ટ્રમ્પની સાચી લાગતી જોક્સ !

દુનિયાના સૌથી ખતરનાક અને સૌથી ચસકેલ ખોપડીના કહેવાય એવા ટ્રમ્પ વિશે જે જોક્સ બને છે એને સાંભળતાં ઘણીવાર થાય કે ‘યાર, આ જોક નહીં, આ તો રીયાલીટી લાગે છે !’ લો સાંભળો...

*** 

સોશિયલ મિડીયા ઉપર પોપની ભદ્દી મજાક કર્યા પછી એકવાર ટ્રમ્પ પોપને મળવા માટે વેટિકન સીટી ગયા.

અહીં પોપને નિહાળવા માટે હજારો લોકોની ભીડ ભેગી થઈ હતી. ગેલેરીમાં પોપની સાથે ટ્રમ્પ પણ આવીને ઊભા હતા.
પોપે કહ્યું : 

‘બોલો, એક ચમત્કાર જોવો છે ? હું માત્ર મારી હથેળી એક જ વાર ઘુમાવીશ એટલામાં તો આ હજારોની મેદની પાગલોની જેમ ખુશીથી નાચવા લાગશે !’

ટ્રમ્પ કહે ‘વાતમાં શું માલ છે ? ચાલો ઘુમાવો હથેળી, હું પણ જોઉં તો ખરા ?’

પોપે તરત જ હથેળી વડે ટ્રમ્પના ગાલ ઉપર એક લાફો ઠોકી દીધો !

વેટિકનમાં લોકો હજુ સુધી નાચી રહ્યા છે...

*** 

ટ્રમ્પ એકવાર એક નિશાળમાં ગયા. ત્યાં જઈને બાળકોની પરીક્ષા લેવા માટે પૂછે છે : ‘બોલો બાળકો, ‘કરૂણ ઘટના’ કોને કહેવાય ?’

એક બાળકે કહ્યું : ‘દાખલા તરીકે મારો પ્રિય કૂતરો એક દિવસ અચાનક મરી જાય…’

ટ્રમ્પ કહે : ‘ના, એ તો ‘દુઃખદ ઘટના’ કહેવાય.’

બીજો બાળક કહે છે : ‘ધારો કે એક સ્કુલ બસ પ્રવાસે ગઈ છે અને એક ખીણમાં ગબડી જાય છે. એમાં તમામ બાળકો મરી જાય છે…’

ટ્રમ્પ કહે : ‘ના. એ તો ‘ગોઝારી ઘટના’ કહેવાય.’

હવે બાળકો વિચારી રહ્યાં છે. થોડીવાર પછી એક બાળક ઊભો થઈને કહે છે :

‘પ્રેસિડેન્ટ ટ્રમ્પ, તમે એક દિવસ તળાવમાં નહાવા પડો છો અને ડૂબીને મરી જાઓ છો.’

ટ્રમ્પ તરત જ બોલી ઉઠ્યા : ‘વાહ ! જોયું ? આને કહેવાય ‘કરુણ ઘટના’ ! પણ બોલો, શા માટે એને કરુણ ઘટના કહેવાય?’

પેલો છોકરો કહે છે : ‘સર, એટલા માટે કે એ ઘટના ‘ગોઝારી’ પણ ના કહેવાય અને ‘દુઃખદ’ પણ ના કહેવાય !’

***

- મન્નુ શેખચલ્લી

Comments