જ્યારથી ખબર પડી છે કે પેટ્રોલમાં જે ઇથોનોલ નામનું કેમિકલ ઉમેરવામાં આવે છે તે તો શેરડીના રસમાંથી બને છે… ત્યારથી અમને એક ડર પેસી ગયો છે !
… કે હવે તો આપણાં વાહનોને પણ ‘ડાયાબિટીસ’ થવાનો ! અને, એ પછી તો શું શું થશે ?...
***
અત્યારે જે રીતે આપણે પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ)નું સર્ટિફીકેટ દર છ મહિને લેવું પડે છે એ જ રીતે હવે એસયુસી (સ્યુગર અંડર કંટ્રોલ)નું સર્ટિ. લેવું પડશે !
***
એ તો ઠીક, હવે ટ્રાફિક પોલીસવાળા ગમે ત્યાં આપણને અટકાવીને પૂછશે : ‘સ્કૂટરનું શ્યુગર ચેક કરાવ્યું છે ?’
***
કારને એવરેજ ઘટી જશે ત્યારે મિકેનિક ચેક કરીને કહેશે : ‘સાહેબ, કારની કીડની બગડી ગઈ છે ! આ લો, રોજની દસ ટિકડી ટાંકીમાં નાંખવી પડશે !’
***
પેટ્રોલ પંપ ઉપર બે જાતનાં પેટ્રોલ મળતાં હશે. એક ‘નોર્મલ’ અને બીજું ‘શ્યુગર ફ્રી’ !
***
બાઈક ઝટકા ખાતી હોય તો મિકેનિક ચેક કરીને કહેશે : ‘મશીનમાં આખી શ્યુગર ફસાઈ જાય છે ! તમે પેટ્રોલની જોડે જોડે કારેલાંનો રસ મિક્સ કરવાનું રાખો !’
***
ગેરેજો પર પાટિયાં મારેલાં હશે : ‘જુનાં ખખડી ગયેલાં વાહનોનું અહીં ‘ડાયાલિસિસ’ કરી આપવામાં આવે છે !’
***
અરે, છાપામાં જાહેરાત આવતી હશે : ‘યોગા વડે વાહનનું શ્યુગર ગેરંટીથી ઘટાડી આપવામાં આવશે !’
***
અભી તો રૂકો…
મેડિકલ કોલેજોમાં નવી બ્રાન્ચો ખુલશે : ‘ઓટોમોબાઈલ મેડિસીન એન્ડ સર્જરી કોલેજ ઓફ એક્સેલન્સ’ !
***
અને છેલ્લે, એ દિવસ પણ દૂર નથી જ્યારે તમારું વાહન ગરમ થઈ જશે તો આ ડોક્ટરો કહેશે કે ‘આમ તો વાયરલ ફીવર લાગે છે.. પણ આ સાત ટેસ્ટ કરાવી લો, એટલે એક્ઝેક્ટલી શું તકલીફ છે એ ખબર પડી જશે !’
***
આખરે એક ઘટના એવી પણ બનશે કે જ્યાં ‘વ્હીકલ કીડની કેમ્પ’માં સેંકડો વાહનો ભેગાં થયાં હશે ત્યાં ઓર્ડીનરી મિકેનિકો અને ‘ઓટોમોબાઈલ ડોક્ટરો’ વચ્ચે હાથોહાથની મારામારી ફાટી નીકળશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment