હોરર ફિલ્મોના ખૂલ્યા 'દરવાઝા' !

૧૯૭૨ની સાલ હતી. મુંબઈથી મહાબળેશ્વર જતી સરકારી એસટી બસમાં ફિલ્મ લાઈન સાથે જોડાયેલા સાત ભાઈઓ બેઠા હતા. એમની સાથે સાવ નવા સવા એક્ટરો હતા. બે પાંચ ટેકનિશીયનો હતા. અને હા, પેલા સાત ભાઈઓમાંથી બે ચાર જણાની પત્નીઓ પણ સાથે હતી.

એ લોકો મહાબળેશ્વરના સરકારી ગેસ્ટ હાઉસમાં પહોંચે છે અને રૂમ દીઠ માત્ર ૧૨ રૂપિયાના ભાવે ફક્ત ૮ રૂમો થોડા દિવસ માટે બુક કરે છે. અને ત્યાં આસપાસના વિસ્તારોમાં શૂટિંગ કરવાનું શરૂ કરે છે.

એમની પાસે સેટ ઊભા કરવાના પૈસા નહોતા એટલે રીયલ લોકેશનો પર શૂટિંગ કરતા હતા. કોસ્ચ્યુઅમના પૈસા નહોતા એટલે એક્ટરોએ પોતપોતાનાં કપડાં જાતે લાવવાનાં હતાં. અને પેલી પત્નીઓ ? હા, એ ગેસ્ટ હાઉસના કિચનમાં આખા યુનિટ માટે રસોઈ બનાવતી હતી !

જે જમાનામાં એવરેજ હિન્દી ફિલ્મો ૪૦-૫૦ લાખમાં બની જતી હતી. એ સમયે આ સાત ભાઈઓએ માત્ર ૩-૫ લાખમાં આખી ફિલ્મ (એડિટીંગ અને પોસ્ટ પ્રોડક્શન સહિત) પુરેપુરી બનાવી નાંખી હતી !

એ ફિલ્મ હતી… ના, ‘દરવાઝા’ નહીં, એનું નામ હતું ‘દો ગઝ જમીન કે નીચે’ ! ૩૦ ડિસેમ્બર, ૧૯૭૨ના દિવસે રીલીઝ થયેલી આ ફિલ્મે અધધધ ૪૫ લાખનો ધંધો કર્યો હતો ! બોલો.

તો કોણ હતા આ સાત ભાઈઓ ? જી હા, દુનિયા જેને ફેમસ ‘રામસે બ્રધર્સ’ તરીકે ઓળખે છે એ જ ! મજાની વાત એ હતી કે આ સાતે સાત ભાઈઓને ફિલ્મ સાથે જોડાયેલો કોઈને કોઈ કસબ બરાબર આવડતો હતો !

સૌથી મોટા કુમાર રામસે પાસે નાની મોટી ફિલ્મોની સ્ક્રીપ્ટ લખવાનો અનુભવ હતો. ગંગુ (ગંગારામ) રામસેને સિનેમેટોગ્રાફી આવડતી હતી. તુલસી રામસે ડીરેક્શનનો અનુભવ લઈ ચૂક્યા હતા. અર્જુન રામસે મુંબઈમાં એડિટર તરીકે કામ કરતા હતા. શ્યામ રામસે પણ આસિસ્ટન્ટ તરીકે ડીરેક્શનનો અનુભવ લઈ ચૂક્યા હતા. કીરણ રામસે સાઉન્ડ રેકોર્ડીસ્ટ હતા અને સૌથી મોટું મહત્વનું કામ પ્રોજક્શન સંભાળવાનું, તે કેશુ રામસે જાણતા હતા. આ ઉપરાંત કેશુભાઈ સિનેમેટોગ્રાફી પણ કરી જાણતા હતા.

રહી વાત સ્ટોરીની, તો બોસ ૧૯૬૩માં બનેલી એક બી ગ્રેડની ફ્રેન્ચ ફિલમ ‘લો સ્પેક્ટ્રો’ જે અંગ્રેજીમાં ‘ધ ઘોસ્ટ’ નામે રીલીઝ થયેલી અને ભારતમાં તેની પ્રિન્ટ રખડતી રખડતી મુંબઈના કોઈ બી ગ્રેડના થિયેટરમાં આવેલી.. એની જ સ્ટોરી આ રામસે બંધુઓએ સીધી ઉઠાવી લીધેલી !

આમેય તે વખતે ચોરી કર્યા પછી ક્રેડીટ આપવાનો ક્યાં રીવાજ હતો ? પણ મહત્વની વાત એ હતી કે, ભારતીય સિનેમાના પરદે આ અગાઉ ‘હોરર’ના નામે સફેદ સાડી પહેરને ગાયન ગાતી હિરોઈનને જ ‘આત્મા’ તરીકે બતાડતા હતા. જ્યારે અહીં કબરમાંથી બેઠી થયેલી કદરૂપી, ડરામણી ‘ઝોમ્બી’ લાશ પોતે જ પોતાના ખૂનનો બદલો લેવા માટે ‘ખૂન’ કરે છે !

ટુંકમાં, સાચા અર્થમાં ‘હોરર’ મુવી નામનો પ્રકાર ‘દો ગઝ જમીન કે નીચે’થી ‘જમીન ફાડીને’ પ્રગટ થઈ ચૂક્યો હતો ! આની સફળતા પછી રામસે બ્રધર્સે વધુ  બે ફિલ્મો બનાવ્મોયા બાદ મોટો ખર્ચ કરવાનું નક્કી કરેલું. એમાં ભયાનક ડરામણા અને ચીતરી ચડે એવો મેકપ અને માસ્ક બનાવવા પાછળ એક હોલીવૂડના સ્પેશીયાલીસ્ટને બોલાવીને પુરા ૧ લાખનો ખર્ચો પણ કરેલો !

છતાં ‘આ દરવાજા ખોલુંગા, ડંડા લે કે મારુંગા’વાળી ગેમ જ સ્ટાર્ટ થતી નહોતી ! કેમકે ‘દરવાઝા’ નામની આ હોરર ફિલ્મને રીલીઝ કરવા માટે ડીસ્ટ્રીબ્યુટરો સાવ ફાલતુ ભાવ આપી રહ્યા હતા. છેવટે રામસે બ્રધર્સે ફિલ્મ વેચવા માટે પણ ‘હોરર શોક થેરાપી’નો ઉપયોગ કર્યો !

કહે છે કે એક ડિસ્ટ્રીબ્યુટર સાથે ઓફિસમાં ભાવતાલ ચાલી રહ્યા હતા એ દરમ્યાન અચાનક અર્જુન રામસે પેલા ખતરનાક કેરેક્ટરનું માસ્ક અને ડરામણો વિચિત્ર કોસ્ચ્યુમ પહેરીને રૂમમાં ધસી આવ્યા ! 

ડરીને ફફડી ગયેલા ડિસ્ટ્રીબ્યુટરને હાર્ટ-એટેક આવે એ પહેલાં અર્જુનભાઈએ પોલ ખોલી નંખી હતી. પણ, આ ‘ડ્રામા’ પછી ડિસ્ટ્રીબ્યુટર ફિલ્મ ખરીદવા તૈયાર થઈ ગયો હતો ! 

મગર રૂકો જરા… સબર કરો ?। ફિલ્મને થિયેટરોમાં ચલાવવા માટે પણ રામસે બ્રધર્સના દિમાગના નવા નવા ‘સ્ટંટ’ હતા !

એક નુસખો, જે ખરેખર કામ કરી ગયેલો, તે એ હતો કે જ્યાં જ્યાં ‘દરવાઝા’ લાગી હોય ત્યાં થિયેટરની બહાર એક પ્રાયવેટ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ-ટુ, યાને કે ‘ખડે પગે’ ઊભી હોય ! જેથી કોઈ પ્રેક્ષકને હાર્ટ એટેક આવે, છાતીનાં પાટિયાં-બાટિયાં બેસી જાય કે જીવ ગળાના હૈડીયામાં ફસાઈ ગયો હોય તો તરત જ મેડીકલ ટ્રીટમેન્ટ મળી શકે !

બીજો નુસખો એવો હતો કે એમણે છાપામાં જાહેરખબર છપાવેલી કે ‘જે વ્યક્તિ ‘દરવાઝા’ ફિલ્મના રાતના શોમાં થિયેટરમં એકલો બેસીને છેલ્લી સુધી ‘હેમખેમ’ રહીને ફિલ્મ જુએ એને પુરા ૧૦,૦૦૦ રૂપિયાનું ઈનામ ! આવી જાવ !’

જોકે આ ઈનામ લેવાની કોઈએ હિંમત કરી નહોતી !
(ડોરકીપરોએ પણ નહીં.)

રામસે બ્રધર્સ નામની બ્રાન્ડ હોરર ફિલ્મો સાથે એવી જડબેસલાક ચોંટી ગઈ હતી કે, ‘પુરાના મંદિર’ ‘તહેખાના’ ‘વીરાના’ ‘પુરાની હવેલી’ જેવી ટોટલ ૩૦ હોરર ફિલ્મો બનાવી નાંખી હતી ! જેમાંથી એક પણ ફિલ્મે ક્યારેય ખોટ કરી નહોતી.
જ્યારે ટીવીનો જમાનો આવ્યો ત્યારે ‘ઝી ટીવી’ ઉપર રામસે બ્રધર્સનો ‘ઝી હોરર શો’ ૧૯૯૩થી છેક ૨૦૦૧ સુધી નોન-સ્ટોપ ચાલ્યો હતો.

આજે જ્યાં ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી-ટુ’ જેવી હોરર ફિલ્મો બ્લોક બસ્ટર થઈ ગઈ અને ‘તુંબાડ-ટુ’ જેવી ફિલ્મનું તોતિંગ બજેટ ૧૫૦ કરોડે પહોંચ્યું છે ત્યારે યાદ રાખવું જોઈએ કે આ કરોડોની કમાણીના ‘દરવાઝા’ રામસે બ્રધર્સની એક સાડા ત્રણ લાખની ફિલ્મે ખોલી આપ્યા હતા !

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ‘દરવાઝા’ના ખતરનાક કેરેક્ટરનો મેકપ અને માસ્ક હોલીવૂડના જાણીતા મેકપ આર્ટિસ્ટ ક્રીસ્ટોફર ટકર દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો હતો. ખર્ચો થયેલો ૧ લાખ.

* રામસે બ્રધર્સની ‘પુરાના મંદિર’ ફિલ્મમાં શેતાનનો રોલ કરનાર અનિરુદ્ધ અગ્રવાલને કોઈ વિચિત્ર બિમારીને કારણે એમની આંખો વધારે પડતી મોટી અને હાથ-પગના પંજા વધુ પડતા લાંબા થઈ ગયા હતા. એટલે જ એમને આ રોલ મળ્યો હતો ! આજે અનિરુદ્ધ જીવતા છે ને એમના પગની સાઈઝ ‘૧૮’ નંબરની છે !

* વિખ્યાત ફિલ્મમેકરો રામગોપાલ વર્મા અને શ્રીરામ રાઘવન કહે છે કે તેઓ કીશોરવયમાં રામસે બ્રધર્સની ફિલ્મોના ‘ફેન’ હતા !

* અજય દેવગણે રામસે બ્રધર્સની લાઈફ ઉપરથી ફિલ્મ બનાવવાના રાઈટ્સ પણ ખરીદ્યા છે ! હવે તો ડરો ?

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. We too belong to Ramsey fan club. Thanks for bringing up trivia about Fathers of Ghosts. :)

    ReplyDelete
  2. સુમંત વશી શિકાગો.19 June 2026 at 16:03

    54 વરસ પહેલાની ખતરનાક વાત કરીને રુંવાટી ઊભી કરી નાંખી.અતિભયાનક! મજામાં?

    ReplyDelete
  3. રામસે બ્રધર્સનો મોટો ચાહક વર્ગ હતો.

    ReplyDelete

Post a Comment