૨૦ વરસ પછીની આ વાત છે…
એક બિઝનેસમેનને અકસ્માત થયો. એ કોમામાં જતા રહ્યા. એ વાતને વીસ વરસ થઈ ગયાં…
એક દિવસ એમની આંખ ખુલી ગઈ ! જોયું તો આજુબાજુ કોઈ જ નથી !
પોતે આઈસીયુમાં સૂતા છે. આખો વોર્ડ લગભગ ખાલી છે. આ બિઝનેસમેનનાં સગાં આટલાં વરસમાં કંટાળીને આવતાં બંધ થઈ ગયાં હતાં. હોસ્પિટલનો સ્ટાફ પણ આઘો પાછો હતો.
બિઝનેસમેને પોતાનો એપ્રોન કાડીને પોતાનાં ઓરીજીનલ કપડાં પહેરી લીધાં. ખિસ્સામાં પડેલાં ક્રેડિટ કાર્ડઝ પણ ચેક કરી લીધાં.
બહાર એક ખુલ્લા પ્લોટમાં કાર-મેળો ચાલી રહ્યો હતો. બિઝનેસમેને ત્યાં જઈને પૂછ્યું :
‘ભાઈ, આ નવી ‘ઓલ્ટો’ કેટલામાં આપવાની છે ?’
પેલાએ મોં બગાડીને કીધું. ‘પંદર હજાર. પણ અહીંથી લઈ જવાની જવાબદારી તમારી.’
બિઝનેસમેનને નવાઈ લાગી. કાર તો સાવ નવી લાગતી હતી ! છતાં બીજી કાર માટે પૂછ્યું.
‘આ ફોર્ડ આઈકોન કેટલાની છે ?’
‘ખાલી ટાઈમપાસ ના કરો. લેવાની તો જ વાત કરો.’
‘હા લેવાની જ છે.’
‘તો… જાવ સત્તાવીસ હજારમાં આપી !’
બિઝનેસમેનને ફરી નવાઈ લાગી ! આટલી સસ્તી ? છતાં રૂઆબ બતાડવા ત્રીજીનો ભાવ પૂછ્યો :
‘હા હોન્ડા એકોર્ડનું શુ છે ?’
‘ત્રીસ હજાર.’
‘ને આ ઓડી ?’
‘એનો સાઈડ મિરર તૂટેલો છે, છતાં ચલો બત્રીસ હજાર.’
‘અને આ મર્સિડીઝ ?
’
‘એના ચાલીસ હજાર થશે. બોલો છે વિચાર !’
બિઝનેસમેને તરત જ કાર્ડ કાઢીને પેમેન્ટ કરી દીધું ! સામે જ પેટ્રોલ પંપ હતો. ત્યાં કાર લઈ જઈને કીધું :
‘ટાંકી ફૂલ કરી દો.’
ટાંકી ભરાઈ ગઈ. એટલે ખિસ્સામાંથી કાર્ડ કાઢીને પૂછ્યું ‘કેટલા થયા ?’
‘બે લાખ પાંસઠ હજાર… બોલો ઓનલાઈન પેમેન્ટ કરો છો કે લોન લીધેલી છે ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment