસ્ટ ટિચર’નો એવોર્ડ પણ જીત્યો!
હવે બોલો, કેદીને ‘ન્યાય’ કોણે આપ્યો ? જેલે કે સ્કુલે ? સિરિયસલી…
***
તામિલનાડુની ટીવીકે પાર્ટીએ કહ્યું છે કે ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીમાં અભિનેતા વિજયન વડાપ્રધાન પદના દાવેદાર હશે, રાહુલ ગાંધી તો નહીં જ !
અચ્છા ? પણ વિજયને એટલી સારી કોમેડી કરતાં ફાવશે ખરું?
***
કેન્સરના દર્દીઓ માટેના ૧ લાખ રૂપિયાના ઇન્જેક્શનોમાંથી પાણી નીકળ્યું !
અહીં કોઈપણ કાર્યવાહી કરતાં પહેલાં બાબા રામદેવને પૂછો ! કદાચ એ પાણી છેક હિમાલયની ગંગોત્રીનું પણ હોય !
***
ન્યુયોર્કમાં ‘સાર્વભૌમિક એકતા ઉત્સવ’ કાર્યક્રમમાં જ્યાં વૈશ્વિક સદ્ભાવના અને વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાનો પ્રસાર કરવાનો ઉદ્દેશ છે તેનો અમેરિકાના અનેક સંગઠનોએ આકરો વિરોધ કર્યો છે !
લો, છેક હવે ખબર પડી કે આ સંગઠનો ‘શેનાથી’ આટલા બધા ડરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment