આપણે કોલ કરીએ ત્યારે મોબાઈલમાં જે ચાંપલા એનાઉન્સમેન્ટો આવે છે એનો ભારે ત્રાસ છે ભૈશાબ !
***
‘એક તો એવી ચાંપલી રીતે ‘ગુજરાતી’ બોલે છે કે ‘તમે જે વ્યક્તીઈઈનોં સંમ્મપર્ક કરવા માંગો છો તે હાલમાં અન્યં કોંઓલ પર વ્યસ્ત છૈઇં…’
આમાં અડધા ગામડીયાને તો કશું સમજાતું જ નથી ! એના કરતાં સીધું બોલને મારી બઈ, કે ‘ઉપાડતા નથી, થોડીવાર પછી કરજોને ?’
***
અને ‘તમેં જે વ્યક્તિઇઇનોં’ એટલે શું ? ઓ મેડમ, એ કોઈ મહાન ‘વ્યક્તિ’ નથી ! અમારો પટાવાળો છે !
અને ‘કૃપા કરીનેંઈઈ…’ એટલે શું ? ‘એ ટોપા ઉપર અમારે ‘કૃપા’ શેની કરવાની છે ?’
***
અને ‘થોડા સમય પછીંઈઈ…’ તો એ ડોબાએ સામેથી મને કોલ કરવો જોઈએ ! બેન, તું એને કહે કે ‘અલ્યા તું ફોનમાં ટોળ-ટપ્પાં કરતો હો એવામાં તારા શેઠનો ફોન આવી ગયો ! હવે ઝટ કર સામેથી…’
***
અમુક નેટવર્કવાળા તો બહુ જ દોઢ ડાહ્યા છે. પહેલાં તો મ્યુઝિક વાગે ! પછી પેલી ચાંપલી બોલે :
‘કોલ કરને કે લિયે ધન્યવાદ ! આપને જિસ વ્યક્તિ કો કોલ કીયા હૈ વહ કુછ હી દેર મેં આપ કા કોલ રીસિવ કરેંગે… કૃપયા પ્રતીક્ષા કીજીયે !’
લો બોલો, જાણે આપણે તો મોદી સાહેબને ફોન લગાડ્યો હોય ! ઓ દેવીજી, એ મોદી નથી, માર રખડેલ ભત્રીજો છે ! એનું ‘રિ-ચાર્જ’ પણ હું જ કરાવી આપું છું ! એ છછૂંદર આટલો બધો ભાવ શાનો ખાય છે ?
***
સૌથી વિચિત્ર તો આ છે : ‘વહ આપ કે પ્રભાવ-ક્ષેત્ર સે બાહર હૈ!’
અલ્યા ‘પ્રભાવ-ક્ષેત્ર’ એટલે શું ? હમણાં પાંચ મિનિટ પહેલાં તો એ સેલ્સમેન દુકાને દુકાને ફરીને વેફર્સનાં પડીકાંનો ઓર્ડર લેતો હતો !
હવે અચાનક મેનેજરના ‘પ્રભાવ’માંથી બહાર નીકળી ગયો ?
***
એટલે જ કહું છું… આના કરતાં પહેલાં જે ‘ટુંટુ… ટુંટ…’ થતું હતું એ સારું હતું ! શું કહો છો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment