બીજું બધું છોડો, મારા-તમારા જેવા હિન્દી ફિલ્મોના આશિકો માટે મહત્ત્વની વાત એ છે કે આ જ ફિલ્મ વડે આપણા સૌના પ્યારા આરડી બર્મનની બોલીવૂડમાં પ્રોપર એન્ટ્રી થઈ હતી !
આની પહેલાં ‘છોટે નવાબ’ ‘ભૂત બંગલા’ (બંને મહેમૂદના પ્રોડક્શનો) ‘તીસરા કૌન’ અને ‘પતિ પત્ની’ જેવી ફિલ્મોનાં બે ચાર ગાયનો જાણીતા થવા છતાં આરડીની જે અસલી ચમક હતી તે ‘તીસરી મંઝિલ’માં જ દેખાઈ.
ખાસ તો પેલાં બે એવરગ્રીન ડાન્સ-સોંગ… ‘આજા આજા મૈં હું પ્યાર તેરા’ અને ‘ઓ હસીના ઝુલ્ફોંવાલી’થી ફિલ્મી કેબ્રેની આખી તાસીર જ બદલાઈ ગઈ.
પરંતુ આગળ વધતાં પહેલાં અહીં એક-બે ‘કરોડપતિ’ સવાલો પૂછવા જેવા છે…
૫૦ હજારની કિંમતનો પહેલો સવાલ એ છે કે ‘આજા આજા મૈં હું પ્યાર તેરા’ ગાયનમાં ‘આ-આ-આ-આજ્જા…’ એવું દર વખતે કેટલી વાર બોલાય છે ?
અને ૧ લાખ માટેનો સવાલ છે કે આખા ગાયનમાં ‘આ-આ-આ-આજ્જા’ એવું ટોટલ કેટલી વાર બોલાય છે ?
સાલું, આ ગાયન નવું નવું સાંભળેલું અને જ્યાં-ત્યાં ગાતા હતા ત્યારે અચૂક ભૂલ પડતી હતી, કે તતડીયા ભમરડાની જેમ ‘આ-આ-આ-આજ્જા’ કેટલી વાર કરવાનું છે અને છેલ્લે કેટલામી વારે ફૂગ્ગામાંથી હવા નીકળી જતી હોય તેમ ‘આ-આ-આ..’ કરી નાંખવાનું છે !
એ તો અમારા એક સિનિયર રાગડા-તાણુ ગાયકે ‘ભણાવેલું’ કે અહીં આઠ વાર ‘આ-આ-આ.. આજ્જા’ કરીને નવમી વાર 'આ-આ-આઆઆ..' કરી નાંખવાનું છે ! આના માટે અમે આંગળીના વેઢા પણ ગણતા થઈ ગયેલા ! (જાણે અમારે કોન્સર્ટમાં લાઈવ પરફોર્મ કરવાનું હોય.)
આ તો થયો ૫૦ હજારનો ‘સહી જવાબ’ ! પણ હવે ૧ લાખના જવાબ માટે જો તમે મોબાઈલ ખોલીને ગાયન સાંભળવા બેસવાના હો તો પ્લીઝ, જાતે જ ગણી લેજો બોસ ! (સહી જવાબ : ટોટલ ૫૪ વાર ! છતાં ભૂલચૂક માફ હોં ?)
અચ્છા, એ જ ગાયન વિશેનો અત્યંત અઘરો સવાલ, કે જેના ૧૦ લાખ મળતા હોય છતાં જવાબ ભાગ્યે જ કોઈને આવડે, તે એ છે કે ‘બોલો, ૨૦૧૭માં આવેલી કઈ ફિલ્મમાં આ જ ગાયનની શરૂઆતમાં જે ટનાટન ગિટારની ધૂન વાગે છે તેની કોપી મારવામાં આવી છે?’
જવાબ છે : ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ અને ગાયન છે ‘યે જ્જવાની તેરી, યે જ્જવાની મેરી, ચૈન સે જીને નહીં દેતી..’
આ તો સારું થયું કે નકલવાળું ગાયન બહુ ચાલ્યું નહીં, નહિતર આપણા ગુજરાતી સંગીતકારો સચિન-જિગરની આરડીના ચાહકો દ્વારા ધુલાઈ થઈ ગઈ હોત.
એમ તો કપિલ શર્માના શોમાં ‘નકલી કરોડપતિ’ આવે છે એમાં પૂછવા જેવો સવાલ પણ છે કે... 'કયા ગીતકારે સાવ બોલચાલની ભાષા જેવા ફાલતું શબ્દો લખીને આરડી બર્મનને માથે માર્યા હતા ?'
ઓપ્શન છે...
(એ) ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ' – ગુલઝાર
(બી) ‘મેરા નામ હૈ શબનમ, પ્યાર સે લોગ મુઝે શબ્બો કહતેં હૈં, તુમ્હારા નામ ક્યા હૈ, લીના, મીના, અંજુ, મંજુ.. યા મધુ’
– આનંદ બક્ષી,
(સી) ‘દેખિયે સાહેબો, વો કોઈ ઔર થી, ઔર યે નાઝની, વો મેરી જાન હૈ, મૈં ઉસ પે મરતા હું !’ - મજરૂહ સુલતાનપુરી
આમાં સૌથી પહેલા આરોપી મજરૂહ સાહેબ હતા. પરંતુ બદનામ થઈ ગયા બિચારા ગુલઝાર ! (જેમને હજી ટપ્પી ના પડી હોય તે જાણી લે કે મજરુહ સાહેબે આવુ ઉટપટાંગ ગીત ‘તીસરી મંઝિલ’માં જ લખ્યું હતું !)
અચ્છા, ‘તીસરી મંઝિલ’ વિશે લખતાં લખતાં આટલે સુધી પહોંચી ગયા છતાં ગોલ્ડી યાને કે વિજય આનંદની વાત કેમ નથી આવી ? તો એનો પણ એક ઓછો જાણીતો કિસ્સો છે.
વાત એમ હતી કે પ્રોડ્યુસર નાસીર હુસૈન એક સાથે બે ફિલ્મો બનાવી રહ્યા હતા જેમાંની બીજી હતી ‘બહારોં કે સપને’ (રાજેશ ખન્નાવાળી) નાસીર હુસૈને વિજય આનંદને ‘બહારોં કે સપને’ ડિરેક્ટ કરવા માટે બોલાવ્યા હતા અને ‘તીસરી મંઝિલ’ પોતે બનાવવા ધારતા હતા. એના હિરો માટે દેવ આનંદ સાથે વાત પણ ચાલેલી. પરંતુ દેવ આનંદ સાથે કોઈ કારણસર વાત જામી નહીં.
પરંતુ એક એક ફિલ્મી પાર્ટીમાં નાસીર હુસૈને દેવ આનંદને કોઈ આગળ એવું કહેતાં સાંભળ્યા કે ‘નાસીર સાહેબ ખરેખર મુરખ છે. સાવ ઓછા બજેટની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ ગોલ્ડી પાસે બનાવે છે અને જે ફિલ્મમાં લાખોની કમાણી છે એમાં પોતે ટાંગ અડાડવા બેઠા છે !’
તે વખતે નાસીર હુસૈન દેવ આનંદ ઉપર બહુ બગડ્યા હતા પણ પછી એમને ગોલ્ડીની અસલી ‘કિંમત’નું ભાન થયું, જેના કારણે વિજય આનંદના હાથમાં ‘તીસરી મંઝિલ’ની કમાન આવી ગઈ ! જેમાં દેવ સાહેબનું ગણિત પણ સાચું પડ્યું કેમકે તે એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ નીકળી !
હિન્દી ફિલ્મના ‘કીડા’ઓને ખ્યાલ હશે કે નાસીર હુસૈનની લગભગ તમામ ફિલ્મમાં એક વાત તો કોમન હોય છે કે હીરો કોઈ બીજાના નામે ક્યંક ઘૂસ મારી ગયો હોય, એ પણ હીરોઈનને પટાવવાના ચક્કરમાં ! (છેક ‘જબ પ્યાર કીસી સે હોતા હૈ’થી ‘કયામત સે કયામત તક’ સુધી આ ચાલ્યું છે, બોલો.)
પણ ‘તીસરી મંઝિલ’માં ઊંધું હતું. અહીં શમ્મી કપૂર પોતે જ ‘રોકી’ નામનો કલાકાર છે છતાં આશા પારેખ આગળ કોઈ ભલતા જ યુવાન (સલીમ ખાન, સલીમ-જાવેદવાળા)ને ‘રોકી’ બનાવીને ધરી દે છે !
કેમ ? કારણ કે આશા પારેખને શંકા છે કે એની બેહેને ‘રોકી’ના પ્રેમમાં જ આત્મહત્યા કરી હતી.
જોકે સસ્પેન્સ તો બહુ અટપટી રીતે ખુલે છે પરંતુ સાવ પાંચ રૂપિયાની કિંમતનો સવાલ એ છે કે આખા મસૂરી ગામમાં બધાને ખબર છે કે ત્યાંની પાર્ક હોટલમાં રોજ રાત્રે જે પરફોર્મ કરે છે તેનું નામ તો ‘રોકી’ જ છે ! બહેન આશા શમ્મીભાઈ જોડે એ જ હોટલમાં નાચવા-ગાવાનો પ્રોગ્રામ પણ પતાવી નાંખે છે છતાં એને ખબર જ ના પડે ?
પણ આવા અઘરા સવાલો ગોલ્ડીભાઈની ફિલ્મ માટે પૂછવાના નહીં ! ઓકે ?
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* પ્રોડ્યુસર નાસીર હુસૈન અને આરડી બર્મન ‘તીસરી મંઝિલ’ પછી છેક ‘ઝબરદસ્ત’ (૧૯૮૫) ૧૯ વર્ષ સુધી કામ કર્યું.
* આરડી બર્મન જેવી ટેલેન્ટને તક આપવાની ક્રેડિટ વિજય આનંદ અને નાસીર હુસૈન બંને લેતા હતા પરંતુ ખુદ આરડીના કહેવા મુજબ મજરૂહ સુલતાનપુરીની ભલામણ વધારે કામ કરી ગઈ હતી.
* ‘તુમ ને મુઝે દેખા’.. ગાયનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ શમ્મી કપૂરને તેની પત્ની ગીતા બાલીનું અવસાન થયાનો ટેલિગ્રામ મળ્યો હતો, છતાં શમ્મીકપૂરે બધું શૂટિંગ ફરીવાર ન કરવું પડે એટલા ખાતર કામ ચાલું રાખેલું.
* ‘ઓ હસીના ઝુલ્ફોંવાલી’માં ગોરા ચિટ્ટા ગુલાબી લેખક સલીમખાન ડ્રમ વગાડતા નજરે પડે છે.
* ફિલ્મમાં ‘રૂપા’ નામનું પાત્ર સબિના નામની એકટ્રેસે ભજવ્યું છે અને ‘સબિના’ નામના પાત્રનો રોલ નીતા નામની યુવતીએ કર્યો છે. બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment