‘નીટ’ની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું અને સીબીએસઈનાં પેપર તપાસવામાં છબરડાઓની લંગાર બહાર આવી ગઈ !
આના પગલે પગલે ‘કોક્રોચ જનતા પાર્ટી’ની સ્થાપના પણ થઈ ગઈ, છતાં સરકાર પાસે સરખા જવાબો નથી ! તો એમની મદદ માટે અમે એક પેપર ફોડી લાવ્યા છીએ. (જવાબો સાથે..)
***
સવાલ : પેપર લીક કેમ થાય છે ?
જવાબ : (૧) કોંગ્રેસના ટાઈમમાં તો સેંકડો પેપર ફૂટ્યાં છે.
(૨) નહેરુના જમાનામાં તો ‘નીટ’ હતી જ નહીં, લાગવગથી એડમિશનો અપતાં હતાં.
(૩) રાષ્ટ્રવ્યાપી ‘નીટ’ની શરૂઆત અમે જ કરી છે.
(૪) આ રાષ્ટ્રવિરોધી તત્વોનું કાવતરું છે.
***
સવાલ : અરે, પેપર લીક કેમ થાય છે એનો જવાબ તો આપ્યો જ નહીં !
જવાબ : (૧) ઓનલાઈન ડેટા લીક થવાનો પ્રોબ્લેમ આખી દુનિયામાં છે.
(૨) લીકેજ રોકવા માટે ૧૦,૦૦૦ પ્લમ્બરોને ડ્યુટી પર રાખવામાં આવશે.
(૩) પાકિસ્તાનથી છૂપી રીતે સરહદ પરથી ઘૂસાડવામાં આવી છે.
(૪) આ રાષ્ટ્રવિરોધી તત્વોનું કાવતરું છે.
***
સવાલ : સીબીએસઈનાં પેપરો તપાસવામાં આટલી બધી ગરબડો કેમ થઈ છે ?
જવાબ : (૧) તપાસવાની તપાસ બાબતે એક તપાસ કમિટી નીમવામાં આવી છે.
(૨) તપાસ કમિટીનો રીપોર્ટ આવતા જ સખત તપાસનાં આદેશો આપવામાં આવશે.
(૩) કમિટીનો રીપોર્ટ લીક ના થાય એ માટે આર્મીની મદદ લેવામાં આવશે.
(૪) આ રાષ્ટ્રવિરોધી તત્વોનું કાવતરું છે.
***
સવાલ : આવડા મોટાં છબરડાઓના લીધે આખી ‘કોક્રોચ જનતા પાર્ટી’ બની ગઈ. એના વિશે શું કહેશો ?
જવાબ : (૧) અમે તો પહેલાં જ કહ્યું કે આ રાષ્ટ્રવિરોધી તત્વોનું કાવતરું છે.
(૨) બીજી વાર કહીએ છીએ કે રાષ્ટ્રવિરોધી તત્વો અમેરિકા અને પાકિસ્તાનમાં બેઠાં છે.
(૩) ત્રીજી વાર કહીએ છીએ કે રાષ્ટ્રવિરોધી તત્વો ભલે ગમે એટલાં કાવતરાં કરે, ભારતને ‘વિશ્વગુરુ’ બનતાં કોઈ રોકી શકશે નહીં.
(૪) રાષ્ટ્રવિરોધી તત્વોને કચડી નાંખવા માટે એક ખાસ આર્મી સ્ક્વોડની રચના કરવામાં આવશે. આ સ્ક્વોડમાં શ્રેષ્ઠ લોકોની ભરતી માટે એક રાષ્ટ્રવ્યાપી એક્ઝામ લેવામાં આવશે… જેનાં પેપરો લીક ના થાય તેના માટે જે કમિટી નીમવામાં આવશે તેમાં રાષ્ટ્રવિરોધી તત્વો ઘૂસી ના જાય એના માટે આર્મીની મદદ લેવામાં આવશે ! બોલો, ભારત માતા કી જય…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment