સવારે તાજગી લાવે
ને સાંજે થાક મિટાવે
સહુ ગુજરાતીઓ જાણે
કે એ તો ‘ચાહ’ છે !
***
બનાવે કીટલીને પણ મંચ
ઉધારી કોને ના ફાવે ?
અહીં એક પાર્લે, બે ખારી
તમારો ટાઈમ જો તાણે
સહુ ગુજરાતીઓ જાણે
કે એ તો ‘ચાહ’ છે !
***
બિચારી હોય ‘અડધી’ તોય
‘પુરી’ યારી નિભાવે છે
અહીં કડક છતાં મીઠી
દોસ્તી કોણ ટકાવે છે ?
સહુ ગુજરાતીઓ જાણે
કે એ તો ‘ચાહ’ છે !
***
કવિની મહેફિલોમાંથી ચ્હા
ઓફિસનાં ટેબલોમાં ચ્હા
પોલીસ જો પકડે રસ્તામાં
છોડાવે કોણ ? બોલો હા…
સહુ ગુજરાતીઓ જાણે
કે એ તો ‘ચાહ’ છે !
***
સરકારી ફાઈલો ઉઘાડે
નેતાઓને ય દોડાવે
દિલ્હીમાં બેઠાંબેઠાં કોણ
બધાને ઊઠાં ભણાવે ?
સહુ ગુજરાતીઓ જાણે
કે એ તો ‘ચાહ’ છે !
***
સગાંઓનાં સંબંધ રાખે
પડોશમાં પ્રેમ પણ બાંધે
ઘરે મહેમાન આવે તો
અચૂક જ પ્યાલીમાં આવે
સહુ ગુજરાતીઓ જાણે
કે એ તો ‘ચાહ’ છે !
***
આળસ ભગાડે ચ્હા
ઊંઘ પણ ઉડાડે ચ્હા
ભમે શું માથું કોઈનું
દિમાગે આઈડિયા લાવે
સહુ ગુજરાતીઓ જાણે
કે એ તો ‘ચાહ’ છે !
***
કોઈકને મોળી જ ભાવે
કોઈ લે કાળીની ચૂસકી
ટ્રેનોમાં વિમાનોમાં
સફર હો લાંબી કે ટુંકી
સહુ ગુજરાતીઓ ‘માણે’
કે એ તો ‘ચાહ’ છે !
***
ખુશ્બુ દૂરથી આવે
તલબ પણ એ જ ઉશ્કેરે
ભળે જો આદુ ફૂદીનો
હજારો દિલને લલચાવે
સહુ ગુજરાતીઓ જાણે
કે એ તો ‘ચાહ’ છે !
***
ભલેને સ્વર્ગમાં મળતી
કોઈ અમૃત પિયાલીઓ
અહીં ધરતીની જન્નત છે
બસ આ કપ-રકાબીમાં !
સહુ ગુજરાતીઓ જાણે
કે એ તો ‘ચાહ’ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment