નવા 'મોબાઈલજન્ય' રોગ !

મોટાભાગના શારિરીક રોગો જંતુજન્ય હોય છે, મતલબ કે જંતુઓને કારણે થતા હોય છે. પરંતુ હવે નવા જમાનામાં નવા ‘મોબાઈલજન્ય’ માનસિક રોગો નીકળ્યા છે ! સંભાળજો…

*** 

ટુજી-ફોબિયા :
આજે બધે ફાઈવ-જી આવી ગયું છે છતાં જ્યારે કોઈ વિડીયો ઝટ ખૂલે નહીં ત્યારે અમુક લોકો જે હદે અકળાઈ જાય છે તેને ‘ટુજી-ફોબિયા’ કહે છે.

*** 

ઇન્ફ્લુએન્ઝિયા :
બે પાંચ હજારનો ખર્ચો લાઈટો અને માઈક્રોફોન પાછળ અને બીજા બે હજાર મેકપ અને હેરસ્ટાઈલ ખર્ચ્યા પછી જ્યારે એમના વિડીયોને દસ-પંદરથી વધારે ‘વ્યુઝ’ નથી મળતા ત્યારે આવા ઇન્ફ્લુએન્સરોની વધી જતી ‘એન્ક્ઝાઈટી’નું આ નવું નામ છે.

*** 

ટ્રોલેરિયા :
રોજ સવાર પડે ને સત્તાવીસ લોકોનાં પેજ પર જઈને ગાળાગાળી, બકવાસ, ધમકી કે ગંદકી ના ઠાલવે ત્યાં સુધી જેને ઝાડો સાફ નથી આવતો એમને આ ‘ટ્રોલેરિયા’ નામનો રોગ થયો હોય છે !

*** 

હાઈ-ટ્રોલેક્સ્પેક્ટન્સી :
ગમે તેટલાં ગતકડાં કરવા છતાં ફોલોઅર્સ વધતા જ ના હોય એવી, પોતાની જાતને સેલિબ્રિટી સમજનારી વ્યક્તિ, જ્યારે કોઈ અશ્લીલ, ભદ્દી કે વાહિયાત હરકત કર્યા પછી સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલિંગ થવાની સખ રાહ જોતી હોય તેવી મનોદશાનં નામ છે : ‘હાઈ-ટ્રોલ-એકસ્પેક્ટન્સી’ !

*** 

એમેઝોનિશીયા :
ઓનલાઈન ડઝનબંધ ચીજો ઓર્ડર કર્યા પછી જ્યારે કોઈ ડીલીવરી મેન ઘરે પાર્સલ આપવા આવે ત્યારે યાદ જ ના આવે કે ‘શેનો ઓર્ડર આપ્યો હતો..?’ એ છે નવી જાતનો ડિમેન્શીયા !

*** 

બ્લિન્કીટેન્કઝાઈટી :
ઓર્ડર કર્યું હોય ફક્ત એક જ સમોસું ! પણ ‘હજી કેમ ના આવ્યું’ કરીને જે ટેન્શન (એન્ક્ઝાઈટી) થાય છે તે રોગનં મૂળ કારણ ‘બ્લિન્કીટ’ છે !

*** 

ઝોમેન્ટોન્ગ્રી અને સ્વિગીપેન્ડન્સ :
ભૂખ લાગે કે તરત ‘ઝોમેટો’ જ યાદ આવે તેને ‘ઝોમેટોભૂખ’ કહે છે ! અને ગૃહિણીને ઘરે રસોઈ કરવાની આળસને કારણે તે બિચારી જે રીતે ‘સ્વિગી-અવલંબી’ બની જાય છે, તે તો ઘણી જ વ્યાપક બિમારી છે, આજકાલ !

***

- મન્નુ શેખચલ્લી

Comments