કશું નવું આવે અને સોશિયલ મિડીયામાં વાયરલ થઈ જાય તેને જેન-ઝિવાળા ‘ટ્રેન્ડીંગ’ અને ‘ઇન-થિંગ’ કહે છે. રાઈટ ?
તો આજકાલ પોલિટીક્સમાં પણ નવું ‘ટ્રેન્ડીંગ’ ચાલ્યું છે કે પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જવાનું !
આવા નેતાઓને કોઈ કશું પૂછતા ય નથી ? અને જો મતદાર પૂછે તો ? સાંભળો…
***
મતદાર : ‘હજી હમણાં તો તમને વોટ આપીને જીતાડ્યા હતા. આટલી વારમાં તમે ભાજપમાં જોડાઈ ગયા ?’
નેતા : ‘હા, કેમકે અમારી જુની પાર્ટીમાં અમારું મહત્વ નથી રહ્યું.’
‘પણ તમે તો ચૂંટણી વખતે તો કહેતા હતા કે ભાજપ ભ્રષ્ટાચારી છે.’
‘તે હવે અમે પણ ભ્રષ્ટાચારી થઈશું ને ?’
‘તમે કહેતા હતા કે ભાજપ તો કોમવાદી છે.’
‘ના ના, અમને સમજાયું કે ભાજપ તો હિન્દુવાદી છે.’
‘પણ તમે તો કહેતા હતા કે લઘુમતીને ભાજપથી ખતરો છે.’
‘ના ના, ખરેખર તો ભારતને લઘુમતીથી ખતરો છે !’
‘પણ એ જ લઘુમતી મતદારોએ તમને ખોબલે ખોબલે મત આપ્યા છે. આ વિશ્વાસઘાત ના કહેવાય ?’
‘અમને હવે ભાજપમાં વધારે વિશ્વાસ છે !’
‘તમે તો કહેતા હતા કે ભાજપમાં સરમુખત્યારશાહી છે.’
‘હા, પણ દીદીની, કેજરીવાલની કે સંજય રાઉતની સરમુખત્યારશાહી કરતાં વધારે સારી છે !’
‘અને તમે તો બોલ્યા હતા કે આ જન્મારે તો શું, આવનારા સાત જનમમાં તમે ભાજપમાં નહીં જોડાઓ !’
‘એકચ્યુલી, હવે અમારો આઠમો પુનર્જન્મ થયો છે ! હીહીહી…’
‘પણ અમે તો તમને એટલા માટે વોટ આપ્યા હતા કે તમે ભાજપની વિરુદ્ધમાં છો ! તમે તો પોતે જ ભાજપમાં જોડાઈ ગયા ! લાવો, અમારો વોટ અમને પાછો આપો !’
‘એ તો હવે ના મળે ! પાંચ વરસ રાહ જુઓ.’
‘આ તો દગાબાજી છે.’
‘જરાય દગાબાજી નથી… તમે જોજો, તમે પોતે જ પાંચ વરસ પછી ભાજપને વોટ આપશો !’
‘હેં ?’
‘હા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment